દુનિયાના 83 ધનિકોએ પત્ર લખી કહ્યું- કોરોનાનો મુકાબલો કરવા માટે વધુ ટેક્સ ચૂકવવાની ઈચ્છા છે


  • ધનિકોએ કહ્યું- હોસ્પિટલોમાં સેવા ન કરી શકીએ પણ મદદ કરીશું

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 05:39 AM IST

લંડન. દુનિયાના 83 ધનિકોએ કોરોના સંકટનો મુકાબલો કરવા માટે વધુ ટેક્સ ચૂકવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ લોકો પેટ્રિયૉટિક મિલેનિયર્સ, ઓક્સફેમ, હ્યુમન એક્ટ, ટેક્સ જસ્ટિસ, ક્લબ ઓફ રોમ રિસોર્સ જસ્ટિસ અને બ્રિજિંગ વેન્ચર્સ સંગઠનના માધ્યમથી મદદ માટે આગળ આવ્યા હતા. બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઈટાલી, આયર્લેન્ડ સહિત અન્ય દેશોના ધનિકોએ આ મામલે પોતાના દેશની સરકારને પત્ર લખ્યો હતો. 

પત્રમાં ધનિકોએ કહ્યું કે અમે હોસ્પિટલોમાં રહીને દર્દીઓની સારવાર તો ન કરી શકીએ, એમ્બ્યુલન્સ ચલાવીને દર્દીને હોસ્પિટલ સુધી ન પહોંચાડી શકીએ પણ તેમની મદદ કરવા ઈચ્છીએ છીએ. એવામાં વધારે ટેક્સ ચૂકવવો એ મદદનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની શકે છે. અમે એ લોકોના ઋણી છીએ જે ટોચના મોરચે રહીને કોરોનાનો મુકાબલો કરી રહ્યા છે. કોરોનાની આર્થિક અસર દાયકાઓ સુધી જોવા મળશે. આ સ્થિતિમાં દુનિયાના આશરે 50 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. અમે આ બધાની મદદ કરવા માગીએ છીએ. સમૂહે જી-20 દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની બેઠક અગાઉ આ પત્ર જાહેર કર્યો હતો. આ વર્ચ્યુઅલ બેઠક 18 જુલાઈએ થશે, જેની યજમાની સાઉદી અરબ કરશે. પત્ર પર ન્યુઝીલેન્ડના બીજા સૌથી ધનિક બિઝનેસમેન સ્ટીફન ટિન્ડાલ, બ્રિટિશ ફિલ્મ ડિરેક્ટર રિચર્ડ કર્ટિસ, આયરિશ વેન્ચર કેપિટાલિસ્ટ જોન ઓ ફારેલ સહિત અન્ય ધનિકોના હસ્તાક્ષર છે. 

દુનિયાના 5 લાખથી વધુ લોકો વધારે પડતા ધનિક છે. તેમની પાસે ઓછામાં ઓછી 225 કરોડ રૂપિયાની સંપત્તિની છે. તેનો અર્થ એ છે કે આઈસલેન્ડ, માલ્ટા કે બેલીઝની વસતીથી વધુ દુનિયાના વધારે પડતા ધનિકોની છે. બ્રિટનની લેબર પાર્ટીએ કોરોનાના સંકટનો મુકાબલો કરવા માટે સરકાર સમક્ષ ધનિકો પર વેલ્થ ટેક્સ લગાવવાની માગ કરી હતી. 

Be the first to comment on "દુનિયાના 83 ધનિકોએ પત્ર લખી કહ્યું- કોરોનાનો મુકાબલો કરવા માટે વધુ ટેક્સ ચૂકવવાની ઈચ્છા છે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: