ન તો સિંધિયાને રોકી શક્યા, ન તો પાયલટને મનાવી શક્યાઃ રાહુલ-પ્રિયંકા આડાઅવળાં ટ્વિટ કરતાં રહ્યાં પણ કોંગ્રેસને ન બચાવી


  • મંગળવારે બપોરે નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશપ્રમુખ સચિન પાયલટની હકાલપટ્ટી કરી દેવાઈ
  • હકાલપટ્ટીની 15 મિનિટ પછી પાયલટે લખ્યુંઃ સત્યને પરેશાન કરી શકાય છે, પણ પરાજિત નથી કરી શકાતું

કમલેશ માહેશ્વરી

Jul 14, 2020, 08:57 PM IST

મંગળવારઃ 14 જુલાઈ 2020ના મંગળવારે કંઈક અંશે એ જ કથાનું પુનરાવર્તન થયું જે મંગળવાર 10 માર્ચ 2020ના રોજ ભજવાઈ હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે 14 જુલાઈએ રાજસ્થાનના તેજતર્રાર યુવા નેતા સચિન પાયલટની પાંખો કાપી નાંખી. જ્યારે કે 10 માર્ચે મધ્યપ્રદેશના હોનહાર યુવા નેતા જ્યોતિરાદિત્યે કોંગ્રેસથી છેડો ફાડ્યો હતો.
મંગળવારનો દિવસ તો યોગાનુયોગ છે, પરંતુ કોંગ્રેસનું મંગળ કરનારા યુવા નેતાઓ કોંગ્રેસથી છૂટતા જાય છે અને જે યુવા નેતાઓના હાથમાં પક્ષનું સુકાન છે એ અન્ય વિષયની આડીઅવળી વાતો કરીને કોંગ્રેસને અને પોતાને ખુદને સંકટમાં નાંખી રહ્યા છે.
જી, વાત અહીં રાહુલ અને પ્રિયંકા ગાંધીની થઈ રહી છે, જેમના નામના સોગંદ ખાવાનો કોંગ્રેસમાં રિવાજ છે અને જેમને કરિશ્માઈ નેતૃત્વ કહેતાં કોંગ્રેસીઓ ફૂલ્યા નથી સમાતાં. જોકે 11થી 14 જુલાઈ સુધી ગરમાયેલો રહેલો રાજસ્થાનની રાજનીતિનો માહોલ હવે એક એવા વળાંક પર પહોંચ્યો છે જે આગળ જતાં કોંગ્રેસને બહુ મોટો ઝટકો આપી શકે છે.
એ ઝટકો કેવો હશે, તેની અસર કેવી હશે એ તો ભવિષ્યમાં ખબર પડશે. પરંતુ આ ઘટનાથી બરાબર 19 મહિના પહેલાંની બે તસવીરો જોઈએ તો કેન્દ્રમાં રાહુલ ગાંધી છે અને બે રાજ્યોમાં મનમેળ વગરની બે જોડી દેખાય છે, જેમને એક સાથે લાવવાનું શ્રેય એક સમયે રાહુલને અપાતું હતું.
પહેલી તસવીરનું બયાનઃ 13 ડિસેમ્બર 2018ની આ તસવીરના માધ્યમથી રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં નવી ફોર્મ્યુલા આપીને નવી જોડી બનાવી હતી. દુનિયાના મહાન દાર્શનિક લિયો તોલ્સ્તોયનો સંદેશ દોહરાવીને તેમણે કહ્યું હતું, ‘ધીરજ અને સમય આ બે સૌથી વધુ તાકાતવાન યોદ્ધા છે.

પહેલી તસવીરનો અંજામઃ ધીરજ અને સમય બંને હાથમાંથી સરકી ગયા અને એ જોડી આ વર્ષે માર્ચમાં તૂટી ગઈ. હોળીના દિવસોમાં દિલ તો મળ્યા નહિ પણ જોડી ખંડિત થઈ ગઈ અને સાથોસાથ મધ્યપ્રદેશ જેવું રાજ્ય પણ કોંગ્રેસના હાથમાંથી છટકી ગયું. રાહુલ ગાંધી એ વખતે કશું જ બોલ્યા ન હતા. એ અને પ્રિયંકા ગાંધી લોકોને હોળીની શુભકામનાઓ આપવા હોંશ દર્શાવતાં હતાં પણ પોતાના નીકટના યુવા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાને રોકવાની પહેલ બેમાંથી કોઈએ કરી ન હતી.
ભાસ્કર આર્કાઈવમાંથી આ પણ વાંચોઃ રાજકારણના રંગ / જ્યારે સિંધિયા પાર્ટી છોડીને જઈ રહ્યા હતા તો રાહુલ-પ્રિયંકા હોલી મુબારકમાં વ્યસ્ત હતા; યંગ બ્રિગેડમાંથી પણ કોઈએ રોક્યા નહિ.
બીજી તસવીરની ગવાહીઃ કમલનાથ અને સિંધિયાની તસવીરની જેમ જ બીજા દિવસે રાહુલે બિલકુલ એ જ સ્ટાઈલથી ગેહલોત અને પાયલટ સાથેની તસવીર ટ્વિટ કરી હતી. નવી ફોર્મ્યુલા અનુસાર બે વિરુદ્ધ દિશાના ધ્રુવોને પાસે લાવવામાં આવ્યા હતા અને સંદેશો આપવામાં આવ્યોઃ રાજસ્થાનની એકતાના રંગ.

