- Gujarati News
- Sports
- Cricket
- The World’s Largest Cricket Stadium With A Seating Capacity Of 1 Lakh 10 Thousand Is Ready For Spectators, Learn A To Z Detail With New Video
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ12 મિનિટ પહેલાલેખક: મનન વાયા
- કૉપી લિંક
ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ – ‘મોટેરા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 63 એકર જમીનમાં પથરાયેલું સ્ટેડિયમ અને 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમનો શુભ આરંભ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ડે-નાઈટ ટેસ્ટથી થશે. કોરોનાના લીધે કુલ કેપેસિટીના 50% દર્શકોને પ્રવેશ મળશે. એટલે કે 55 હજાર લોકો ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને ચીયર કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી તેને માત આપી છે. આ સ્ટેડિયમનો બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? તેની ખાસિયત શું છે? આ રિપોર્ટમાં વાંચો સ્ટેડિયમની A to Z વિગત.
મોટેરા મોદીનું વિઝન છે
સ્ટેડિયમ વિશે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોશિયેસનના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ ભાસ્કરને થોડા સમય પહેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમે ત્યારના ગુજરાત ક્રિકેટ એસોશિયેસનના તત્કાલીન પ્રેસિડેન્ટ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂના અર્ધા સ્ટેડિયમને ડિમોલીશ કરીને રિનોવેટ કરવાની વાત કરી હતી. જોકે તેમનું વિઝન તદ્દન જુદું હતું. તેમણે મને પૂછ્યું કે સ્ટેડિયમને કેટલો સમય થઇ ગયો છે? મેં કહ્યું 25 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તો તેમણે કહ્યું કે સ્ટેડિયમને અર્ધું તોડીને રિનોવેટ કરવાનો કોઈ અર્થ નથી.
મોદીનું ડ્રિમ હંમેશા નંબર 1 બનવાનું રહ્યું છે. મોદીએ અમને કહ્યું કે વર્લ્ડના ક્યા ક્યા સ્ટેડિયમ સૌથી મોટા છે? અમે કહ્યું કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન અને સિડનીનું સ્ટેડિયમ છે. તેમજ અમે તેમને કહ્યું કે તમે કહેશો એ પ્રમાણે મોટામાં મોટું સ્ટેડિયમ બનાવશું. તો તેમણે કહ્યું કે બનાવવું જ હોય તો આપણે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવીએ અને અમને 1 લાખથી વધુની બેઠક ક્ષમતાવાળું બનાવવા કહ્યું હતું. તે દરમિયાન અત્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ક્રિકેટના પ્રેસિડેન્ટ બન્યા હતા. એમનું પણ એજ ડ્રિમ હતું અને એમણે કહ્યું કે, ‘સાહેબે કીધું છે 1 લાખ તો આપણે 1 લાખને 10 હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ બનાવીએ.’

મોટેરા સ્ટેડિયમનો અંદરનો નજારો
360 ડિગ્રી સ્ટેડિયમ
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશા આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે. જેને લીધે પીલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એક પણ પીલર નથી. મતલબ કે કોઈ પણ સ્ટેન્ડમાં બેસીને મેચો જોવો આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે. નોર્થ પેવેલિયનનું નામ રિલાયન્સ જિયો નોર્થ સ્ટેન્ડ છે અને સાઉથ પેવેલિયનનું નામ અદાણી સાઉથ સ્ટેન્ડ છે.
દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ જ્યાં 11 મલ્ટીપલ પિચ
30 જાન્યુઆરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલે કહ્યું હતું કે “મોટેરા દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ છે, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે. 6માં રેડ સોઇલ અને 5માં બ્લેક સોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો 13 પિચ થઈ શકે એમ છે, પરંતુ બોલર રનરઅપ અને અન્ય સ્પેસ માટે આંકડો 11 સુધી સીમિત રાખવામાં આવ્યો છે.”
