બાલાજી મંદિરમાં 500-1000ની બંધ થયેલી નોટ દાનમાં આવી રહી છે, તિરૂપતિ ટ્રસ્ટે 50 કરોડની જૂની નોટ બદલવા માટે સરકારને માગ કરી


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 07:07 PM IST

નવેમ્બર 2016માં નોટબંધી બાદ ચલણથી બહાર થયેલી 500 અને 1000ની નોટનું દાન આજ સુધી જગવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરને મળી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં આવેલા આ બાલાજી મંદિરમાં લગભગ 50 કરોડની જૂની નોટ છેલ્લા થોડાં મહિનામાં દાનમાં આવી છે. તિરૂપતિ ટ્રસ્ટના ચેરમેન વાય.વી. સુબ્બારેડ્ડીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી આ જૂની નોટને બદલવાની માગ કરી છે.

કોરોના અને લોકડાઉનને કારણે તિરૂપતિ મંદિરમાં દાનમાં ભારે ઘટાડો આવ્યો છે. જોકે, 11 જૂનથી મંદિર ખુલ્યા બાદથી એક મહિનામાં લગભગ 17 કરોડનું દાન મંદિરને મળ્યું છે. જે કોરોના પહેલાં આવેલાં દાનનું 10 ટકા પણ નથી. એવામાં ટ્રસ્ટે મંદિરને આર્થિક રાહત પહોંચાડવા માટે દાનમાં આવેલાં 500 અને 1000ની જૂની નોટની મદદ લેવાની યોજના બનાવી છે. આ નોટ નવેમ્બર 2016ની નોટબંધી બાદ નોટ બદલવાની બધી જ સમય સીમા પૂર્ણ થયા બાદ આવી છે. તેને સંભાળીને રાખવી હવે ટ્રસ્ટ માટે માથાનો દુખાવો છે.

મંદિર સાથે જોડાયેલાં સૂત્રોના કહેવા પ્રમાણે આ નોટ એક લાંબા સમયમાં દાન દ્વારા મળી રહી હતી. લોકડાઉનના કારણે આ અંગે કોઇ નિર્ણય લેવાઇ શક્યો નથી. મંદિર ટ્રસ્ટના કહેવા પ્રમાણે વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો આ નોટને બદલવામાં આવી શકે તો મંદિરની સ્થિતિને ખૂબ જ રાહત મળી શકે છે. જોકે, મંદિર પ્રશાસન આ મુલાકાતને લઇને હાલ કશું જ કહેવાની સ્થિતિમાં નથી. આ મામલે ટ્રસ્ટ તરફથી કોઇ જાણકારી જાહેર કરવાનું કહેવામાં આવ્યું નથી.

20 બનાવટી વેબસાઇટ્સ વિરૂદ્ધ FRI કરવામાં આવી છે
ટ્રસ્ટે તિરૂપતિ ટ્રસ્ટના નામથી ચાલી રહેલી લગભગ 20 વેબસાઇટ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાઇટ્સ દર્શન ટિકિટ્સથી લઇને હોટલ બુકિંગ્સ અને ઓનલાઇન દાન જેવાં કામો માટે શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા એકઠા કરતી હતી. આ બધી જ સાઇટ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીને તિરૂપતિ ટ્રસ્ટે પોતાનો ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. જેના ઉપર ફોન કરીને આવી કોઇપણ સાઇટ અંગે શ્રદ્ધાળુઓ ફરિયાદ કરી શકે છે.

Be the first to comment on "બાલાજી મંદિરમાં 500-1000ની બંધ થયેલી નોટ દાનમાં આવી રહી છે, તિરૂપતિ ટ્રસ્ટે 50 કરોડની જૂની નોટ બદલવા માટે સરકારને માગ કરી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: