પ્રી-પ્રાઈમરીના બાળકોને 30 મિનિટ, ધો.1થી 8માં દોઢ કલાક અને ધો. 9થી 12માં 2થી 3 કલાક જ ઓનલાઇન ભણાવી શકાશે


  • અત્યારે ઘણી સ્કૂલો રેગ્યુલર ક્લાસ ચલાવે છે જેનાથી બાળકોના આરોગ્ય પર અસર થાય છે
  • બાળકોની આંખ અને માનસિક સ્થિતિ પણ બગડે છે

દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 04:22 AM IST

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે ઓનલાઇન સ્ટડી માટેના નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘પ્રજ્ઞાતા’ નામથી મંગળવારે જારી કરાયેલા આ દિશાનિર્દેશમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડીનો રોજનો સમયગાળો અને સેશનની સંખ્યા નક્કી કરાઇ છે. તેમાં જણાવાયું છે કે પ્રી-પ્રાઇમરીનાં બાળકો માટે અડધા કલાકથી વધુ ઓનલાઇન સ્ટડી ન હોવો જોઇએ. ધો. 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન અને ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30થી 45 મિનિટના 4 સેશનની ભલામણ કરાઇ છે.  

ઓનલાઇન સ્ટડી  અંગે વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરાયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દિશાનિર્દેશ તૈયાર કર્યા છે. કોરોના મહામારીના કારણે 16 માર્ચથી સ્કૂલો બંધ છે, જેની 24 કરોડથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઇ છે. એવામાં ઓનલાઇન સ્ટડીની રોજ ઓછામાં ઓછી 1 શિફ્ટ ફરજિયાત કરાઇ છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે આ દિશાનિર્દેશ ઘરે રહીને ભણતાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. મહામારીની અસર ઘટાડવા સ્કૂલોએ શિક્ષણપદ્ધતિ નવેસરથી તૈયાર કરવા ઉપરાંત ઘર અને સ્કૂલ માટે ગુણવત્તાસભર મિશ્ર શિક્ષણ વ્યવસ્થા પણ આપવી પડશે.

ટૂંકા સમયના ઓનલાઇન ક્લાસ હોવા જોઈએ
સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીના જણાવ્યા અનુસાર ઓનલાઇન ક્લાસથી બાળકમાં ચીડિયાપણું વધે છે, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ખોરવાય છે, આંખો થાકી જાય તેમ જ લાંબો સમય ક્લાસીસ ચાલુ રહે તો સ્ક્રીનની આદત પડી જાય છે. ધોરણ 10 અને ધોરણ 12નાં બાળકો સમજી શકતા હોવાથી વાંધો આવતો નથી, પણ નાની ઉંમરનાં બાળકો માટે ટૂંકા સમયના ઓનલાઇન ક્લાસીસ રાખવા જોઈએ. 

ઘરે પાછા ફરેલા શ્રમિકોનાં બાળકોને ગામની સ્કૂલમાં પ્રવેશ 
કેન્દ્રએ કોરોના સંકટના કારણે પરપ્રાંતમાંથી ઘરે પાછા ફરેલા શ્રમિકોનાં બાળકોને તેમના કે નજીકના ગામની સ્કૂલમાં જ પ્રવેશ આપવા અંગે પણ દિશાનિર્દેશ જારી કર્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના મહામારીના કારણે સ્થાનિક ક્ષેત્ર છોડી ગયેલા આવા વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરવા કહ્યું છે. ડેટા બેન્કમાં આવાં બાળકોની ‘પરપ્રાંતી’ કે ‘હંગામી ધોરણે અનુપલબ્ધ’ તરીકે નોંધ કરાશે. તેમને સંભવત: કોઇ ડોક્યુમેન્ટ્સ વિના સ્થાનિક સ્કૂલમાં પ્રવેશ અપાઇ શકે છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન પોતાના ગામડે પાછા ફરેલા વિદ્યાર્થીઓનું તેમની સ્કૂલમાંથી નામ કમી ન થાય તે પણ રાજ્યોએ સુનિશ્ચિત કરવું પડશે.

30 મિનિટના ક્લાસ માટે પૂરી ફી શા માટે
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે, સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન ક્લાસીસનો સમય નક્કી કરી દેવાયો છે. જો સરકારે ઓનલાઇન ક્લાસીસનો સમય 30 મિનિટનો નક્કી કર્યો છે તો વાલીએ આખા દિવસની ગણતરીને કરીને ફી કેમ ચૂકવવાની રહે, વિદ્યાર્થી ન આવતા હોવાથી સ્કૂલને કોઈ ઘસારો પણ નથી થઈ  રહ્યો. 

ક્લાસ બાદ આંખો હૂંફાળા પાણીથી સાફ કરો
અમદાવાદ ઓપ્થેલમોલોજિકલ સોસાયટીના સેક્રેટરી ડો. જગદીશ રાણાએ જણાવ્યું કે, મોબાઇલ-કમ્પ્યુટર સ્ક્રીન પર એકીટશે જોવાથી આંખ ડ્રાય થતાં સમસ્યા સર્જાય છે, જેથી 1 મિનિટમાં 10થી 12 વાર આંખો પટપટાવવી જોઈએ. ઓનલાઇન ક્લાસીસ બાદ બાળકની આંખો હૂંફાળા પાણીથી ધોવડાવી જોઈએ. 

પ્રી-પ્રાઈમરી

સેશન સમય મહતમ સમય
1 30 મિનિટ 30 મિનિટ

ધોરણ 1થી 8

સેશન સમય મહતમ સમય
2 45 મિનિટ 1. 30 કલાક

ધોરણ 9થી 12

સેશન સમય મહતમ સમય
4 30થી 45 મિનિટ 2થી 3 કલાક

Be the first to comment on "પ્રી-પ્રાઈમરીના બાળકોને 30 મિનિટ, ધો.1થી 8માં દોઢ કલાક અને ધો. 9થી 12માં 2થી 3 કલાક જ ઓનલાઇન ભણાવી શકાશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: