- મનપાના ડે. કમિશનર,12 ડોકટર અને 7 નર્સ કોરોના સંક્રમિત થયા
- સુરત શહેરની સાથે જિલ્લાના કેસમાં પણ વધારો થયો, આંક 1410
દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 08:28 PM IST
સુરત. શહેરમાં કોરોના કેસમાં રોજે રોજ ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ આજે 291 કેસ વધ્યા છે. જેમાં શહેરના 221 અને જિલ્લાના 70 કેસનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવના કુલ 8950 કેસ થયા છે. જેમાં જિલ્લાના 1410નો સમાવેશ થાય છે. આજે 11 મોત થયા છે. જેથી મૃત્યુઆંક 366 થયો છે. મૃતકોમાં 320 શહેરના અને 46 જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 173 અને જિલ્લામાંથી 89 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા 5483 થઈ છે. જેમાં જિલ્લાના 735 લોકોનો સમાવેશ થાય છે.
12 ડોકટર, 7 નર્સ અને મનપાના ડે. કમિશનર કોરોના સંક્રમિત
સોમવારે શહેરમાં કોરોના પોઝિટિવ આવેલા લોકોમાં 12 ડોકટર, 7 નર્સ અને મનપાના ડે. કમિશનર ઉપરાંત ટ્યુશન ટીચર, મિલેનિયમ માર્કેટમાં સાડીની દુકાન ચલાવનાર, યુનિવર્સીટીના પ્રોફેસર, એલ.પી સવાણી સ્કૂલના ટીચર, સરદાર માર્કેટમાં શાકભાજી વેચનાર, પાનનો ગલ્લો ચલાવનાર, રિલાયન્સ હજીરાના મેનેજર, યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલના માલિક, ટોરેન્ટ પાવરના મેનેજર અને ડાયમંડ કોલેજના પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે.
સિવિલમાં 405 દર્દી ઓક્સિજન પર
શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓનો ગ્રાફ દિવસે દિવસે ઝડપભેર ઉપર જઈ રહ્યો છે ત્યારે શહેરમાં કુલ 611 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ સોમવારે કુલ 405 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે વેન્ટિલેટર પર 18 અને 43 દર્દીઓ બાઇપેપ પર છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં કુલ 126 દર્દીઓ ઓક્સિજન પર છે અને 7 દર્દીઓ વેન્ટિલેટર અને 14 દર્દીઓ બાઇપેપ પર છે. મનપાએ કરાર બદ્ધ કરેલી ખાનગી હોસ્પિટલોની વાત કરીએ તો કુલ 180 જેટલા દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. આમ કુલ 611 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા જ સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં ઓક્સિજનના પુરવઠાની ખોટ ન પડે એ માટે વધુ ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.
Leave a comment