- આ દાવો મુંબઈ પોલીસના એક અધિકારીના હવાલેથી કરવામાં આવ્યો છે કે સુશાંત બીમાર હતો
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત હિંદુજા હોસ્પિટલમાં અઠવાડિયું દાખલ પણ થયો હતો
દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 11:48 AM IST
મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસને મહિનો થવા આવ્યો છે. જોકે, હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે આની પાછળનું ચોક્કસ કારણ શું છે. ડિપ્રેશનની વાત પહેલાં જ સામે આવી ચૂકી છે. હવે અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત બે બીમારીઓ પૅરનૉઈ તથા બાઈપોલર ડિસઓર્ડરથી પીડાતો હતો. તે એક અઠવાડિયું હિંદુજા હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. રિપોર્ટમાં એ પણ દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસના અધિકારીના હવાલે આ વાત કરવામાં આવી છે.
પ્રોફેશનલ ષડયંત્રનો કોઈ પુરાવો નથી
હિંદી ન્યૂઝ પેપર નવભારત ટાઈમ્સમાં પોલીસ અધિકારીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે સુશાંતના કેસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે તેની સામે પ્રોફેશનલ ષડયંત્ર કરવામાં આવ્યું. આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ કેસ સુસાઈડનો છે અને આની પાછળના કારણ સુધી પોલીસ પહોંચી ગઈ છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત પૅરનૉઈ તથા બાઈપોલર ડિસઓર્ડરથી પીડાતો હતો. આ બીમારીની સારવાર માટે દેશમાં લૉકડાઉન જાહેર થાય તે પહેલાં અઠવાડિયું હિંદુજા હોસ્પિટલમાં દાખલ હતો.
એકલતાની વાત સામે આવી
વધુમાં કહેવામાં આવ્યું હતું કે સુશાંતની માતા પણ ડિપ્રેશનમાં હતી. તેમની લાંબા સમય સુધી સારવાર ચાલતી હતી. જ્યારે તેમનું નિધન થયું ત્યારે સુશાંત 16 વર્ષનો હતો. તેમની ત્રણ બહેનો છે અને તેમાંથી બેના લગ્ન થઈ ચૂક્યા છે. પિતા બિહારમાં જ રહે છે. કેટલાંક સાક્ષીઓએ પૂછપરછમાં કહ્યું હતું કે બોલિવૂડમાં વ્યસ્ત હોવા છતાંય સુશાંત એકલતા અનુભવતો હતો.
પૅરનૉઈમાં વ્યક્તિ શંકા કરવા લાગે છે
પોલીસ અધિકારીના મતે, પૅરનૉઈ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિ બીજી વ્યક્તિ પર શંકા કરવા લાગે છે. તેના મનમાં એવી લાગણી જન્મે છે કે બધા તેને નફરત કરે છે. અનેકવાર તે આત્મહત્યાના વિચારોમાં ઘેરાઈ જાય છે. તો બાઈપોલર ડિસઓર્ડરમાં વ્યક્તિ ટેન્શનમાં આવી જાય છે. ક્યારેય એકદમ આત્મવિશ્વાસી બની જાય છે તો ક્યારેક ગુમસુમ બેસી રહે છે. આ બીમારીમાં વ્યક્તિ ઈચ્છે તો પણ પોતાની જાત પર કંટ્રોલ કરી શકતો નથી.
માનસિક રોગી હૃદયની બીમારી જેવા દર્દીઓ
આ રિપોર્ટમાં મનોચિકિત્સક ડૉક્ટર હરીશ શેટ્ટીના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે માનસિક બીમારીનો સામનો કરતી વ્યક્તિની પરિસ્થિતિ હૃદયની બીમારીથી પીડિત વ્યક્તિ જેવી હોય છે. જે રીતે હૃદયની બીમારાથી પીડાતા લોકો ICUમાં દાખલ હોવા છતાંય બચી શકતા નથી, તે જ રીતે માનસિક બીમારીનો સામનો કરતાં કેટલાંક વ્યક્તિ પરિસ્થિતિ સામે હારી જાય છે અને આત્મહત્યા જેવું પગલું ભરી શકે છે.
Be the first to comment on "પોલીસ અધિકારીના રિપોર્ટમાં દાવો, સુશાંત બે ગંભીર માનસિક બીમારીનો ભોગ બન્યો હતો, હિંદુજા હોસ્પિટલમાં અઠવાડિયું એડમિટ રહ્યો હતો"