રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી


  • ડોર ટુ ડોર સર્વેલન્સ, ધન્વંતરિ રથ અને જનજગૃતિ દ્વારા સંરક્ષણ અટકાવવા જણાવ્યું
  • પરિક્ષણ અને કેસ હિસ્ટ્રી દ્વારા પણ સંક્રમણને નિયંત્રિત કરવા સૂચના આપી

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 10:02 PM IST

રાજકોટ. શહેરમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગે રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના પર કાબૂ મેળવવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વે, જેમાં કોઈ ચિહ્નો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ “ઈતિહાસ” સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી પરથી કોરોના સંક્ર્મણ ઘટાડવા ખાસ એક્શન લેવા માટે પ્લાન બનાવ્યો હોવાનું જણાવ્યું છે. જેમાં જાગૃતિ, સંક્રમણને અટકાવવાના પગલાં તથા સંક્રમિતોને ત્વરીત સારવાર એમ ત્રણ સ્તરીય કામગીરી કરી કારોના સંક્રમણને નાથવાની પ્રયોજના અમલી બનાવી છે. 

હોમ સર્વેલન્સમાં ઓક્સિમીટર સાથે રાખવાની સૂચના આપી
જયંતિ રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ ક્વોરેન્ટીન કોન્સેપ્ટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને ઘરમાં જ ક્વોરેન્ટીન કરવા ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત હોમ આઇસોલેશનથી માઇક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠાં જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓક્સિમીટર ડિસવાઈસ દ્વારા ઓક્સિજન લેવલ ચેક કરી સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોવાથી દરેક સર્વેલન્સ ટીમ ઓકસિમીટર સાથે રાખી કાર્ય કરે તેવી સૂચના આપી હતી.

વધુ બેડની સુવિધા કરવાની ખાતરી આપી
અગ્ર સચિવે હાલ રાજકોટમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી. તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ 770 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને 950 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી. જયંતિ રવિએ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રથમ કેસ આવ્યા ત્યારથી આજદિન સુધી કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત લોકોને વધુને વધુ જાગૃત રહેવા અને સાવચેતીના માર્ગદર્શક પગલાને અનુસરવા અપીલ કરી હતી.  

આ બેઠકમાં કલેકટર રેમ્યા મોહન, ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, નિવાસી અધિક કલેકટર પરીમલ પંડયા, મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, લાયઝન અધિકારી ડો. દિનકર રાવલ, ડો. રૂપાલી  મહેતા, ડો. મનીષ મહેતા, ડો. મિતેષ ભંડેરી, ડો. રિંકલ વિરડીયા, ડો. શોભા મિશ્રા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ રાજકોટ આવી પહોંચતા કલેક્ટર કચેરીએ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયા રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેની અટકાયત કરી લેતા હોબાળો મચાવ્યો હતો.પોલીસે વશરામ સાગઠીયાને ધક્કો મારી બહાર કાઢ્યા હતા. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેસ્ટ ન થતા કોરોના સંક્રમણ વધ્યું છે. ગુજરાતમાં સરકાર અને તંત્ર પેપર ટાઇગર છે. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ  જણાવ્યું હતું કે, આવેદનપત્ર આપવા આવતા રોક્યો હતો. વિધાનસભાના વિપક્ષ નેતાને પણ સરકાર સાંભળતી નથી. 

રાજકોટ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયાનું પોલીસે અટકાયત કરી

બપોરે જામનગર જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી 
જામનગરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ જામનગર આવી પહોંચ્યા છે. કલેક્ટર રવિશંકર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સબાદમાં કલેક્ટર કચેરીએ કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપા કમિશનર સતિષ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જયંતી રવિએ કોવિડ-19ની સ્થિતિ અંગે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમજ કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો માગી હતી. જામનગર બાદ સાંજે રાજકોટ પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ રાજકોટમાં કરે તેવી શક્યતા છે.  

(હસિત પોપટ, જામનગર)

Be the first to comment on "રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: