- કોરોનાથી આવેલા આર્થિક સંકટમાં સહારો બન્યું PF, માત્ર 3 મહિનામાં ઉપાડમાં 325% નો વધારો
- જેટલા ક્લેમ આખા વર્ષમાં થતા એટલા લૉકડાઉનના 3 મહિનામાં જ થયા
ગૌરવ તિવારી
Jul 15, 2020, 04:22 AM IST
અમદાવાદ. કોરોનાએ માત્ર લોકોનો રોજગાર જ નથી આંચકી લીધો પણ તેમની વર્ષોની બચત પણ સાફ કરી દીધી છે. ગુજરાતમાં ઇપીએફઓ વિભાગના આંકડા મુજબ આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં રેકોર્ડબ્રેક 4.05 લાખ લોકોએ પોતાના પીએફના પૈસા ઉપાડવા માટે અરજી કરી હતી. આ અગાઉ જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિનામાં 1.25 લોકોએ પીએફ ઉપાડવા અરજી કરી હતી. જાન્યુઆરીથી માર્ચની તુલનામાં એપ્રિલથી જૂન સુધીમાં પીએફ ઉપાડવા માટે અરજી કરનારાઓમાં 325 %નો વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન ઉપાડવામાં આવેલું ફંડ પણ 325 ટકા વધીને 836.29 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું હતું, જે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન 258 કરોડ રૂપિયા હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોરોના દરમ્યાન ઇપીએફઓ વિભાગને લોકોના ક્લેમ ઝડપથી પાસ કરીને ખાતામાં પૈસા જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી લોકોને લાંબો સમય રાહ જોવી પડે નહીં. ઇપીએફઓ વિભાગના અધિકારી જણાવે છે કે ગત ત્રણ મહિનામાં જેટલા ક્લેમ પાસ થયા છે એટલા અગાઉ એક વર્ષમાં પાસ થતા હતા. અમદાવાદ ઓફિસમાં ગત નાણા વર્ષ 2019-20માં કુલ 5.01 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે માત્ર ત્રણ મહિનામાં જ ગુજરાતમાં ચાર લાખથી વધારે ક્લેમ થઈ ચૂક્યાં છે. એ જ રીતે ગત વર્ષમાં 1033.70 કરોડ રૂપિયા ખાતામાં જમા થયા હતા. જે આ વર્ષે ત્રણ મહિનાના ફંડથી માત્ર 200 કરોડ રૂપિયા જ વધારે છે.એવું અનુમાન છે કે આગામી મહિનાઓમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે.
98% ક્લેમ કોરોનાવાળા, માત્ર 2 % અન્ય કારણોએ નાણાં ઉપાડ્યા
પીએફ કચેરીના જણાવ્યા પ્રમાણે લગભગ 98 ટકા ક્લેમ ફોર્મ 31 અને ફોર્મ 19 હેઠળ આપવામાં આવ્યા છે. જેમાં કોવિડનો ઉલ્લેખ કરવો પડતો હતો. અન્ય જરૂરિયાતવાળા અરજદારો માત્ર 2 ટકા હતા. ફોર્મ 31માં અભ્યાસ, ઘરનું સમારકામ વગેરે માટે નાણાં ઉપાડી શકાતા છે. જ્યારે ફોર્મ 19માં નોકરી છૂટી જવાથી ફંડ કાઢી શકાય છે. જો કે ફોર્મ 19 હેઠળ માત્ર એવા લોકોને જ ફંડ અપાય છે જેઓ નોકરી જવાથી બે મહિનાથી ઘરે બેઠા છે. કોરોનાના લીધે ઇપીએફઓએ નિયમોમાં છૂટ આપી છે.
ગુજરાતમાં PF ઉપાડ ત્રણ ગણો
– | જાન્યુ.-માર્ચ | એપ્રિલ-જૂન |
અરજી | 1,25,267 | 4,05,374 |
પ્રતિ દિવસ ક્લેમ | 1372 કરોડ રૂપિયા | 3935 કરોડ રૂપિયા |
ફંડ ઉપાડ | 258 કરોડ રૂપિયા | 836.29 કરોડ રૂપિયા |
કોરોના પછી વધુ અરજી
મધ્ય એપ્રિલથી મે સુધીના 45 દિવસોમાં આશરે 1.28 લાખ લોકોએ અરજી કરી હતી. તેમને 265 કરોડ રૂપિયાનું ફંડ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં પ્રતિ દિવસ 1372 અરજી મળતી હતી, જ્યારે કોરોના કાળમાં અરજીઓની સંખ્યા વધીને પ્રતિ દિવસ સરેરાશ 3935 થઇ ગઈ.
ઉપાડનારામાં 81% એવા જેમનું વેતન 15000થી ઓછું
પ્રોવિડન્ડ ફંડ વિભાગના જણાવ્યા અનુસાર પીએફ ઉપાડનારામાં 81 ટકા એવા કર્મચારી છે જેમનું માસિક વેતન 15 હજાર કે તેથી ઓછું છે. 15 હજારથી 50 હજાર વેતન ધરાવતા અરજદારો 13 ટકા છે. જ્યારે 50 હજારથી વધારે વેતન ધરાવનારા અરજદારોની સંખ્યા માત્ર 4 ટકા છે. પીએફમાંથી નાણા ઉપાડવામાં અગાઉ 15-20 દિવસ લાગતા હતા પણ કોરોના કાળ દરમ્યાન આ પ્રક્રિયા માત્ર 72થી 90 કલાકમાં પૂરી કરવામાં આવે છે.
અમદાવાદ પીએફ ઑફિસના રિજનલ કમિશનર મનોરંજન કુમારે જણાવ્યું કે, અમદાવાદ પીએફ ઑફિસે અરજદારોના ક્લેમ ઝડપથી સેટલ કરવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અથાક મહેનત કરી છે. આ માટે ઑફિસને નિયમિતપણે સેનેટાઇઝ કરવામાં આવતી હતી. લોકોને કચેરીએ આવવું ન પડે અને ઇન્ફેક્શન ફેલાય નહીં એ માટે તમામ કામગીરી ઑનલાઇન કરવામાં આવી રહી છે.
Leave a comment