બીજી તસવીરનો અંજામઃ પરિણામ શું આવશે એ તો ઘણાં દિવસોથી કળાઈ રહ્યું હતું, પણ આશા રાખવામાં આવતી હતી કે રાહુલ-પ્રિયંકા અને કદાચ સોનિયા રેગિસ્તાનની આ આંધીને રોકી લેશે. કમનસીબે એ ન થઈ શક્યું. આ તસવીરમાં દેખાતા એકતાના રંગ 2020ના ચોમાસામાં રોળાઈ ગયા. અહીં પણ યુવા નેતૃત્વે કોઈ આક્રમક પહેલ ન કરી અને પાયલટને મળવાની સુદ્ધાં દરકાર કર્યા વગર આત્મનિર્ભર થવાના આરે છોડી દીધા.
હવે વાંચો ગત 4 દિવસોમાં થયેલા ટ્વિટની કહાની, જે દર્શાવે છે કે કોંગ્રેસના યુવા નેતૃત્વ પાસે કોરોના, ચીન વિવાદ, ધારાવી મોડેલ, લોદી રોડનો બંગલો અને વિવિધ શ્રદ્ધાંજલિઓ દેવાનો સમય તો હતો પણ પોતાના યુવા સાથીની ફરિયાદ સાંભળીને તેનું નિરાકરણ લાવવાની તસ્દી ન હતી અથવા તો યુવા નેતાઓની નારાજગી પ્રત્યે તેઓ ગંભીર ન હતા.

રાહુલના ટ્વિટર હેન્ડલ@RahulGandhi નો સ્ક્રીન શોર્ટ, તેમના 15.20 મિલિયન ફોલોઅર્સ છે

13 જુલાઈઃ શી ખબર ક્યા મુદ્દે, પણ રાહુલ અચાનક વિફર્યા અને બે ટ્વિટ કરીને મીડિયા પર આરોપ મૂકી દીધો કે મીડિયા ફાસિસ્ટ શક્તિઓના હાથની કઠપુતળી છે અને તેઓ પોલ ખોલીને જ રહેશે. રાહુલે કહ્યું કે તેઓ કાલથી એટલે કે 14 જુલાઈથી રોજ એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વાત રજૂ કરશે. અલબત્ત, તેઓ પોતાનું જ લખેલું ભૂલી ગયા. 14 જુલાઈએ એમણે એવું કશું જ ન કર્યું.

13 જુલાઈઃ ધ હિન્દુના અહેવાલ ટાંકીને He શબ્દપ્રયોગ કરીને તેમણે મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો અને અસ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત કહી. દેશના સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષના ટોચના નેતાના આ ટ્વિટને ખાસ પ્રતિસાદ ન મળ્યો.

13 જુલાઈઃ દુનિયમાં કોરોનાના પ્રસારની તસવીર પોસ્ટ કરીને તેમણે ભારતની સ્થિતિ પર સરકારને સવાલ કરતાં પૂછ્યું, શું આપણે કોરોના સામેની લડાઈમાં સારી સ્થિતિમાં છીએ?

12 જુલાઈઃ ધ વાયર ન્યૂઝ પોર્ટલમાં કરણ થાપરના શો વિશેના સમાચાર રિટ્વિટ કરીને તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે ચીને આપણી જમીન કેવી રીતે છીનવી લીધી?

11 જુલાઈઃ એ દિવસે રાહુલે 3 ટ્વિટ કર્યા અને સૌથી પહેલાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ રોકવા માટે ધારાવી મોડેલ અંગે પોતાની સરકારને શાબાશી આપી. જનતાને ય શાબાશી આપી. જોકે એ તથ્ય એમને યાદ ન આવ્યું કે મહારાષ્ટ્રમાં સર્વત્ર કોરોના બેકાબુ છે.

