- Gujarati News
- Dvb original
- Ahmedabad based Tech Startup Petpooja Collects More Than 17 Lakh Voice Samples To Create An Audio Menu
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ43 મિનિટ પહેલાલેખક: વિમુક્ત દવે
- અલગ અલગ રાજ્યોમાંથી વોઇસ સેમ્પલ લેવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો
- ફાસ્ટફૂડ પાર્લર, કાફેમાં બોલીને ઓર્ડર કરી શકાય તેવું ડિવાઇસ બનાવ્યું
રેસ્ટોરન્ટ્સને મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી અને મેનૂ મેનેજમેન્ટ સહિતની સર્વિસ આપતા અમદાવાદના ટેકનોલોજી સ્ટાર્ટઅપ પેટપૂજાએ ઓર્ડર અને બિલિંગની પ્રોસેસને ઝડપી બનાવવા માટે એક વોઇસ ઓર્ડરિંગ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ માટે કંપનીએ વિતેલા ત્રણ વર્ષમાં દેશના 28 રાજયોમાંથી 17 લાખથી વધુ લોકો પાસેથી વિવિધ વાનગીઓના નામ બોલાવી અને તેમના વોઇસ સેમ્પલ લીધા હતા. આ તમામ વૉઇસને ક્લીન કરી અને એક ડિવાઇસમાં લોડ કરવામાં આવ્યા છે જેથી ગ્રાહક બોલીને સીધો જ ઓર્ડર કરી શકે.
ડાબેથી પેટપૂજાના સ્થાપકો અપૂર્વ પટેલ, પાર્થિવ પટેલ અને શૈવલ દેસાઇ.
આના કારણે ઓર્ડર ટાઈમિંગ ઘટશે
પેટપૂજાના કો-ફાઉન્ડર પાર્થિવ પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે રેસ્ટોરન્ટ્સમાં આપણે જે ખાવું હોય તે પસંદ કરવું અને પછી તે ઓર્ડર કરવો તે એક પ્રોસેસ છે જેમાં લગભગ 10-15 મિનિટ જેવો સમય લાગે છે. કાફે કે ફાસ્ટફૂડ પાર્લરમાં તો તેનાથી પણ વધારે સમય લાગે છે. વોઇસ ઓર્ડરિંગ ડિવાઇસના કારણે આ સમય ઘટી જશે. ઉપરાંત આ મશીનમાં એક વાર ઓર્ડર આવશે એટલે તેનું બિલ પણ બની જશે અને શેફ પાસે ઓર્ડર પણ જતો રહે છે એટલે આ આખી પ્રોસેસ એક સાથે થશે જેના કારણે ગ્રાહક તેમજ સંચાલકો માટે પણ ઘણું સરળ થઈ જશે.
સેમ્પલ કલેક્શન અને ક્લિનીંગમાં ત્રણ વર્ષ લાગ્યા
આ પ્રોજેક્ટ હેન્ડલ કરનાર પેટપૂજાના વાઇસ પ્રેસિડેન્ટ શૈવલ દેસાઇએ જણાવ્યું કે, અમે ભારતના લગભગ તમામ રાજયોમાંથી મહિલા અને પુરુષોના 17 લાખથી વધુ વોઇસ સેમ્પલ લીધા હતા. આ વોઇસને કલેક્ટ કરવામાં અને ક્લીન કરવામાં અમને આશરે 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અમુક વાનગીઓ કોમન હતી જ્યારે અમુકના નામ પ્રદેશ પ્રમાણે બદલાતા હોય છે. આ રીતે અમારી પાસે લગભગ 25 લાખથી વધુ વિવિધ પ્રકારની વાનગીઓના બોલાયા છે.

ઇમેઈલ પર લિન્ક મોકલી ઓનલાઈન વોઇસ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
પાઈલોટ પ્રોજેક્ટ અમદાવાદથી શરૂ થશે
શૈવલ દેસાઇ જણાવે છે કે, આ ડિવાઇસ માટે પાઈલોટ પ્રોજેક્ટ અમે અમદાવાદથી શરૂ કરીશું. ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાં આવેલા રાધિકા કાફેમાં ટૂંક સમયમાં આ વોઇસ ઓર્ડરિંગ મશિન લગાડવામાં આવશે. અત્યારે અમારો ફોકસ ફાસ્ટફૂડ પાર્લર અને કાફેટેરિયાને છે. કેમ કે આ પ્રોડક્ટ તેમના માટે વધારે અનુકૂળ છે.
રેસ્ટોરન્ટ્સ માટે વેઇટર કોલિંગ ડિવાઇસ પણ બનાવ્યું
પેટપૂજાના સહ-સ્થાપક અપૂર્વ પટેલે જણાવ્યું કે, રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો અવારનવાર વેઇટરને બોલાવે છે. પાણી પીવાનું હોય કે ઓર્ડર કરવાનો હોય તેમજ બિલ બનાવવા માટે પણ ગ્રાહકો વેઇટરને બોલાવતા હોય છે. સૌની બોલાવવાની પોતાની રીત હોય છે અને ક્યારેક એવું પણ બને કે વધારે ભીડ હોય તો કોઈ એટેન્ડ કરી પણ ના શકે. આ માટે અમે વેઇટર કોલિંગ ડિવાઇસ બનાવ્યું છે જે એકદમ કોમ્પેક્ટ છે અને ટેબલ પર રાખી શકાય છે. ગ્રાહક બટન દબાવે અને તેના સિગ્નલ મેનેજર, બિલ કાઉન્ટર અને વેઇટર પાસે જાય છે. જે ફ્રી હોય તે ગ્રાહકને એન્ટેન્ડ કરે છે.

વેઇટરને બોલાવવા માટે બનવાયેલું ડિવાઇસ.
પેટપૂજાનું 25000થી વધુ રેસ્ટોરન્ટ્સ સાથે જોડાણ
પાર્થિવ પટેલે જણાવ્યું કે, અમે લગભગ એક દાયકાથી હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલા છીએ. તેમને પડતી મુશ્કેલીઓ અને તેમની જરૂરિયાતોને અમે સમજી શકીએ છીએ અને એટલે જ આવા ડિવાઇસ બનાવ્યા છે. હાલમાં અમદાવાદ, મુંબઈ, પૂના, દિલ્હી, બેંગલોર, સહિતના શહેરોમાં QSRs, કલાઉડ કીચન્સ, ફૂડકોર્ટસ, કાફે, બાર્સ, બેકરીઝ વગેરે 25,000થી વધુ ખાણીપીણીનાં એકમો અમારી સાથે જોડાયેલા છે. પેટપૂજા રેસ્ટોરન્ટસની રિપોર્ટીંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ સહિતની બિલીંગ, કીચન ઓર્ડર, ટોકન, ઈનવેન્ટરી, સ્ટોક અને કાચા માલ, રિસિપ્ટસ, મેનુ, તમામ મહત્વની કામગીરીઓ સંભાળે છે.
રેસ્ટોરન્ટમાં સર્વિસ માટે રોબોટ પણ બનાવ્યો છે
પેટપુજાએ 2020માં અમદાવાદની એક રેસ્ટોરન્ટ માટે એક રોબોટ પણ બનાવ્યો છે. આ રોબોટ ગ્રાહકોએ કરેલા ઓર્ડરને તેના ટેબલ સુધી પહોંચાડે છે. પાર્થિવ પટેલે જણાવ્યું કે, અમને આવા બીજા પણ ઓર્ડર મળી રહ્યા છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. વેઇટર કોલિંગ ડિવાઇસની અત્યારે ઘણી ડિમાન્ડ આવી છે અને અત્યાર સુધીમાં 600થી વધારે ડિવાઇસ માટે ઓર્ડર પણ મળ્યા છે. જોકે અમે ટેકનોલોજી કંપની છીએ એટલે હાર્ડવેરની બાબતમાં થોડા ધીમા ચાલીએ છીએ.
ઉડાને રૂ. 40 કરોડનું રોકન કર્યું છે
રિટેલર્સ સાથે સંકડાયેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉડાને 2020માં અમદાવાદના સ્ટાર્ટઅપ પેટપુજામાં રૂ. 40 કરોડ જેવુ રોકન કરેલું છે. કંપની અત્યાર સુધી સોફ્ટવેર સર્વિસિસ ઉપર કામ કરતી હતી પણ હવે સાથે સાથે ડિવાઇસ ઉપર પણ કામ કરે છે. આ માટે આવતા દિવસોમાં કંપની બજારમાંથી વધુ ભંડોળ એકઠું કરશે.
Be the first to comment on "ટેકનોલોજી: અમદાવાદના ટેક સ્ટાર્ટઅપ પેટપૂજાએ ઓડિયો મેનૂ બનાવવા દેશભરમાંથી 17 લાખથી વધુ વોઇસ સેમ્પલ ભેગા કર્યા"