Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2 મિનિટ પહેલા
- કૉપી લિંક
દેશમાં થતા એક્સિડન્ટ્સ આપણને વધુને વધુ ગરીબ બનાવી રહ્યા છે. માત્ર ગરીબ જ નહીં પણ આ દુર્ઘટનાઓ આપણના દેશના એક મોટા વર્ગને માનસિક રોગી પણ બનાવી રહી છે.
- દુનિયાભરના વાહનોમાં એક ટકા જ ભારતમાં છે પણ માર્ગ અકસ્માતમાં 10 % મોત ભારતમાં જ થાય છે
- 2025 સુધીમાં માર્ગ દુર્ઘટનાઓમાં 50 ટકા જેટલો ઘટાડો કરીશુંઃ નીતિન ગડકરી
- માર્ગ અકસ્માતો ભવિષ્યમાં વિકરાળ સમસ્યાઓ લાવી શકે છે
દર વર્ષે દુનિયાભરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે અને ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશમાં વાહનોની સંખ્યા વધવાની સાથે માર્ગ અકસ્માતોની અને તેમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધતી જાય છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે દુનિયાભરના વાહનોમાંથી એક ટકા જ ભારતમાં હોવા છતાં માર્ગ અકસ્માતોમાં 10% મોત આ જ દેશમાં થાય છે. આ સ્થિતિમાં સરકારની નેમ છે કે 2025 સુધીમાં દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 50 ટકા ઘટાડો કરવામાં આવે. પરંતુ સવાલ એ છે કે આકરા દંડ, કડક ટ્રાફિક નિયમો અને કાયદાઓથી જ માર્ગ અકસ્માતો અટકે કે પછી લોકોમાં સ્વયંશિસ્ત પણ જરૂરી છે.
માર્ગ અકસ્માતો અંગે વિશ્વબેંકનો રિપોર્ટ શું કહે છે
ભારતમાં દરરોજ હજારો લોકોનાં મોત માર્ગ અકસ્માતોમાં થાય છે. રોડ એક્સિડન્ટમાં અનેક પરિવાર તબાહ થઈ જાય છે. વિશ્વ બેંકે માર્ગ અકસ્માતો અંગે કેટલાક આંકડા રજૂ કર્યા છે, જે ખરેખર ચિંતાજનક છે. વિશ્વ બેંકના અનુસાર દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં થતા કુલ મૃત્યુના 10 ટકા મોત માત્ર ભારતમાં જ થાય છે. વિશ્વભરમાં વાહનોનાં એક ટકા જેટલા જ ભારતમાં હોવા છતાં આ દેશમાં 10 ટકા મોત અકસ્માતથી થાય છે. ભારત સરકાર લોકોને જાગૃત કરવા માટે ટ્રાફિક નિયમોનો ખૂબ પ્રચાર કરે છે પણ ઓવર સ્પીડ, દારૂ પીને વાહન ચલાવવાના કારણે અનેક નિર્દોષ લોકોના અકાળે મોત થાય છે. સૌથી ચિંતાજનક એ છે કે આ રીતે થતા મૃત્યુમાં સૌથી વધુ સંખ્યા યુવાનોની છે.

વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષે લગભગ સાડા ચાર લાખ માર્ગ અકસ્માત થાય છે, જેમાં દોઢ લાખ જેટલા લોકોનાં મોત થાય છે.
ભારતમાં દર વર્ષે એક્સિડન્ટથી 150000 લોકો મરે છે
વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષે લગભગ સાડા ચાર લાખ માર્ગ અકસ્માત થાય છે, જેમાં દોઢ લાખ જેટલા લોકોનાં મોત થાય છે. રિપોર્ટ અનુસાર, માર્ગ અકસ્માતોમાં ભોગ બનનારા લોકોમાં સૌથી વધુ ભારતના હોય છે. છેલ્લા એક દાયકામાં ભારતીય રસ્તાઓ પર 13 લાખ લોકોનાં મોત થયા છે અને 50 લાખ લોકો ઘાયલ થયા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં શિકાર બનનારા 80થી 90 ટકા લોકો ગરીબ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે સરકારે 2025 સુધીમાં માર્ગ અકસ્માતોમાં 50 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
અકસ્માતોથી થાય છે જંગી આર્થિક નુકસાન
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાલમાં જ કરાયેલા એક અભ્યાસમાં અનુમાન લગાવાયું છે કે ભારતમાં માર્ગ અકસ્માતોથી 147114 કરોડ રૂપિયાનું સામાજિક તેમજ આર્થિક નુકસાન થાય છે. જે જીડીપીના 0.77 જેટલું છે. મંત્રાલયના અનુસાર, માર્ગ દુર્ઘટનાઓનો શિકાર બનતા લોકોમાં 76.2 ટકા એવા લોકો છે જેમની વય 18થી 45 વર્ષ વચ્ચેની છે.
માનસિક રોગીઓની સંખ્યા વધારે છે માર્ગ અકસ્માતો
વિશ્વ બેંકે હાલમાં જ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટનું નામ ટ્રાફિક ક્રેશ ઈન્જરી એન્ડ ડિસેબિલિટીઃ ધ બર્ડન ઓન ઈન્ડિયન સોસાયટી છે. જેમાં જણાવાયું છે કે કઈ રીતે માર્ગ અકસ્માતો લોકોના જીવન પર અસર કરે છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં થતા એક્સિડન્ટ્સ આપણને વધુને વધુ ગરીબ બનાવી રહ્યા છે. માત્ર ગરીબ જ નહીં પણ આ દુર્ઘટનાઓ આપણના દેશના એક મોટા વર્ગને માનસિક રોગી પણ બનાવી રહી છે. જો માર્ગ અકસ્માતો પર અંકુશ ન લગાવાય તો સ્થિતિઓ વધુ વિકરાળ બની જશે.

માર્ગ સુરક્ષા પર આધારિત આ સર્વે ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી પ્રાપ્ત આંકડાઓ પરથી તૈયાર થયો છે. આ ચાર રાજ્યોમાં સર્વે દરમિયાન જાણવા મળ્યું કે જે પરિવારમાં કોઈ માર્ગ અકસ્માતનો ભોગ બન્યું તેના આખા પરિવારની જિંદગી બદતર થઈ ગઈ છે. સૌથી વધુ અસર ગ્રામીણ પરિવારો પર પડે છે. અકસ્માતના લીધે કોઈ ઘરમાં કમાનાર વ્યક્તિ રહેતી નથી અથવા તો કાયમ માટે તે અપંગ બની જાય છે. આ રીતે ભોગ બનેલા 75 ટકા લોકોનાં ઘરોમાં આર્થિક સંકટ આવી જાય છે.
સરકારી નિયમો જ નહીં, સ્વયંશિસ્ત પણ જરૂરી
રિપોર્ટ અનુસાર ઓછી આવક ધરાવતા દેશોમાં માર્ગ અક્સમાતોનો દર વધુ આવક ધરાવતા દેશોની તુલનામાં ત્રણ ગણો વધું છે. આ માટે જરૂરી છે કે વાહન ચલાવતી વખતે ખુદને અને અન્યોને પણ સુરક્ષિત રાખીએ.
સામાન્ય શિસ્ત અને કાળજીથી મહામૂલો જીવ બચી શકે છે. આ માટેની કેટલીક ટિપ્સ જૂઓ…
- સીટ બેલ્ટનો ઉપયોગ કરો: તમે હાઈવે પર ડ્રાઈવ કરો કે પછી નોર્મલ રોડ પર, સીટ બેલ્ટ જરૂર બાંધો. આ સાથે જ એ પણ ધ્યાન રાખો કે તમે સ્લો સ્પીડમાં જતા હો કે ફાસ્ટ સ્પીડ પર પણ સીટ બેલ્ટ બાંધવો અત્યંત જરૂરી છે. આ સાથે વાહનમાં બેઠેલા અન્ય લોકોને પણ સીટ બેલ્ટ પહેરવા જરૂર કહો. આ ઉપરાંત ડ્રાઈવિંગ વખતે હંમેશા સતર્ક રહેવું જરૂરી છે.

વાહનમાં બેઠેલા અન્ય લોકોને પણ સીટ બેલ્ટ પહેરવા જરૂર કહો.
- ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર વાત કરવાનું ટાળો: અત્યારે મોબાઈલ ફોન દરેક વ્યક્તિ પાસે છે. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરતા લોકો દરરોજ જોવા મળે છે. પરંતુ આમ કરવાથી ક્યારેક ધ્યાન ભટકી શકે છે અને અકસ્માત સર્જાય છે. એક જ નિયમ રાખવો જોઈએ કે જ્યારે પણ કોલ આવે ત્યારે વાહન રસ્તાની એક સાઈડ અટકાવીને ફોન પર વાત કરવી જોઈએ.
- ટ્રાફિકના નિયમોનું અચૂક પાલન કરો: ડ્રાઈવિંગ દરમિયાન ટ્રાફિક સિગ્નલનો પણ ખ્યાલ રાખો. રસ્તો ખાલી હોય તો વાહન પૂરપાટ ચલાવવું ન જોઈએ. હંમેશા સિગ્નલ લાઈટના સંકેતને ફોલો કરો. ટ્રાફિકના તમામ નિયમોનું અચૂક પાલન કરવું જોઈએ.
Leave a comment