પાયલટને મનાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા, ગેહલોતનું નેતૃત્વ તેમને અસ્વીકાર્ય હતું


  • રાહુલ, પ્રિયંકા, અહમદ પટેલ, ચિદમ્બરમ અને વેણુગોપાલે અનેક વખત પાયલટ સાથે વાત કરી, પણ પાયલટે મમત ન છોડી
  • પાયલટને મનાવવા શક્ય તમામ ઓફર થઈ, પરંતુ તેમને મુખ્યમંત્રીપદ સિવાય કશું ખપતું ન હોવાથી છેવટે હાઈકમાન્ડે હથિયાર હેઠે મૂક્યાં

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 03:19 PM IST

નેશનલ ડેસ્ક. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેની મડાગાંઠે આખરે પાયલટની હકાલપટ્ટીમાં પરિણમી છે. મંગળવારે યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં પણ પાયલટ અને તેમના સમર્થકોએ હાજરી ન આપી એ પછી પાયલટ સહિત દરેકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો. પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશપ્રમુખપદેથી પણ હટાવી દેવાયા. તેમના બે સમર્થક મંત્રીઓ વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીણાને પણ મંત્રીપદેથી તગેડી મૂકાયા.

મનાવવાની તમામ કોશિશો છતાં પાયલટ ગેહલોતના નેતૃત્વમાં કામ કરવા રાજી ન હતા. આ અંગે તેમણે હાઈકમાન્ડને સ્પષ્ટ જણાવી દીધું હતું. તેમને મનાવવા રાહુલ, પ્રિયંકા, અહમદ પટેલ, ચિદમ્બરમ, કે.સી.વેણુગોપાલે અનેક પ્રયાસો કરી જોયા હતા. પરંતુ પાયલટ નમતું જોખવા તૈયાર ન હતા. એ પછી સોમવારે મોડી રાતે પાયલટ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી હતી.

પાયલટને મુખ્યમંત્રીપદથી નીચે કશું ખપતું ન હતું
અત્યાર સુધીના ઘટનાક્રમમાં પાયલટ અને ગેહલોતે એકબીજાના નામ લઈને આરોપ કરવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાયલટ સાથે મંત્રણાઓ કરી રહ્યા હતા, પરંતુ તેઓ ગેહલોત સાથે કામ કરવા તૈયાર ન હતા. મુખ્યમંત્રીપદથી નીચેની એકપણ ઓફર તેમને માન્ય ન હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રીપદેથી ગેહલોતને હટાવવા બિલકુલ સંમત ન હતું. આથી આ મુદ્દે મડાગાંઠ વધુ સજ્જડ બની અને પાયલટની હકાલપટ્ટી નિશ્ચિત બની.

આટલી માંગણી માટે હાઈકમાન્ડ સહમત હતું
એવું કહેવાય છે કે પાયલટની કેટલીક માંગણીઓ માટે હાઈકમાન્ડ સહમત હતું. પાયલટના સમર્થકોને અપાયેલી પૂછપરછની નોટિસ પાછી ખેંચવા સહમતી બની ચૂકી હતી. પ્રદેશપ્રમુખપદે પાયલટને ચાલુ રાખવામાં પણ હાઈકમાન્ડને વાંધો ન હતો. સચિનને એ વાતનું પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ એકમાત્ર હશે અને બીજા નાયબ મુખ્યમંત્રીની નિમણૂંક કરવામાં નહિ આવે.

પાયલટ હવે નવો પક્ષ રચવાના પંથે
હાલ જોકે દિલ્હી ખાતે રોકાયેલા સચિન પાયલટ પોતાના પત્તા ખોલી રહ્યા નથી. અગાઉ તેઓ ભાજપમાં જોડાશે એવા સમાચારો પ્રસર્યા હતા, જે ક્રમશઃ ખોટા હોવાનું જણાયું હતું. અલબત્ત, એ શક્યતા હજુ પણ નકારી શકાય નહિ. પાયલટે એ બાબતમાં હજુ મન કળાવા દીધું નથી. જો પાયલટ સરકાર ઉથલાવવામાં નિષ્ફળ રહે તો ભાજપ માટે તેમની ખાસ જરૂરિયાત હાલ રહેતી નથી. એ સંજોગોમાં કોંગ્રેસથી છેડો ફાડી નાંખ્યા બાદ પાયલટ નવો પક્ષ બનાવે એ એકમાત્ર વિકલ્પ હાલના તબક્કે બળકટ જણાય છે.

Be the first to comment on "પાયલટને મનાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા, ગેહલોતનું નેતૃત્વ તેમને અસ્વીકાર્ય હતું"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: