- 2010-2014 દરમિયાન ભાવ સામાન્ય ઘટ્યા છે અથવા તો સ્થિર રહ્યા છે
- 2015 બાદ યોજાયેલી AGMમાં જિયોને લગતી જાહેરાતો વધુ થઇ છે
વિમુક્ત દવે
Jul 14, 2020, 06:22 PM IST
અમદાવાદ. શેરબજારમાં અને ભારતના રોકાણકારોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (RIL)ની વાર્ષિક સાધારણ સભા (AGM)ને લઇ ને ઘણું આકર્ષણ છે. 15 જુલાઈએ જયારે કંપનીની 43મી AGM યોજાવાની છે ત્યારે દિવ્ય ભાસ્કરે પાછલા 10 વર્ષમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભા અને તે સમયે એક સપ્તાહ દરમિયાન કંપનીના શેરના ભાવની વધઘટનો અભ્યાસ કર્યો છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે, વર્ષ 2010-2014 દરમિયાન AGM વિકમાં ભાવ સામાન્ય ઘટ્યા છે અથવા તો સ્થિર રહ્યા છે. તેની સામે 2015 પછી AGM વિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 5-10%નો વધારો થયો છે. ખાસ કરીને રિલાયન્સ જિયોની જાહેરાત કંપની માટે ગ્રોથ ટ્રીગર સાબિત થઇ છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ 2015ની AGMમાં પોતાની સ્પીચમાં જિયોને લગતી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. સપ્ટેમ્બર 2016માં જિયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
વર્ષ | AGMના આગલા દિવસનો ભાવ | AGM સપ્તાહના છેલ્લા દિવસનો ભાવ |
2010 | 1071.3 | 1051.3 |
2011 | 951.85 | 954.1 |
2012 | 714.1 | 716.5 |
2013 | 800.55 | 791.3 |
2014 | 1089.9 | 1059.65 |
2015 | 877.2 | 979.05 |
2016 | 1058 | 1032.25 |
2017 | 1528.7 | 1598.35 |
2018 | 990.05 | 1036.35 |
2019 | 1162 | 1276 |
2020 | 1916.65 | — |
શેર બજારના રિસર્ચ એનાલિસ્ટ જીગ્નેશ માધવાણીએ જણાવ્યું કે, 2010-2015 વચ્ચે કંપની મોટાભાગે ઇન્વેસ્ટમેન્ટ મોડમાં હતી. એટલે કે તે રોકાણ કરી રહી હતી, ખાસ કરી ને તેના ટેલીકોમ અને ડિજીટલ બિઝનેસને આગળ વધારવા અંગે મુસદ્દો ઘડાયો અને તેમાં રોકાણ પણ થયું છે. ત્યાર બાદના વર્ષોમાં રિલાયન્સ જિયો આવ્યું અને તેને લગતા એનાઉન્સમેન્ટ થયા જેની સ્ટોક પ્રાઈસ પર અસર જોવા મળી.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીઝમાં રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું કે, કંપની જયારે ઇન્વેસ્ટમેન્ટ ફેઝમાં હોય ત્યારે રોકાણકારો બહુ વધુ અપેક્ષા રાખતા હોતા નથી તેના કારણે તે કંપનીના શેરમાં બહુ મુવમેન્ટ હોતી નથી. રિલાયન્સ 2015-16 પછીથી ગ્રોથ ફેઝમાં આવી છે. કંપનીએ કરેલી જાહેરાતોને અમલમાં મૂકી છે જેથી તેની અસર સ્ટોક પ્રાઈસ પર જોવા મળી રહી છે.
જિયોનું એનાઉન્સમેન્ટ ટ્રીગર સાબિત થયું
HDFC સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ વિનય રાજાણીએ જણાવ્યું કે, રિલાયન્સ માટે જિયોનું એનાઉન્સમેન્ટ ટ્રીગર સાબિત થયું. ટેકનીકલી જોઈએ તો 2008થી 2015 સુધી ભાવમાં કોઈ ખાસ વધારો અથવા તો મોટી મુવમેન્ટ જોવા મળી ન હતી. જિયોની જાહેરાત અને ત્યારબાદના વર્ષોમાં તેને સંબંધિત બીજી જાહેરાતોથી સેન્ટિમેન્ટ બદલાયા છે જે તેના શેરના ભાવમાં રિફ્લેક્ટ કરે છે.
2010-2014 વચ્ચે મોટાભાગે ભાવ ઘટ્યા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પરના રિલાયન્સના હિસ્ટોરિકલ આંકડા જોઈએ તો 2010થી 2014 દરમિયાન યોજાયેલી પાંચ એન્યુઅલ જનરલ મિટિંગમાં શેરના ભાવ 3 વાર ઘટ્યા છે. આ ઘટાડો 0.37%થી લઈને 2.77% સુધીનો ઘટાડો થયો છે. તેવી જ રીતે આ સમયગાળામાં 2 વર્ષ ભાવ વધ્યા છે. જોકે આ વધારો અડધા ટકા કરતા પણ ઓછો રહ્યો છે.
2015-2019 વચ્ચે માત્ર એક વાર ભાવ ઘટ્યા
BSEના આંકડા મુજબ 2015માં AGM વિકમાં રિલાયન્સના શેરના ભાવમાં 11.61%નો વધારો થયો હતો. જોકે, 2016માં 2.43%નો ઘટાડો જોવા મળ્યો હતો. 2015-2019 વચ્ચે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હોય તે સપ્તાહમાં પાંચમાંથી ચાર વર્ષ સ્ટોકના ભાવમાં 4.55%થી લઈને 11.61% ભાવ વધ્યા છે.
2015ની AGM બાદથી અત્યાર સુધીમાં શેર 115% વધ્યો
રિલાયન્સની વાર્ષિક સાધારણ સભાના સપ્તાહમાં થયેલી વધઘટ મુજબ 2015ની AGM બાદથી અત્યાર સુધીમાં કંપનીના શેરના ભાવમાં 115.35%નો વધારો થયો છે. 12 જુન 2015ના રોજ કંપનીના શેરનો ભાવ રૂ. 889.15 બંધ આવ્યો હતો અને 14 જુલાઈ 2020ના રોજ શેર રૂ. 1916.65 પર બંધ આવ્યો હતો. તેવી જ રીતે તે પહેલાના પાંચ વર્ષોમાં AGM ટુ AGM માત્ર 1.09% વધારો થયો છે.
Leave a comment