નેપોટિઝ્મ પર અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધે કહ્યું, ‘ઈન્ડસ્ટ્રીમાં ચાર નાલાયક છે તો 40 લોકો સારા પણ છે’


અંકિતા તિવારી

Jul 15, 2020, 09:42 AM IST

મુંબઈ. અમિત સાધે ઘણી ટીવી સિરિયલ તથા ફિલ્મમાં કામ કર્યું છે. વેબ સીરિઝ ‘બ્રીધ’ની પહેલી સીઝન બાદ અમિત બીજી સીઝનમાં પણ જોવા મળ્યો હતો. દિવ્ય ભાસ્કરે અમિત સાધ સાથે લૉકડાઉન, નેપોટિઝ્મ સહિતના મુદ્દા પર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘બ્રીધ’માં અમિત સાધે કબીર સાવંતનું પાત્ર ભજવ્યું હતું. અમિત સાધ એક્ટર વિદ્યુત જામવાલ સાથે ‘યારા’માં જોવા મળશે. 

બીજી સીઝનમાં તમારા પાત્રની ખાસ વાત શું હતી?
પહેલી સીઝનમાં મારું પાત્ર પોલીસ અધિકારીનું હતું. તેના જીવનમાં બહુ બધા પ્રશ્નો હતાં. નવી સીઝનમાં મારા વ્યક્તિત્વના અનેક શેડ્સ જોવા મળ્યાં છે. સીઝન 2માં મારો રોલ સારો છે. રાઈટર્સે મારો રોલ વધુ દમદાર રીતે લખ્યો છે. 

આ સીઝનમાં સૌથી પડકારજનક કયો સીન હતો?
આ સીઝન પહેલાં મારી કરિયર જોઈએ એવી નહોતી પરંતુ આ સીરિઝ બાદ મને ચાહકોનો પ્રેમ મળ્યો અને આ વાત મારા માટે ખાસ હતી. નવી સીઝનમાં મેં મારા રોલ સાથે થોડું એક્સપરિમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અભિષેક સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
અભિષેક સાથે કામ કરવું ઘણું જ સરળ હતું. તે ઘણો જ સારો વ્યક્તિ અને સહજ છે. તેનામાં ફિલ્મની ઘણી જ સમજ છે. તે ટેલેન્ટેડ છે અને પોતાના પાત્રને ઘણી જ સારી રીતે ભજવે છે. અનુભવમાં તે મારા કરતાં ઘણો જ મોટો છે પરંતુ સેટ પર તે એકદમ સામાન્ય રહ્યો હતો. સેટ પર તે મારી સાથે એક મિત્ર અને મોટા ભાઈની જેમ રહેતો હતો. અમે ઘણીવાર સેટ પર ક્રિકેટ રમતા હતાં. મને જ્યારે પણ સારી કૉફી પીવાનું મન થાય તો હું તેની પાસે જતો હતો. 

લૉકડાઉનમાં જીવન કેવી રીતે બદલાઈ ગયું?
લૉકડાઉન દરમિયાન હું ઉત્તરાખંડમાં હતો અને તેથી જ પરિવાર સાથે સમય પસાર કરી શક્યો નહીં. ઉત્તરાખંડમાં હું રોજ પર્વતો તથા જંગલોમાં 10 કિમી ચાલતો હતો. આ દરમિયાન મને એક વાત જાણવા મળી કે મારા જીવનમાં પહેલાં માત્ર ફિલ્મ માટે જગ્યા હતી. હું આખો દિવસ બસ ફિલ્મ અંગે જ વિચારતો હતો. જોકે, આ ત્રણ મહિનાના સમયે મને એ વાત શીખવી કે મારા જીવનમાં ફિલ્મનો હિસ્સો બહુ થોડો છે. આજ સુધી હું મારા જીવનની ઘણી બાબતોની અવગણના કરતો હતો. જીવન કેવી રીતે જીવવું જોઈએ તે વાત હું લૉકડાઉન દરમિયાન શીખ્યો છું. ઉત્તરાખંડમાં હું રોજ સવારે પાંચ વાગે ઊઠી જતો હતો અને પછી ટ્રેકિંગ પર જતો હતો. 

જીવનમાં નિષ્ફળતાઓનો સામનો કેવી રીતે કરો છો?
જીવનમાં હું બસ એક જ મંત્ર માનું છું અને તે એ છે કે તમારું ધાર્યું થાય તો સારું અને ના થાય તો વધુ સારું. મને જીવનમાં જે પ્રેમ મળ્યો તેનાથી ઘણો જ ખુશ છું પરંતુ જ્યારે નિષ્ફળતાઓ આવે છે ત્યારે હું ક્યારેય નિરાશ થતો નથી. 

આઉટસાઈડર હોવાને કારણે નેપોટિઝ્મ પર શું કહેશો?
બસ એ જ કહેવા માગીશ કે ઈન્ડસ્ટ્રીમાં જો ચાર લોકો નાલાયક હોય તો 40 લોકો સારા પણ છે. ફેવરેટિઝ્મ તો દરેક ઘરમાં હોય છે, બાળકોમાં પણ હોય છે. હું તો પ્રામાણિક રીતે મારું કામ કરતો રહીશ. એક સમયે જો કામ નહીં મળે તો વાસણ ઘસીશ. આમ પણ હું ફિલ્મમાં આવ્યો તે પહેલાં હોટલમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરતો હતો. જ્યારે 16 વર્ષની ઉંમરમાં મેં આ દુનિયામાં સર્વાઈવ કર્યું તો હવે હું 41 વર્ષનો છું તો ઘણું બધું કરી શકું છું.

આ સીરિઝે તમારા જીવનને કેવી રીતે બદલ્યું?
સૌ પહેલાં હું એ કહેવા માગીશ કે આ સીરિઝે મને એક્ટર તરીકે કામનો સંતોષ આપ્યો છે. મારી અંદરના આર્ટીસ્ટને વધુ સારું કરવાનો પડકાર મળ્યો છે. 

મોટા પડદે કયુ પાત્ર ભજવવાની ઈચ્છા છે?
‘ગ્લેડિએટર’ફિલ્મ જોઈ હતી અને તે રોલને પ્લે કરવાની ઈચ્છા છે. 

Be the first to comment on "નેપોટિઝ્મ પર અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધે કહ્યું, ‘ઈન્ડસ્ટ્રીમાં ચાર નાલાયક છે તો 40 લોકો સારા પણ છે’"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: