Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીની ત્રીજી ડેથ એનિવર્સરી છે. શ્રીદેવીએ 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. 24 ફેબ્રુઆરી, 2018ના રોજ શ્રીદેવીનું દુબઈની હોટલના બાથટબમાં ડૂબવાથી મોત થયું હતું. શ્રીદેવીના જીવનના રસપ્રદ ફેક્ટ્સ પર એક નજર ફેરવીએ.
જયલલિતા સાથે પણ કામ કર્યું હતું

1967માં આવેલી તમિળ ફિલ્મ ‘થુનાઈવન’માં શ્રીદેવીએ લોર્ડ મુરુગાનું પાત્ર ભજવ્યું હતું. આ સમયે તેમની ઉંમર 4 વર્ષની હતી. આ ફિલ્મમાં જયલલિતા હતા. શ્રીદેવીએ લીડ એક્ટ્રેસ તરીકે 1979માં હિંદી ફિલ્મ ‘સોલવા સાવન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
‘ચાલબાઝ’ના એક ગીત માટે ભર તાવમાં શૂટિંગ કર્યું હતું

શ્રીદેવી ઘણાં જ પ્રોફેશન હતાં. જ્યારે તેમના પિતાનું મોત થયું ત્યારે તેઓ લંડનમાં શૂટિંગ કરતાં હતાં. તેમને પિતાના મોતના સમાચાર મળ્યાં તો તેઓ ભારત આવ્યા અને અંતિમ સંસ્કાર કર્યા બાદ તરત જ લંડન પરત ફરીને શૂટિંગ શરૂ કર્યું હતું. આ ઉપરાંત ‘ચાલબાઝ’ના શૂટિંગ દરમિયાન તેમને 103 ડિગ્રી તાવ હતો, પરંતુ તેમણે આરામ કરવાને બદલે શૂટિંગ પૂરું કર્યું હતું.
માતાએ 10 લાખ ફી માગી તો બોનીએ 11 લાખ આપ્યા

70ના દાયકામાં બોની કપૂરે એક ફિલ્મમાં શ્રીદેવીને જોયા હતા. બોનીને પહેલી નજરમાં પ્રેમ થયો હતો. બોની કપૂર તથા શ્રીદેવીની લવ સ્ટોરી ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મથી શરૂ થઈ હતી. શ્રીદેવીને સ્ક્રિપ્ટ બતાવવા માટે બોનીએ 10 દિવસની રાહ જોઈ હતી. શ્રીદેવીની માતાએ બોની કપૂર પાસે 10 લાખ રૂપિયા ફી માગી હતી. જોકે, બોનીએ 11 લાખ રૂપિયા આપ્યા હતા.
જયાપ્રદા-શ્રીદેવી 2 કલાક રૂમમાં બંધ રહ્યાં

શ્રીદેવી તથા જયાપ્રદા તે સમયે એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી હતાં. તેઓ એકબીજાની સાથે વાત કરવાનું તો દૂર એકબીજાની સામે જોવાનું પણ પસંદ કરતા નહોતા. એકવાર બંને વચ્ચે પેચઅપ કરાવવા માટે રાજેશ ખન્ના તથા જીતેન્દ્રે બંનેને 2 કલાક રૂમમાં બંધ કરી દીધા હતા. જોકે, જ્યારે દરવાજો ખોલ્યો તો ખબર પડી કે બંને રૂમના અલગ-અલગ ખૂણામાં બેઠાં હતાં. એક જ રૂમમાં હોવા છતાંય બંનેએ કોઈ વાત કરી નહોતી.
‘જુરાસિક પાર્ક’ માટે સ્પીલબર્ગને ના પાડી દીધી હતી

જાણીતા ડિરેક્ટર સ્પીલબર્ગે શ્રીદેવીને ‘જુરાસિક પાર્ક’ ઓફર કરી હતી. જોકે, તેમણે આ ફિલ્મ રિજેક્ટ કરી હતી. તેમને ભારતીય ફિલ્મ પ્રત્યે ઘણો જ લગાવ હતો. તેમને અનેક હોલિવૂડ ફિલ્મની ઓફર મળી હતી, પરંતુ એક પણ સ્વીકારી નહોતી.
મહાકાળના ભક્ત હતા, સવાર-સાંજ પૂજા કરતાં હતાં
શ્રીદેવીને મહાકાળ મંદિર તથા મીનાક્ષી મંદિરમાં ઘણી જ શ્રદ્ધા હતી. તેઓ જ્યારે પણ મુંબઈમાં રહેતાં ત્યારે રોજ સવાર-સાંજ પૂજા કરતાં હતાં. જ્યારે પણ મધ્યપ્રદેશ આવે ત્યારે ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં અચૂક જતાં હતાં. ફિટનેસ માટે યોગ તથા વર્કઆઉટ કરતાં હતાં. જે શહેરમાં જાય ત્યાં હેર સ્પા કરાવતાં હતાં.
Be the first to comment on "ડેથ એનિવર્સરી: શ્રીદેવીએ 4 વર્ષની ઉંમરથી કામ કરવાની શરૂઆત કરી હતી, પિતાના અંતિમ સંસ્કાર બાદ તરત જ શૂટિંગ ચાલુ કર્યું હતું"