હેપેટાઈટીસ-બી ચેપી રોગે 75 ટકા લિવર ખરાબ કર્યું, ટીબી સામે જંગ જીતી ગયા પણ અસ્થમાથી હજુ પીડિત છે


  • વર્ષ 1983માં આવેલી ‘કુલી’ ફિલ્મની એક ફાઈટમાં અમિતાભ બચ્ચનને ગંભીર ઈજા થઇ હતી
  • બેદરકારીને લીધે હેપેટાઈટીસ-બીથી સંક્રમિત વ્યક્તિનું રક્ત બિગ બીને ચઢાવી દીધું હતું
  • વર્ષ 2000માં તેમને ટીબી થયો હતો, દવા લઇને ટીબીથી સ્વસ્થ થયા
  • હાલ બિગ બી 25 ટકા લિવરની સાથે જીવી રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 11:07 AM IST

કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચન આની પહેલાં પણ ઘણી ગંભીર બીમારીઓમાંથી પસાર થઇ ચૂક્યા છે. તેમાંથી ઘણી બીમારીઓમાં તેઓ જંગ જીતી પણ ગયા છે. તેમને હેપેટાઈટીસ-બી ચેપી રોગ થયો હતો જેને લીધે તેમનું લિવર 75 ટકા ખરાબ થઇ ગયું હતું. તેઓ ટીબીને પણ હરાવી ચૂક્યા છે, પણ અસ્થમા સામે હજુ પણ લડી રહ્યા છે. બિગ બીને અત્યાર સુધી કઈ-કઈ બીમારીઓ થઇ છે તેની પર એક નજર કરીએ:

‘કુલી’ ફિલ્મ વખતે થયેલા અકસ્માત બાદ હેપેટાઈટીસ-બી થયો 
વર્ષ 1983માં આવેલી ‘કુલી’ ફિલ્મના એક સીન વખતે પુનીત ઈસ્સર સાથેની એક ફાઈટમાં અમિતાભ બચ્ચનને ગંભીર ઈજા થઇ હતી. શરીરમાં ઇન્ટર્નલ બ્લીડિંગને લીધે તેમના શરીરમાં રક્ત ઓછું થઇ ગયું હતું. 

તેમને રક્ત ચઢાવવા માટે 200 ડોનર્સ પાસેથી 60 બોટલ બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બેદરકારીને લીધે હેપેટાઈટીસ-બીથી સંક્રમિત વ્યક્તિનું રક્ત બિગ બીને ચઢાવી દીધું હતું. ત્યારબાદ અમિતાભ હેપેટાઈટીસ-બીથી સંક્રમિત થઇ ગયા હતા.

ડાઈવર્ટિક્યુલાઈટિસ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઈનને લીધે સર્જરી કરવી પડી
‘કુલી’ ફિલ્મ દરમિયાન અમિતાભ બચ્ચનને થયેલી ઈજા ઘણી જોખમી હતી, થોડા વર્ષ પહેલાં તેમના પેટમાં તકલીફ થઇ હતી. ડાઈવર્ટિક્યુલાઈટિસ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઈન નામની બીમારીને લીધે અમિતાભે સર્જરી કરાવી હતી. તેને કારણે તેમના પેટમાં પીડા અને પાચનતંત્રમાં તકલીફ થઇ ગઈ હતી.

માયસ્થેનિયા ગ્રેવિસ બીમારીનો સામનો કર્યો છે
‘કુલી’ દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે ભારે દવાનો ડોઝ લીધો હતો, જેને લીધે તેઓ થોડા સમય પછી માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારીની ઝપેટમાં આપી ગયા હતા.

ત્યારબાદ બિગ બીને લિવર સિરોસિસ થયું
અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હેપેટાઈટીસ-બી વાઈરસના ઇન્ફેકશનની મારા લિવર પર શું અસર થઇ છે તે વાત મને 18 વર્ષ પછી રૂટીન ચેકઅપમાં ખબર પડી.

રિપોર્ટમાં સામે આવ્યું કે, વાઈરસને લીધે લિવર ઘણી ખરાબ રીતે સંક્રમિત થયું છે અને લિવર સિરોસિસ થઇ ગયું છે, વર્ષ 2012માં તેમના લિવરનો 75 ટકા સંક્રમિત ભાગ કાપીને અલગ કરી દીધો હતો. હાલ બિગ બી 25 ટકા લિવરની સાથે જીવી રહ્યા છે. 

ત્યારબાદ તેમના લિવરનું ફંક્શન નબળું પડી ગયું. તે એક અકસ્માતે તેમના પેટમાં ઇન્ટર્નલ ભાગમાં એટલું બધું નુકસાન પહોંચાડ્યું કે, તેની સાઈડ ઈફેક્ટ હજુ સુધી સામે આવતી રહે છે.

અમિતાભ બચ્ચન અસ્થમા પીડિત છે
અમિતાભ બચ્ચનને અસ્થમાની બીમારી છે. અસ્થમા ફેફસાં સાથે સંકળાયેલી બીમારી છે, તેમાં ઓક્સિજન યોગ્ય માત્રામાં ફેફસાં સુધી પહોંચતો નથી. અસ્થમા અટેક ત્યારે આવે છે જ્યારે ધૂળના કણ ઓક્સિજન લઇને જતી નળીઓને બંધ કરી દે છે.

ટીબીનો જંગ જીતી ચૂક્યા છે
અમિતાભે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વર્ષ 2000માં મને ટીબી થયો હતો. જો કે, યોગ્ય સમયે તેની દવા લેવાથી સ્વસ્થ થઇ ગયો. જો આ બીમારી મને થઇ શકે છે તો તે અન્ય કોઈને પણ થઇ શકે છે. જો ટીબીનો દર્દી રેગ્યુલર દવા લેવાનું ચાલુ રાખે તો તે આરામથી કામ પણ કરી શકે છે.

હાલ બિગ બી અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમિતાભ અને અભિષેક કોરોનાને પણ હરાવીને સ્વસ્થ થઇ જાય તે માટે લાખો ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. 

Be the first to comment on "હેપેટાઈટીસ-બી ચેપી રોગે 75 ટકા લિવર ખરાબ કર્યું, ટીબી સામે જંગ જીતી ગયા પણ અસ્થમાથી હજુ પીડિત છે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: