- જાપાન એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશને કહ્યું, જાપાનના ટોપ એથલીટ્સની સાથે હાઈ સ્કૂલના એથલીટ પણ ભાગ લેશે
- ટોક્યો ઓલિમ્પિક આ મહિને 24 જુલાઈએ શરૂ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી
- ટોક્યો ઓલિમ્પિક સ્થગિત થતા જાપાનને લગભગ 56 હજાર કરોડનું નુકસાન થયું
દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 03:57 PM IST
ટોક્યો ઓલિમ્પિક માટે તૈયાર થયેલ જાપાનના નેશનલ સ્ટેડિયમમાં પહેલીવાર ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ થશે. જાપાન એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશને મંગળવારે તેની જાહેરાત કરી.
આ સ્ટેડિયમમાં 23 ઓગસ્ટના રોજ ધ ગોલ્ડન ગ્રાંપ્રી 2020 રેસ થશે. આ રેસ ઓલિમ્પિકની એક ટેસ્ટ ઇવેન્ટ તરીકે અગાઉ 10 મેના રોજ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.
માત્ર જાપાનના એથલીટ ભાગ લેશે
જાપાન ફેડરેશને એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે મુસાફરી પ્રતિબંધોને કારણે ફક્ત જાપાનના એથલીટ આ ગ્રાન્ડ પ્રિકસ દોડમાં ભાગ લેશે. દેશના ટોચના એથલીટ્સ ઉપરાંત હાઈસ્કૂલના એથલીટ્સ પણ ભાગ લેશે. કારણ કે આ વર્ષે નેશનલ હાઇ સ્કૂલ ચેમ્પિયનશિપ અથવા અન્ય તમામ ઇવેન્ટ્સ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે.
ચાહકોને ગોલ્ડન ગ્રાન્ડ પ્રિકસ રેસ જોવા સ્ટેડિયમમાં આવવા દેવામાં આવશે નહીં. તેઓ ટીવી પર લાઇવ એક્શન જોઈ શકશે.
આ મહિને ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થવાની હતી
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ આ મહિનાની 24 જુલાઇથી શરૂ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે ઓલિમ્પિક એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે તે 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી 2021માં રહેશે. ટૂર્નામેન્ટ સ્થગિત થતા જાપાનને લગભગ 56 હજાર કરોડનું નુકસાન થયું છે. તેમજ 20 કરોડ રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો પણ વધી ગયો છે.
સ્ટેડિયમ બનાવવા માટે 87 % લાકડાનો ઉપયોગ થયો
ટોક્યો ગેમ્સ માટે તૈયાર થયેલ સ્ટેડિયમમાં 87% લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 2000 ક્યુબિક મીટર દેવદાર લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાપાનના 47 પ્રાંતના જંગલોમાંથી લાકડુ લાવવામાં આવ્યું હતું, જે 2011ની સુનામીમાં બરબાદ થયું હતું.
આનો ઉદ્દેશ્ય છે કે – પ્રેક્ષકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે અને તેમને ગરમી ન થાય. આ માટે 185 મોટા પંખા અને 8 સ્થળોએ કૂલિંગ નોઝલ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. 5 માળનું મુખ્ય સ્ટેડિયમ લગભગ 10 હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 60 હજાર દર્શકો અહીં બેસી શકશે.
Be the first to comment on "ટોક્યો ગેમ્સ માટે તૈયાર નેશનલ સ્ટેડિયમમાં 23 ઓગસ્ટે ગોલ્ડન ગ્રાંપ્રી રેસ થશે, અગાઉ 10 મેના રોજ થવાની હતી"