Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ7 મિનિટ પહેલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
લોકપ્રિય કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ (દિલીપ જોષી) પોતાના યુનિક શર્ટને કારણે હંમેશાં સેન્ટર ઓફ એટ્રેક્શન હોય છે. જેઠાલાલ સિરિયલના એપિસોડમાં દર વખતે અલગ અલગ ડિઝાઈનર શર્ટમાં જોવા મળતા હોય છે. રંગીન અને ફૂલોની ડિઝાઈનવાળા શર્ટ જોઈને ચાહકોને ઘણીવાર મનમાં વિચાર આવતો હોય છે કે આવા શર્ટ કોણ ડિઝાઈન કરી આપે છે? જેઠાલાલના યુનિક શર્ટ મુંબઈમાં જ રહેતા જીતુભાઈ લખાણી બનાવે છે.

મુંબઈમાં આવેલી આ દુકાનમાંથી જેઠાલાલના યુનિક શર્ટ તૈયાર થાય છે

પૂરી ટીમ સાથે મળીને જેઠાલાલના કપડાં તૈયાર કરે છે
છેલ્લાં 13 વર્ષથી શર્ટ ડિઝાઈન કરે છે
સિરિયલ જ્યારથી શરૂ થઈ ત્યારથી એટલે કે 2008થી જેઠલાલના યુનિક ડિઝાઈનર શર્ટ મુંબઈના જીતુભાઈ લખાણી બનાવે છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જીતુભાઈએ કહ્યું હતું, ‘શોની શરૂઆતથી જ દિલીપ જોષીના દરેક શર્ટ મેં જ ડિઝાઈન કર્યા છે. શોમાં જ્યારે કોઈ સ્પેશિયલ સેગમેન્ટ હોય છે, ત્યારે તેના માટે ખાસ તૈયારી કરવી પડે છે. એક સ્પેશિયલ શર્ટને ડિઝાઈન કરવામાં અંદાજે ત્રણ કલાક જેટલો સમય થાય છે અને પછી તેને સિવવામાં 2 કલાક થાય છે. એટલે કે એક સ્પેશિયલ શર્ટ તૈયાર કરતાં 5 કલાક થાય છે. જે રીતેનો રિસ્પોન્સ દિલીપ જોષી તથા પ્રોડ્યૂસર અસિત મોદી તરફથી મળે છે, તેના કારણે અમને કામ કરવામાં ઉત્સાહ રહે છે.’

જીતુભાઈ લખાણીએ યુનિક શર્ટનો કૉન્સેપ્ટ શરૂ કર્યો હતો

જેઠાલાલે છેલ્લાં 13 વર્ષમાં એક વાર પણ શર્ટ રિપીટ કર્યો નથી
ગ્રાહકો જેઠાલાલ જેવા કપડાં માગે છે
જીતભાઈ ડિઝાઈન ડિપાર્ટમેન્ટનું ધ્યાન રાખે છે તો તેમના નાના ભાઈ રોહિત લખાણી બ્રાન્ડ પ્રમોશનનું કામ કરે છે. રોહિતે કહ્યું હતું, ‘અમારા ત્યાં ઘણાં ગ્રાહકોને જેઠાલાલ જેવા કપડાં જોઈતા હોય છે. શરૂઆતમાં અમને વિશ્વાસ જ નહોતો થતો કે અમારું કલેક્શન લોકોને આટલું બધું ગમશે. આજે અમે વેલેન્ટાઈનથી લઈ લગ્ન, દરેક પ્રસંગના અલગ-અલગ યુનિક આઉટફિટ બનાવીએ છીએ. અલગ-અલગ થીમના શર્ટ બનાવવાનો આઈડિયા જીતુભાઈનો હતો. આ આઈડિયા ચાહકોમાં ઘણો જ લોકપ્રિય થઈ ગયો હતો.’

સ્પેશિયલ શર્ટ તૈયાર થતાં 5 કલાકનો સમય થાય છે

જેઠાલાલ જેવા શર્ટની ડિમાન્ડ દર્શકોમાં છે

જીતુભાઈ તથા રોહિતભાઈ સાથે મળીને આ દુકાન ચલાવે છે
વાતચીતમાં બંને ભાઈઓએ કહ્યું હતું કે કેટલાંક વર્ષો પહેલાં ઉત્તરાયણ પર જેઠાલાલ માટે જે શર્ટ બનાવવામાં આવ્યો હતો, તેમાં અસલી ફિરકી તથા પતંગ લગાવવામાં આવ્યા હતા. આ શર્ટ જેઠાલાલનો અત્યાર સુધીનો સૌથી ફેવરિટ રહ્યો છે. આટલું જ નહીં આ 13 વર્ષમાં જેઠાલાલે એકવાર પણ શર્ટ રિપીટ કર્યો નથી.

જેઠાલાલે ઉત્તરાયણ તથા નવરાત્રિમાં આ શર્ટ પહેર્યો હતો
Be the first to comment on "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: છેલ્લાં 13 વર્ષથી જેઠાલાલના યુનિક શર્ટ અહીંથી બનીને આવે છે, એક પણ વાર કપડાં રિપીટ કર્યાં નથી"