76 કોર્પોરેટ બોક્સ
સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ બોક્સ છે. આ કોર્પોરેટ બોક્સમાં બેસીને VIP લોકો મેચનો લુફ્ત ઉઠાવશે. દરેક બોક્સમાં 25 સીટ છે, મતલબ કે કે સ્ટેડિયમમાં મોટી હસ્તીઓ માટે 1900 સીટ્સ રિઝર્વ્ડ છે. તે ઉપરાંત આ વખતે દરેક સ્ટેન્ડમાં ફૂડ અને હોસ્પિટાલિટી સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે. કોઈ પણ ખૂણે બેઠેલો ફેન સામાન્ય સુવિધા આરામથી મેળવી શકશે.
વરસાદ પડશે તો પણ મેચ રદ નહીં થાય, 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે
2019ના વર્લ્ડ કપમાં વરસાદે વિલનની ભૂમિકા ભજવી હતી. વરસાદ તો બંધ થાય પણ ગ્રાઉન્ડ કોરું થાય ત્યારે જ મેચ શરૂ થાય ને! મોટેરા ખાતેની મોટેરામાં સબ સોઇલ ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે ગમે તેટલો વરસાદ ભલેને પડે મેક્સિમમ 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે. ખેલાડીઓ અને ફેન્સ સુનિશ્ચિત રહેશે કે વરસાદ અટકે તો મેચ શરૂ થવામાં વધુ સમય નહીં લાગે. 8 સેન્ટિમીટર સુધી વરસાદ પડશે તો પણ મેચ કેન્સલ નહીં થાય.
ભારતમાં પ્રથમ વખત LED લાઇટ્સનો ઉપયોગ થશે
આપણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં બહુ વખત LED લાઇટ્સનો ઉપયોગ જોયો છે. મોટેરા ભારતનું પ્રથમ સ્ટેડિયમ બનશે કે જેમાં LED લાઇટ્સનો ઉપયોગ થશે. આ LED લાઇટ્સના ઉપયોગથી પડછાયો દૂર થશે.
ઈન-બિલ્ટ જિમ્નેશિયમ સાથે 4 ડ્રેસિંગ રૂમ
સ્ટેડિયમમાં ઈન-બિલ્ટ સ્ટેડિયમ સાથે 4 ડ્રેસિંગ રૂમ છે. તે આ સુવિધા વાળું દુનિયાનું એકમાત્ર સ્ટેડિયમ છે. દરેક ડ્રેસિંગ રૂમ સાથે જિમ્નેશિયમ અટેચ્ડ છે. સ્ટેડિયમમાં 6 ઇન્ડોર પિચ છે, ત્યાં બોલિંગ મશીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સ્ટેડિયમ કોણે બનાવ્યું છે?
ઓસ્ટ્રેલિયન કંપની પોપ્યૂલસ કન્સેપ્ટ આર્કિટેક્ટ છે; L&T ડેવલપર (ડિઝાઇન અને નિર્માણ) છે તથા STUP કન્સલ્ટન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) છે. પોપ્યૂલસ કંપનીએ 2012 લંડન ઓલિમ્પિક્સમાં આર્કિટેક્ટ તરીકે ફરજ નિભાવી હતી.
મોટેરાનું ક્લબ હાઉસ
અત્યાધુનિક ક્લબ હાઉસ, જેમાં છે 50 ડિલક્સ રૂમ અને પાંચ સ્યૂટ રૂમ, ઇનડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક સાઇઝનો સ્વીમિંગ પૂલ, જિમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર/ટીવી રૂમ.
અન્ય રમતોના કોચિંગ ક્લાસીસ પણ ખરા
ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટે ક્રિકેટ એકેડમી તૈયાર થઈ રહી છે. તે ઉપરાંત ફૂટબોલ, હોકી, બાસ્કેટ બોલ, કબ્બડી, બોક્સિંગ, લોન ટેનિસ, રનિંગ ટ્રેક, જેવી અન્ય રમતો માટે સ્પોર્ટ્સ એકેડેમી તૈયાર થશે.

GCA હોલ ઓફ ફેમ.
ફોટો અને વીડિયો: કિશન પ્રજાપતિ
Leave a comment