- Gujarati News
- Dvb original
- Over 43000 New Investors Were Registered Daily In Last One Year In Stock Market Despite Having Weak Economy
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ7 મિનિટ પહેલાલેખક: વિમુક્ત દવે
- કૉપી લિંક
- IPOમાં સારું વળતર અને સ્ટોક માર્કેટની તેજીએ ઈન્વેસ્ટર્સને આકર્ષ્યા
- ગુજરાતમાં પણ એક વર્ષમાં ઈન્વેસ્ટર્સની સંખ્યા 21% જેવી વધી
- ભારતીય કંપનીઓએ BSE પરથી રૂ. 18.56 લાખ કરોડનું ફંડ મેળવ્યું
કોરોનાની મહામારીના કારણે ભારતના અર્થતંત્રને ભારે ફટકો પડ્યો હતો અને લોકમુખે મંદીની વાતો જ ચર્ચતી હતી. આમછતાં ભારતીય શેરબજારમાં રોજના 43,372 નવા રોકાણકારોનો ઉમેરો થઈ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ડેટા મુજબ 5 એપ્રિલ 2021 સુધીમાં 6.47 કરોડ રોકાણકારો રજિસ્ટર્ડ થયા છે. એક વર્ષ અગાઉ આ સંખ્યા 4.89 કરોડ હતી. એટલે કે એક વર્ષમાં 1.58 કરોડ રોકાણકારો વધ્યા છે.
યુવા રોકાણકારો શેરબજાર તરફ આકર્ષાયા છે
ઇન્વેસ્ટર પોઇન્ટના જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, શેરબજારમાં યુવા રોકાણકારોનો રસ ઘણો વધ્યો છે અને તે વાત નવા નોંધાયેલા રોકાણકારોના આંકડામાં દેખાઈ રહી છે. ગુજરાત હોય કે દેશ, 22થી 35 વર્ષના ઈન્વેસ્ટર્સ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજારોનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. કોરોનાકાળમાં પગાર કપાયા હતા તેવા સમયે લોકો સ્ટોક માર્કેટમાં આવેલી તેજીથી આકર્ષાયા હતા.
ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા 21% વધી
BSEના ડેટા મુજબ ગુજરાતમાં એક વર્ષમાં ઈન્વેસ્ટર્સની સંખ્યા 21% વધીને 83.16 લાખ પર પહોંચી છે. એક વર્ષમાં રાજ્યમાં 14.29 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે. એપ્રિલ 2020માં ગુજરાતમાં 68.88 લાખ રોકાણકારો નોંધાયા હતા. આંકડા બતાવે છે કે દેશમાં રોકાણકારોની સંખ્યાના મામલે ગુજરાત બીજા ક્રમે છે. 1.40 કરોડ રોકાણકારો સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે.
કુલ રોકાણકારોના 35% મહારાષ્ટ્ર અને ગુજરાતમાં
અત્યારે BSE પર 6.47 કરોડ રોકાણકારો નોંધાયેલા છે. આમાંથી 35% ઈન્વેસ્ટર્સ એકલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા છે. છેલ્લા એક મહિનામાં જ આ બંને રાજ્યોમાં 5.50 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે અને એક વર્ષમાં 48.62 લાખ નવા ઈન્વેસ્ટર્સ આવ્યા છે.
રોકાણકારોના રજીસ્ટ્રેશનમાં આગળ ટોપ-10 રાજ્યો
રાજ્ય | રોકાણકારો |
મહારાષ્ટ્ર | 1.40 કરોડ |
ગુજરાત | 83.16 લાખ |
ઉત્તર પ્રદેશ | 47.40 લાખ |
તમિલ નાડુ | 40 લાખ |
કર્ણાટક | 38.87 લાખ |
પશ્ચિમ બંગાળ | 37.64 લાખ |
દિલ્હી | 35.32 લાખ |
આંધ્ર પ્રદેશ | 33.83 લાખ |
રાજસ્થાન | 31.32 લાખ |
મધ્ય પ્રદેશ | 22.82 લાખ |
સોર્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)
IPOની સફળતાથી નવા રોકાણકારો બજારમાં આવ્યા
ચુડાસમાએ જણાવ્યું કે, મંદીના સમયે લોકો બચત અને આવક વધારવાના નવા સોર્સ શોધતા હોય છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જેટલા પબ્લિક ઇશ્યૂ આવ્યા છે તેમાં સારું વળતર મળ્યું છે. કોરોનાની મંદી વચ્ચે પણ IPO માર્કેટમાં સારું વળતર મળ્યું અને આથી જ બજારમાં નવા રોકાણકારો પ્રવેશી રહ્યા છે.
કોર્પોરેટ્સે રૂ. 18.56 લાખ કરોડનું ભંડોળ એકઠું કર્યું
બોમ્બે સ્ટોક એક્સચેન્જના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય કોર્પોરેટ્સે બોન્ડ, રાઇટ ઇશ્યૂ, કોમર્શિયલ પેપર અને IPO મારફત રૂ. 18.56 લાખ કરોડનું ભંડોળ એકઠું કર્યું હતું. કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ફંડ રેઇઝિંગની પ્રવૃત્તિમાં આગલા વર્ષના રૂ. 12.14 લાખ કરોડની તુલનામાં 53%નો નોંધપાત્ર ઉછાળો જોવાયો હતો.
મંદી વચ્ચે શેરબજારની તેજીએ લોકોને આકર્ષ્યા
લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર શલિલ કુમાર શાહે જણાવ્યું કે, કોરોનાને કારણે એપ્રિલ અને મે મહિનામાં સંપૂર્ણ લોકડાઉન હતું. લોકો પોતાના ઘરે હતા અને અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ હતી. તેવા સમયે શેરબજારમાં સુધારો શરૂ થયો હતો. લોકો સલામત રોકાણ શોધતા હતા. તેવા ટાઈમે માર્કેટમાં આવેલી તેજીથી ઘણા રોકાણકારો આકર્ષાયા હતા.
એક વર્ષમાં સેન્સેક્સની મુવમેન્ટ
મહિનો | ઓપન | ક્લોઝ |
માર્ચ 2020 | 38,910.95 | 29,468.49 |
એપ્રિલ 2020 | 29,505.33 | 33,717.62 |
મે 2020 | 32,748.14 | 32,424.10 |
જૂન 2020 | 32,906.05 | 34,915.80 |
જુલાઇ 2020 | 35,009.59 | 37,606.89 |
ઓગસ્ટ 2020 | 37,595.73 | 38,628.29 |
સપ્ટેમ્બર 2020 | 38,754.00 | 38,067.93 |
ઓકટોબર 2020 | 38,410.20 | 39,614.07 |
નવેમ્બર 2020 | 39,880.38 | 44,149.72 |
ડિસેમ્બર 2020 | 44,435.83 | 47,751.33 |
જાન્યુઆરી 2021 | 47,785.28 | 46,285.77 |
ફેબ્રુઆરી 2021 | 46,617.95 | 49,099.99 |
માર્ચ 2021 | 49,747.71 | 49,509.15 |
એપ્રિલ 2021 | 49,868.53 | 49,201.39 |
સોર્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)
ડિજિટાઇઝેશન થવાથી નવા એકાઉન્ટ ખોલવા સરળ બન્યા
શલિલ કુમાર શાહે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની વાત હોય કે રોકાણ કરવાની વાત હોય, ડિજિટાઇઝેશનના કારણે આ બધી પ્રક્રિયા ઘણી સરળ બની છે. પેપર વર્ક ઘટી ગયું છે. ઓનલાઈન KYC થઈ જાય છે. એટલે સમગ્ર પ્રક્રિયા સરળ બની છે.
Be the first to comment on "ડેટા સ્ટોરી: કોરોનાની મંદીમાં પણ શેરબજારમાં રોજના 43,000થી વધુ નવા રોકાણકારોનો ઉમેરો થયો, એક વર્ષમાં ઈન્વેસ્ટર્સની સંખ્યા 32% વધી"