11 જુલાઈઃ NDTVના એક સમાચારને રિટ્વિટ કરીને રાહુલે PM કેર ફંડ સાથે ચીનના કનેક્શન અંગે સવાલ ઊઠાવ્યા. તેમણે ચાઈનિઝ મોબાઈલ કંપનીઓના નામ પણ લખ્યા અને પૂછ્યું, આ મામલે શું છૂપાવવામાં આવી રહ્યું છે?

11 જુલાઈઃ PMO દ્વારા મધ્યપ્રદેશના રિવા ખાતે શરૂ કરાયેલ સોલર પાવર પ્રોજેક્ટ અંગેના ટ્વિટને રિટ્વિટ કરીને રાહુલે ફક્ત એક જ શબ્દમાં વ્યંગ્ય કર્યોઃ અસત્યાગ્રહી. ન તો તેઓ પોતાને શું કહેવું છે એ સ્પષ્ટ કરી શક્યા, ન તો અસત્ય શું છે એ કહી શક્યા.

11થી 14 જુલાઈ સુધી પ્રિયંકા ગાંધીના 6 ટ્વિટઃ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાના ટ્વિટર હેન્ડલ  @priyankagandhi ના સ્ક્રિનશોટ્સ, જેમનાં 25 લાખ જેટલાં ફોલોઅર્સ છે…
તારીખ   ટ્વિટ અને તેનો વિષય
14 જુલાઈ         મંડેલાની દીકરીને શ્રધ્ધાંજલિ, બંગલા અંગેના ફેઈક ન્યુઝ પર સ્પષ્ટતા અને લોકડાઉન સંદર્ભે
13 જુલાઈ કુલ બે ટ્વિટ, એક રાહુલના ટ્વિટને રિટ્વિટ અને બીજુ ઉત્તરપ્રદેશમાં સંક્રમણ અંગે ચિંતા
12 જુલાઈ કોઈ ટ્વિટ નહિ
11 જુલાઈ કોઈ ટ્વિટ નહિ

14 જુલાઈઃ સચિન પાયલટને હટાવવામાં આવ્યા એ વખતે પ્રિયંકા નેલસન મંડેલાની નાની દીકરી જિન્ડસી સાથે પોતાની દોસ્તી યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં.

14 જુલાઈઃ પ્રિયંકા પોતાના લોદી એસ્ટેટ સ્થિત ઘર ખાલી કરવા સંદર્ભે કટાક્ષભર્યા શબ્દોમાં શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરીનો આભાર માની રહ્યા હતા. સમાંતરે એવી સ્પષ્ટતા કરી રહ્યા હતા કે મેં બંગલા સંદર્ભે કોઈ નિવેદન કર્યું નથી અને હું કરવાની ય નથી. મેં કહ્યું છે કે હું 1 ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરી દઈશ.

14 જુલાઈઃ મંગળવારના ચોથા ટ્વિટમાં પ્રિયંકાએ ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણના પ્રસાર અંગે ચિંતા વ્યક્ત કરી અને વધી રહેલા કેસ અંગે લાગુ કરાયેલ નાનકડા લોકડાઉનને બેબી લોકડાઉન કહ્યું તેમજ તેને કોઈ ષડયંત્રનો ઈશારો પણ ગણાવ્યું.

14 જુલાઈઃ જ્યારે રાજસ્થાનમાં ટોચના બે નેતાઓ વચ્ચે જંગ છેડાયો હતો ત્યારે પ્રિયંકા પોતાના લોદી એસ્ટેટ સ્થિત બંગલા અંગે સોશિયલ મીડિયામાં ચાલતા સમાચારોને ફેઈક ન્યુઝ ગણાવવામાં વ્યસ્ત હતા.

13 જુલાઈઃ પ્રિયંકાએ દિવસ દરમિયાન બે ટ્વિટ કર્યા. પ્રથમ ટ્વિટમાં યુપીના કોરોના સંબંધિત ત્રણ દિવસના આંકડા મૂકીને યોગી પર એક શેઅર લખીને કટાક્ષ કર્યો, ‘મર્ઝ બઢા ગયા, જ્યોં જ્યોં દવા કી’

13 જુલાઈઃ સોમવારે બીજા ટ્વિટમાં પ્રિયંકાએ રાહુલના ટ્વિટને રિટ્વિટ કરીને ભારતમાં કોરોનાની વધતી મહામારી વિશે ઉગ્રતા દર્શાવી.

11 અને 12 જુલાઈઃ પ્રિયંકાએ એકેય ટ્વિટ ન કર્યું. બંને દિવસ તેમનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ મૌન હતું.1 Trackbacks & Pingbacks

  1. ન તો સિંધિયાને રોકી શક્યા, ન તો પાયલટને મનાવી શક્યાઃ રાહુલ-પ્રિયંકા આડાઅવળાં ટ્વિટ કરતાં રહ્યાં

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: