અમિત કર્ણ
Jul 13, 2020, 03:22 PM IST
મુંબઈ. અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ છે અને હાલમાં નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અમિતાભ કોરોના પોઝિટિવ થયા બાદ હેમામાલિનીની તબિયત બગડી હોવાની વાત વાઈરલ થઈ હતી. divyabhaskar.comએ ખાસ હેમામાલિની સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશાં અમિતાભનું ઉદાહરણ ભાઈઓને આપે છે. અમિતાભ શારીરિક કરતાં માનસિક રીતે વધુ મજબૂત છે.
અમિતાભ જલ્દીથી ઠીક થઈ જશે
હેમામાલિનીએ કહ્યું હતું, ‘હું પૂરી રીતે ઠીક છું. અમિતજીને કેવી રીતે ચેપ લાગ્યો, તે તો મને ખબર નથી. તેઓ કોરોનાના માઈલ્ડ સ્ટેજ પર છે. મને વિશ્વાસ છે કે તેઓ આમાંથી બહાર આવશે. તેઓ ફાઈટર છે. તેમને અનેક મુશ્કેલીઓ પડી છે. પોતાના જીવનમાં તેઓ અનેકવાર હોસ્પિટલ ગયા છે પરંતુ હંમેશાં લડીને પાછા આવ્યા છે. અમે બધા તેમના માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ પૂરી રીતે સ્વસ્થ થઈ જશે. અભિષેક પણ.’
બિગ બી એક્ટ્રેસ હેમાને કામ કરવા માટે પ્રેરિત કરતાં
હેમાએ આગળ કહ્યું હતું, ‘અમે હંમેશાં એકબીજાના સમાચાર પૂછતા રહીએ છીએ. આ વખતે પણ તેઓ એકદમ સારા થઈને પાછા આવશે. તેઓ શારીરિક કરતાં માનસિક રીતે વધુ મજબૂત છે. તેઓ મને હંમેશાં કહે છે કે ક્યારેય નવરા બેસી ના રહેવું. કંઈકને કંઈક કામ કરતાં રહેવું જોઈએ. આનાથી મન તથા શરીર બંને તંદુરસ્ત રહેશે. એનર્જી ફીલ થાય છે. મગજને ક્યારેય ખાલી રાખવું નહીં. હંમેશાં મગજને એક્ટિવ રાખવું. ક્યારેય કોઈ બહાનુ ના બનાવવું કે લૉકડાઉન થઈ ગયું છે કે હાલમાં વરસાદ છે, કામ કેવી રીતે કરીએ?’
‘આ જ કારણ છે કે હું આજે પણ ડાન્સ પ્રેક્ટિસ કરું છું. હું ભરત નાટ્યમની સાથે કંઈ ને કંઈ શીખતી રહેતી હોઉં છું. યોગ પણ કરું છું.’
ગાઈડલાઈન સાથે શૂટિંગ શરૂ કરવું જોઈએ
65થી વધુ ઉંમરના કલાકારો સેટ પર જઈ કામ કરે તો આ અમિતજી સાથે જે થયું તેનાથી બધાને ડર લાગી રહ્યો છે. જોકે, હું કહીશ કે જો તમારામાં હિંમત છે તો તમે શૂટિંગ પર જરૂર જાઓ. સાવધાની રાખો. એમ ક્યારેય ના વિચારો કે મને તો કંઈ જ નહીં થાય. કામ પર જતી વખતે એ જ વિચારો કે કંઈ પણ થઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સાવધાની રાખો અને સતર્ક રહો. આ વિચિત્ર મહામારી છે, આમાં કામ પર જવાનું પણ છે અને બચવાનું પણ છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે બધું જ જલ્દીથી ઠીક થઈ જાય.
આ ઘણું જ ડરામણું છે
હેમાએ કહ્યું હતું, ‘કલાકારો ઘરે બેસીને થાકી ગયા છે. અનેક લોકોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આજે પણ સ્થિતિ યોગ્ય તો નથી. ઘરની બહાર ગયા બાદ ચેપ લાગી શકતો હોય તો આ વાત ડરામણી છે. અત્યારે કોઈની પાસે આનો જવાબ નથી કે બધું કામ ક્યારે શરૂ થઈ શકશે. આ ચેપ કોઈને પણ લાગી શકે છે.’
ધર્મેન્દ્ર ફાર્મહાઉસમાં સલામત છે
હેમાએ પતિની વાત કરતાં કહ્યું હતું, ‘ધરમજીની તબિયત સારી છે. ફાર્મહાઉસ પર છે. ત્યાં એકદમ સલામતભર્યું વાતાવરણ છે. શહેરમાં વધારે મુશ્કેલી છે. ત્યાં તેઓ ખેતી કરે છે. હું ત્યાં હાલ જઈ શકું તેમ નથી. હું મારી બંને દીકરીઓ તથા દોહિત્રી-દોહિત્રમાં વ્યસ્ત છું. મારી દીકરીઓ તો મને ઘરની બહાર જ જવા દેતી નથી. હવે એવો સમય આવી ગયો કે તે જ મારું ધ્યાન રાખે છે.
ભાઈઓને અમિતજીનું ઉદાહરણ આપું છું
હેમાએ વાત પૂરી કરતાં કહ્યું હતું, ‘બચ્ચન સાહેબની એક વાત મને આજે પણ યાદ છે. ‘કુલી’ બાદ અમે જ્યારે સાથે કામ કર્યું ત્યારે તેમના ચહેરા પર કોઈ ચિંતાના વાદળો નહોતા. તેઓ આટલા મોટા ઓપરેશનમાંથી બહાર આવ્યા હતાં. તેમનામાંથી દરેકે પ્રેરણા લેવી જોઈએ. હું મારા ભાઈઓને પણ એમ કહું છું કે અમિતજી પાસેથી શીખો. તેમની જેમ જ એક્ટિવ રહો.’
Be the first to comment on "હેમામાલિની પોતાના ભાઈઓને અમિતાભનું ઉદાહરણ આપે છે, કહ્યું- તે માનસિક રીતે વધુ મજબૂત છે"