સિંધિયાને કોંગ્રેસ છોડવા લલચાવનાર ઝફર ઈસ્લામ પાયલટને પીગળાવવામાં પણ મહત્વની ભૂમિકામાં


  • સિંધિયા સાથેની મૈત્રીને લીધે ઝફર ઈસ્લામે કમલનાથ સરકાર ઉથલાવવા તેમને સંમત કરી લીધા હતા
  • સિંધિયાના માધ્યમથી ઝફરે પાયલટનો સંપર્ક સાધ્યો અને મંત્રણાની વિગતોથી સતત હાઈકમાન્ડને વાકેફ રાખ્યું

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:23 PM IST

જયપુર. ગત માર્ચમાં મધ્યપ્રદેશમાં જે સ્થિતિ હતી એવો જ રાજકીય માહોલ અત્યારે રાજસ્થાનમાં છે. મધ્યપ્રદેશમાં યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી કમલનાથથી નારાજ હતા. રાજસ્થાનમાં યુવા નેતા સચિન પાયલટ દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ છે. 4 મહિના પહેલાં સિંધિયાએ પક્ષમાં ફૂટ પડાવીને સરકાર ઉથલાવી દીધી હતી. એ વખતે ઓપરેશન લોટસમાં ભાજપની સરકાર રચવાના પ્રયત્નોમાં ભાજપના પ્રવક્તા ઝફર ઈસ્લામની મહત્વની ભૂમિકા હતી. હાલના રાજસ્થાનના ઘટનાક્રમમાં પણ પડદા પાછળ ઝફર ઈસ્લામનું જ નામ ચર્ચાઈ રહ્યું છે.

રવિવારે દિલ્હી ખાતે પાયલટ અને સિંધિયા વચ્ચે મુલાકાત થઈ હોવાની વિગતો વહેતી થઈ હતી. જાણવા મળ્યા પ્રમાણે, બપોરે દોઢ વાગ્યે બંને મળ્યા હતા. સૂત્રોના દાવા પ્રમાણએ, એ પછી સતત ઝફર ઈસ્લામ પાયલટના સંપર્કમાં છે અને પરસ્પર થતી સોદાબાજીની તમામ વિગતોથી ભાજપ હાઈકમાન્ડને માહિતગાર કરતા રહે છે.

ઝફર અને સિંધિયાના સંબંધો બહુ ઘનિષ્ઠ છે અને બંને વારંવાર મળતા રહે છે

કોણ છે ઝફર ઈસ્લામ?
ઝફર ઈસ્લામનું પૂરું નામ ડો. સૈયદ ઝફર ઈસ્લામ છે અને તે ભાજપના ઉદારવાદી મુસ્લિમ ચહેરા તરીકે બહુ ઝડપથી રાષ્ટ્રીય સ્તરે ઊભરી રહ્યા છે. ભાજપમાં તેમને સક્રિય થયે માત્ર 7 વર્ષ થયા છે પરંતુ પક્ષના આંતરિક વર્તુળોમાં તેમનું કદ બહુ ઝડપથી વધી રહ્યું છે. ભાજપના પ્રવક્તા તરીકે તેઓ મીડિયા સાથે પણ ઘરોબો ધરાવે છે. ટીવી ચેનલો પરની ડિબેટમાં તેઓ ભાજપનો દૃષ્ટિકોણ રજૂ કરે છે અને અણિયાળા સવાલો સામે બચાવ પણ કરી જાણે છે. રાજનીતિમાં સક્રિય થતાં પહેલાં તેઓ ડ્યુશ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર હતા અને વિદેશમાં કાર્યરત હતા. હાલ તેઓ ભાજપના પ્રવક્તા હોવા ઉપરાંત એર ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સ્થાન ધરાવે છે.

આ તસવીર 6 એપ્રિલ, 2014ની છે, જ્યારે જે.પી.નડ્ડાના હસ્તે ખેસ પહેરીને ઝફર ભાજપમાં પ્રવેશ્યા હતા 

ભાજપ હાઈકમાન્ડનો અડીખમ ભરોસો
મોદીની રાજનીતિથી પ્રભાવિત થઈને ઝફર ઈસ્લામ ભાજપ પ્રત્યે આકર્ષાયા હતા. વડાપ્રધાન સાથે તેમના સંબંધો દૃઢ હોવાનું કહેવાય છે અને અમિત શાહ તેમજ જે.પી.નડ્ડાની ગુડબુકમાં પણ તેમનું સ્થાન છે. થોડાં દિવસો અગાઉ માધ્યમોને તેમણે કહ્યા પ્રમાણે, ડ્યુશ બેન્કના એમ.ડી. તરીકે તેઓ સૌપ્રથમ વખત નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મોદીએ તેમને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાઈ જવા અપીલ કરી હતી. ઝફરે ત્યારે કહ્યું હતું કે એ પછી હું ભાજપનો હિસ્સો છું અને હવે લોકો સમક્ષ જઈને વડાપ્રધાન મોદીનું વિઝન રજૂ કરું છું.

Be the first to comment on "સિંધિયાને કોંગ્રેસ છોડવા લલચાવનાર ઝફર ઈસ્લામ પાયલટને પીગળાવવામાં પણ મહત્વની ભૂમિકામાં"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: