- આશરે 800 વિદ્યાર્થીઓની છ મહીનાની 25 ટકા ફી માફ કરાશે
દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 06:48 PM IST
અમદાવાદ. સમગ્ર વિશ્વમાં હાહાકારી મચાવી રહેલી મહામારી કોરોનાને કારણે સમગ્ર દેશમાં પણ બે મહિના સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેને પગલે રાજ્યની તમામ સ્કૂલો પણ ચાર મહીનાથી બંધ છે અને હજુ પણ કેટલો સમય બંધ રહેશે એ કહેવું અનિશ્ચિત છે. તેમજ લોકડાઉનને કારણે ધંધા-રોજગારને ખૂબજ માઠી અસર થઈ છે અને લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. જેથી ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલ સહીત અન્ય આગેવાનો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓના હિત માટે ફી માફી માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ સકારાત્મક રજૂઆતોને કારણે આજે અમદાવાદ નવા નરોડા ખાતે આવેલી આદિત્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી પ્રકાશ પટેલ દ્વારા તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા આશરે 800 વિદ્યાર્થીઓની છ મહીનાની 25 ટકા ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.
સ્કૂલો નિયમોનું પાલન કરે નહીં તો શિક્ષાત્મક કાર્યવાહીઃ ગુજરાત વાલી એકતા મંડળ
આ અંગે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, સ્કૂલોમાં અભ્યાસ બંધ હોવાના કારણે વીજ બિલ,ટ્રાન્સપોર્ટેશન અને અન્ય મેઈન્ટેનન્સ જેવા ઘણા ખર્ચાઓમાં મોટી બચત થઈ હોય એ વાસ્તવિક બાબત છે, ત્યારે રાજ્યની અન્ય તમામ પ્રાઈવેટ સ્કૂલોને આ સ્કૂલના ઉમદા કાર્યમાંથી શીખ લઈ ફી માફ કરવા માટે અમે અપીલ કરીએ છીએ. ઘણી સ્કૂલો ફીમાં છૂટછાટ આપવાની ઈચ્છા વ્યકત કરતી હોવા છતાં મોટી સ્કૂલો અને સંચાલક આગેવાનોના દબાણવશ થઈ ફીમાં છૂટછાટ આપી શકતી નથી. તેની
સાથે સાથે FRCના પરિપત્રોનું ઉલ્લંઘન અને સ્કૂલો દ્વારા ગેરકાયદે રીતે બળજબરીથી પુસ્તકોનું વેચાણ, યુનિફોર્મ અને અન્ય એક્ટિવિટીના નામે રુપિયા પડાવતી સ્કૂલો પણ હવે નિયમોનું પાલન કરતા શીખી લે નહીં તો શિક્ષાત્મક કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી રાખે.
Be the first to comment on "નવા નરોડાની આદિત્ય ઈન્ટરનેશનલ સ્કૂલે 25 ટકા ફી માફ કરી, 800 વિદ્યાર્થીઓને મળશે લાભ"