38 વર્ષ પહેલાં જુલાઈ મહિનામાં જ બિગ બી 62 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતાં, જિજીવિષાની આગળ મોત હારી ગયું


દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:22 PM IST

મુંબઈ. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન હાલ મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. તેમની તબિયત સારી છે અને ઓક્સિજન લેવલ પણ સામાન્ય છે. વિશ્વભરમાં તેમના ચાહકો તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. 38 વર્ષ પહેલાં ત્યારે પણ જુલાઈનો મહિનો હતો ત્યારે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં અને 62 દિવસ સુધી જીવન અને મોત વચ્ચે ઝઝૂમતા હતા. જોકે, જીવવાની જીદ આગળ મોત પણ હારી ગયું હતું. 

તે 62 દિવસોની વાત પર એક નજર
24 જુલાઈ, 1982ના રોજ ગંભીર ઘટના બની હતી
આ ઘટના એક ફાઈટ સીન દરમિયાન બની હતી. 24 જુલાઈ, 1982ના રોજ બેંગલુરૂમાં ‘કુલી’નું શૂટિંગ ચાલતું હતું. એક્શન ડિરેક્ટરના સૂચનો પ્રમાણે, શૂટિંગમાં પુનિત ઈસ્સારે અમિતાભ બચ્ચનના મોં પર મુક્કો મારવાનો હતો અને અમિતાભને ટેબલ પર પાડી દેવાના હતાં.

મનમોહન દેસાઈની આ ફિલ્મ 2 ડિસેમ્બર, 1983માં રિલીઝ થઈ હતી

અમિતાભને બૉડી ડબલનો યુઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, અમિતાભ સીનમાં રિયાલિટી ઈચ્છતા હતાં અને આ સીન તેમણે જાતે જ કરવાનો નિર્ણય લીધો. સીન એકદમ રિયલ લાગ્યો અને સેટ પર હાજર રહેલાં લોકોએ તાળીઓ પણ પાડી હતી. અમિતાભ બચ્ચનના ચહેરા પર હાસ્ય હતું પરંતુ તેને પેટમાં થોડો દુખાવો થતો હતો.

તમામને લાગ્યું સામાન્ય ઈજા થઈ છે
સીન દરમિયાન બિગ બીને ટેબલનો એક ખૂણો તેમને પેટમાં વાગ્યો હતો. જોકે, તમામને આ ઈજા સામાન્ય લાગી હતી. લોહીનું એક ટીપું પણ પડ્યું નહોતું. અમિતાભ હોટલ જતા રહ્યાં પરંતુ દુખાવો ઓછો થયો નહીં. બીજા દિવસે એટલે કે 25 જુલાઈના રોજ દુખાવો ઓછો થવાને બદલે વધી ગયો હતો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એક્સરે પાડવામાં આવ્યો પરંતુ ડોક્ટર્સને કઈ ખબર ના પાડી અને અમિતાભને ઊંઘની દવા આપીને સૂવડાવી દેવામાં આવ્યા હતાં.

આ વાતની જાણ થતાં જ તેજી, પત્ની જયા તથા ભાઈ અજિતાભ બેંગલુરુ આવ્યા હતાં. તેઓ અમિતાભને મુંબઈ લાવવા ઈચ્છતા હતાં પરંતુ ડોક્ટર્સે ના પાડી દીધી હતી. ત્રીજા દિવસે એટલે કે 26 જુલાઈએ અમિતાભની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.

અમિતાભના પર્સનલ ફિજિશિયન ડો. કે એમ શાહને બોલાવવામાં આવ્યા હતા. તેમણે તરત જ અમિતાભને બેંગલુરૂની સેન્ટ ફિલોમેના હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતાં. અહીંયા એક્સરે પાડવામાં આવ્યો પરંતુ તેમાં કંઈ જ ના આવતા ડોક્ટર્સને પણ ખ્યાલ આવ્યો નહીં. જોકે, મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું હતું કે અમિતાભના હજી વધુ ટેસ્ટ કરાવવાની જરૂર હતી. ફરીવાર એક્સરે કરાવવામાં આવ્યો પરંતુ તેનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવામાં આવ્યો નહીં. જાણીતા સર્જન એચ એસ ભટ્ટે કહ્યું હતું કે જો દવાઓથી અમિતાભની હાલત ના સુધરી તો ઓપરેશન કરવામાં આવશે. 

પેટ ખોલ્યા બાદ અમિતાભ ડોક્ટર્સ પણ નવાઈમાં મૂકાયા
ચોથા દિવસે એટલે કે 27 જુલાઈના રોજ અમિતાભ બચ્ચનની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. આ દરમિયાન અમિતાભને ઘણો જ તાવ હતો અને તેમને વારંવાર ઉલટી થતી હતી. બપોરના અઢી વાગે તેમની સ્થિતિ ઘણી જ બગડી ગઈ હતી. તેમના હાર્ટબીટ 72ને બદલે 108ની સ્પીડે ચાલતા હતાં. તે કોમામાં જતા રહ્યાં હતાં. 27 જુલાઈના રોજ ડોક્ટર્સે ચાર વાગે ઓપરેશન શરૂ કર્યું. તેમણે અમિતાભનું પેટ ચીરીને જોયું તો તેઓ નવાઈમાં પડી ગયા હતાં. અમિતાભના નાના આંતરાડાની આંતરત્વચા પૂરી રીતે ફાટી ગઈ હતી. ડોક્ટર્સના મતે, આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માત્ર ત્રણ-ચાર કલાક જ જીવી શકે છે. જોકે, અમિતાભ આ પરિસ્થિતિમાં ત્રણ દિવસ સુધી પસાર થયા હતાં. ડોક્ટર્સે પેટની સફાઈ કરી અને આંતરત્વચા સીવી દીધી હતી. સાંજે સાત વાગે ઓપરેશન પૂરું થયું હતું.

શરીરમાં ઝેર ફેલાય ગયુ, લોહી પણ પાતળું થઈ ગયું
28 જુલાઈ એટલે કે ઓપરેશનના એક દિવસ પછી અમિતાભને ન્યૂમોનિયા થઈ ગયું હતું. તેમના શરીરમાં ઝેર ફેલાતું જતું હતું અને લોહી પાતળું થઈ રહ્યું હતું. બ્લડ ડેન્સિટી સુધારવા માટે બેંગલુરુમાં સેલ્સ નહોતા અને તેથી જ તે ખાસ મુંબઈથી લાવવામાં આવ્યા હતાં. લોહીમાં સેલ્સ આવ્યા બાદ અમિતાભની તબિયત ચાર દિવસમાં પહેલી જ વાર સુધારા પર આવી હતી પરંતુ બીજા જ દિવસે પાછી ખરાબ થઈ ગઈ. ડોક્ટર્સે બિગ બીને મુંબઈ મોકલવાનો નિર્ણય લીધો હતો. 

અંતે, એરબસમાં અમિતાભને મુંબઈ મોકલવાનું નક્કી થયું હતું. સ્ટેચર પર સૂતેલા અમિતાભને ક્રેનની મદદથી એરબસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. એરબસ 31 જુલાઈના રોજ સવારે પાંચ વાગે મુંબઈ આવી અને અહીંથી બિગ બીને બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. પહેલી ઓગસ્ટે તેમની તબિયતમાં સુધારો થયો હતો.

અમિતાભ બચ્ચનની સલામતી માટે દેશભરમાં પ્રાર્થાના તથા પૂજા થવા લાગી હતી

ડોક્ટર્સે કહ્યું, દવા નહીં દુઆની જરૂર
2 ઓગસ્ટે અચાનક અમિતાભની તબિયત ખરાબ થઈ હતી. શરીરમાં સતત ઝેર ફેલાતું હતું. ડોક્ટર્સે કહ્યું હતું કે બીજીવાર ઓપરેશન કરવું પડશે. ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું અને ડોક્ટર્સે પહેલી વાર કહ્યું કે તબિયત ઘણી જ નાજુક છે અને દવાની સાથે સાથે દુઆની પણ જરૂર છે. 

અમિતાભની તબિયત સતત બગડતી જતી હતી. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. ડોક્ટર્સે કૃત્રિમ નળી લગાવી હતી. થોડાં દિવસો સુધી અમિતાભની તબિયત નરમ-ગરમ રહી હતી. ક્યારેક 101 ડિગ્રી તાવ આવતો હતો તો ક્યારેક આંતરડામાં પરુ થઈ જતું હતું. 

200 લોકોએ અમિતાભને લોહી આપ્યું
દરેક વ્યક્તિ અમિતાભને લોહી આપવા તૈયાર હતું. પુનીત ઈસ્સારની પત્ની, સ્વ. શમ્મી કપૂરની દીકરી, પરવીન બાબી સહિત 200 લોકોનું લોહી અમિતાભને ચઢાવવામાં આવ્યું હતું. ડોક્ટર્સે ત્યાં સુધી કહી દીધું હતું કે હવે તો કોઈ ચમત્કાર જ તેમને બચાવી શકે છે. 

દેશભરના મંદિરો તથા ધાર્મિક સ્થળો પર અમિતાભની સલામતી માટે દુઆ તથા પ્રાર્થના થવા લાગી હતી. જયા બચ્ચન જ્યારે સિદ્ધિ વિનાયક મંદિર ગયા ત્યારે પહેલેથી જ હજારો લોકો અમિતાભની સલામતીની પ્રાર્થના કરી રહ્યાં હતાં. દેશભરમાં અનેક જગ્યાએ હોમ-હવન થયા હતાં. સાઉથની એક એક્ટ્રેસે ઉજ્જૈનમાં અમિતાભની સલામતી માટે મહામૃત્યુંજય જાપ કરાવ્યો હતો.

ત્રણ દિવસ બાદ તબિયત સુધરી હતી
2 ઓગસ્ટે ઓપરેશન થયું અને તેના ત્રણ દિવસ બાદ અમિતાભની તબિયત સુધરી હતી. તેઓ પરિવાર સાથે એક કાગળમાં લખીને વાત કરી શકતા હતાં. ઈન્દિરા ગાંધી આઠ ઓગસ્ટે દિલ્હીથી મુંબઈ આવ્યા હતાં. બિગ બીને લિક્વિડ ડાયટ આપવામાં આવ્યું હતું.

માનવામાં આવતું કે અમિતાભના આંતરડાઓએ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, ડોક્ટર્સે કહ્યું હતું કે 15 દિવસ બાદ જ કહી શકાય કે તેઓ જોખમની બહાર છે. જોકે, ઠીક થયા પછી પણ દોઢ મહિનો અમિતાભ હોસ્પિટલમાં જ રહ્યાં હતાં. 

24 સપ્ટેમ્બરે રજા મળી
અંતે, 24 સપ્ટેમ્બરે અમિતાભને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા મળી હતી. હોસ્પિટલની બહાર બેકાબૂ ભીડ હતી. અમિતાભે ચાહકોનો આભાર માનતા કહ્યું હતું કે જીવન તથા મોત વચ્ચેની આ એક ભયાનક પરીક્ષા હતી. બે મહિના હોસ્પિટલનો પ્રવાસ તથા મોતની લડાઈ પૂરી થઈ ગઈ છે. હવે, મોત પર વિજય મેળવીને તેઓ ઘરે પરત ફરી રહ્યાં છે. 

ઘરે આવેલા અમિતાભનું માતા તેજી બચ્ચને ચાંદલો કરીને વેલકમ કર્યું હતું

ઘરે આવીને હાથ મિલાવીને અમિતાભે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વાસ્તવિક સીનને ફિલ્મ ‘કુલી’ના અંતિમ સીનમાં લેવામાં આવ્યો હતો.

ડોક્ટર્સે મૃત જાહેર કર્યાં હતાં
એક ઈન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું, ‘ડોક્ટર્સે મને મેડિકલી મૃત જાહેર કર્યો હતો. જયા ICUની બહાર બધુ જોતી હતી. ડોક્ટર્સે પ્રયાસ બંધ કરી દીધા હતાં અને ત્યારે જ જયાએ બૂમ પાડી હતી કે તેમના પગનો અંગૂઠો હલે છે. પ્લીઝ પ્રયાસ કરો. ડોક્ટર્સે મારા પગમાં માલિશ કરવાની શરૂઆત કરી અને મારી અંદર ફરી જીવ આવ્યો હતો.’

Be the first to comment on "38 વર્ષ પહેલાં જુલાઈ મહિનામાં જ બિગ બી 62 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતાં, જિજીવિષાની આગળ મોત હારી ગયું"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: