દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 09:07 PM IST
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે સોમવારે તિરુઅનંતપુરમના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના વહીવટ અને દેખરેખની જવાબદારી સંપૂર્ણ રીતે ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને સોંપી દીધી હતી. ત્રાવણકોરના શાહી પરિવારના સભ્યો દ્વારા દાખલ કરવામા આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટના નિર્ણયને બદલી નાખ્યો હતો.
શું છે મંદિરનો ઇતિહાસ?
- શ્રી પદ્મનાભ મંદિરને 6ઠ્ઠી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું. 1750માં માર્તંડ વર્માએ ખુદને ભગવાનના સેવક મતલબ કે ‘પદ્મનાભ દાસ’ કહ્યા હતા અને તેમનું જીવન અને સંપત્તિ ભગવાનનો સોંપી દીધી હતી. 1949 સુધી ત્રાણવકોરના રાજાઓએ કેરળમાં રાજ કર્યું હતું.
- ત્રાવણકોરના શાસકોએ શાસનને દિવ્ય સ્વીકૃતિ અપાવવા માટે તેમનું રાજ્ય ભગવાનને સમર્પિત કરી દીધું હતું. તેમણે ભગવાનને જ રાજા જાહેર કર્યા હતા. મંદિરમાંથી ભગવાન વિષ્ણુની એક મૂર્તિ પણ મળી છે જે શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામા આવી છે.
- 2011માં જ્યારે કેસ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેના ભૂમિગૃહ ખોલવામા આવ્યા. કલ્લાર (વોલ્ટ-તિજોરી) એ ખોલ્યો તો તેમાંથી એક લાખ કરોડ રૂપિયાના બેનમૂન ઘરેણા, મૂર્તિઓ મળી હતી. કલ્લાર બી હજુ નથી ખોલવામા આવ્યો. શાહી પરિવારનું કહેવું છે કે તે ભૂમિગૃહ શ્રાપિત છે. જો તેને ખોલવામા આવશે તો અનિષ્ટ થશે.
કેસનું બેકગ્રાઉન્ડ શું છે ?
- ત્રાવણકોર અને કોચિનના શાહી પરિવાર તેમજ ભારત સરકાર વચ્ચે 1949માં કરાર થયો હતો. તે પ્રમાણે નક્કી થયું હતું કે પદ્મનાભસ્વામી મંદિરનો વહીવટ ત્રાવણકોર શાસક પાસે રહેશે.
- જોકે ત્રાવણકોર કોચિન હિન્દુ રિલીજીયસ ઇન્સ્ટીટૂયશન્સ એક્ટના સેક્શન 18(2) અંતર્ગત મંદિરનો વહીવટ ત્રાવણકોરના શાસકના નેતૃત્વ વાળા ટ્રસ્ટના હાથમાં રહ્યો. ત્રાવણકોરના અંતિમ શાસકનું નિધન 20 જુલાઇ 1991ના થયું હતું.
- કેરળ સરકારે ત્યારપછી પણ ત્રાવણકોરના છેલ્લા શાસકના ભાઇ ઉત્રાટમ તિરુનાલ માર્તંડ વર્માના નેતૃત્વમાં વહીવટી સમિતિને મંદિરનો વહીવટ સોંપ્યો.
- જોકે વર્માએ જ્યારે મંદિરમાં છૂપાયેલા ખજાના પર શાહી પરિવારનો દાવો સાબિત કરવાનો પ્રયત્ન કર્યો તો સિવિલ કોર્ટમાં અરજીઓની લાઇન લાગી ગઇ. ભક્તોએ અરજી કરી કે ત્રાવણકોરના શાહી પરિવારને મંદિરની સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવામા આવે.
કોચી હાઇકોર્ટે શું કહ્યું હતું ?
- ઉત્રાટમ તિરૂનાલ માર્તંડ વર્મા અને અન્ય લોકો આ મામલે હાઇકોર્ટ ગયા અને ત્યાં દરેક અરજી પર એકસાથે સુનાવણી કરવામા આવી. ત્યારે હાઇકોર્ટ સામે પ્રશ્ન હતો કે શું ત્રાવણકોરના છેલ્લા શાસકના નાના ભાઇ તરીકે વર્માને 1950ના ત્રાવણકોર-કોચિન હિન્દુ રિલીજીયસ ઇન્સ્ટિટ્યૂશન્સ એક્ટના સેક્શન 18(2) અંતર્ગત શ્રી પદ્મનાભસ્વામી મંદિર પર માલિકી હક, નિયંત્રણ અને વહીવટનો અધિકાર છે કે નહીં.
- આ પ્રશ્નનો જવાબ આપતા હાઇકોર્ટે કહ્યું હતું કે શાસક એવો દરજ્જો નથી જેને ઉત્તરાધિકારી તરીકે મેળવી શકાય. તેના લીધે 1991ના અંતિમ શાસકના મૃત્યુ પછી પૂર્વ સ્ટેટ ઓફ ત્રાવણકોરના કોઇ શાસક અત્યારે જીવિત નથી.
- એ પણ કહેવામા આવ્યું કે ઉત્રાટમ તિરૂનાલ માર્તંડ વર્મા ત્રાવણકોરના પૂર્વ શાસક તરીકે મંદિરના વહીવટ પર દાવો ન કરી શકે. હાઇકોર્ટે એ પણ કહ્યું કે મંદિરના ભૂમિગૃહ અંદર રાખવામા આવેલા ખજાનાને સાર્વજનિક કરવામા આવે. તેને મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામા આવે અને દાનમાં મળતા પૈસાથી મંદિરની દેખરેખ કરવામા આવે.
સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો ?
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રાવણકોર શાહી પરિવારનો મંદિરના વહીવટમાં અધિકાર હંમેશા રહેશે. મંદિરના મામલાના વહીવટવાળી સમિતિની અધ્યક્ષતા અત્યારે તિરુઅનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે.
- કોર્ટે કેરળ હાઇકોર્ટના 31 જાન્યુઆરી 2011ના એ આદેશને રદ્દ કરી નાખ્યો જેમાં રાજય સરકારને પદ્મનાભસ્વામી મંદિરનું નિયંત્રણ લેવા માટે ટ્રસ્ટનું ગઠન કરવા માટે કહેવામા આવ્યું હતું.
- કોર્ટે કહ્યું કે ત્રાવણકોરના છેલ્લા શાસકના મૃત્યુ બાદ શાહી પરિવારની ભક્તિ અને સેવાને તેમની પાસેથી છિનવી શકાય નહીં. તેઓ તેમની પરંપરાના આધારે મંદિરની સેવા ચાલુ રાખી શકે છે.
- જોકે કોર્ટે એ પણ કહ્યું કે કલ્લાર બી ખોલવું કે નહીં તેનો નિર્ણય કમિટી કરશે. આ મામલે કોર્ટે કોઇ અભિપ્રાય આપ્યો નથી.
Be the first to comment on "પદ્મનાભસ્વામી મંદિરના વિવાદનો અંત આવ્યો, જાણો સમગ્ર વિવાદ વિશે માહિતી"