ગેસ્ટ એડિટર -દીપિકા ચિખલિયા ટોપીવાલાની કલમે: સ્ત્રી પર અત્યાચાર માટે પુરુષો જ જવાબદાર નહીં


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડોમેસ્ટિક વાયોલન્સ સામેના યુદ્ધમાં બે જ બાબતો અગત્યની છે. એક, આર્થિક સ્વતંત્રતા અને બીજી, માનસિક સ્વતંત્રતા.

  • માતા પોતે ઉછરી હોય એવાં જ નિયંત્રણોમાં પુત્રીને ઉછેરવાનો પ્રયાસ કરે તો આપણે કયા વિકાસની ચર્ચા કરીએ છીએ?

લૉ કડાઉનમાં આપણે સૌ પોતપોતાના ઘરોમાં પૂરાઈ રહ્યાં એ ગાળામાં જેણે મને ‘રામાયણની સીતા’ તરીકે ઓળખ અપાવેલી એ ‘રામાયણ’ સિરિયલ પુન: પ્રસારિત થઈ. એ સિરિયલ ફરી વાર જોતી વખતે મને સમજાયું કે સીતાનું પાત્ર સ્ત્રી સ્વતંત્રતા અને શક્તિનું સૌથી મોટું અને પૌરાણિક ઉદાહરણ છે.

રાક્ષસોની વચ્ચે ઘેરાયેલી એક સ્ત્રી, ડરવા કે હારી જવાના બદલે એના બદઈરાદાનો સામનો કરી શકે એવી શક્તિ એની ભીતરથી જ જન્મ લે છે. આજની સ્ત્રીએ પણ હજારો વર્ષ પહેલાંના એ પાત્ર પાસેથી આ વાત શીખવા જેવી છે. આપણી આસપાસ અનેક રાક્ષસો છે, આજે પણ એ સ્ત્રીને ડરાવવા, હરાવવા, પીડા આપવા કે એનું શોષણ કરવા માટે તત્પર છે. આ રાક્ષસો બહારની દુનિયામાં તો છે જ, પરંતુ ઘરની અંદર પણ છે.

આપણને ‘રાક્ષસ’ શબ્દ સાથે ફક્ત પુરુષનો વિચાર આવે એ સ્વાભાવિક છે, પરંતુ દરેક વખતે એક સ્ત્રી ઉપરના અત્યાચાર માટે ફક્ત પુરુષને જ જવાબદાર ઠેરવી શકાય એવું નથી હોતું. એક સ્ત્રી સાથે બીજી સ્ત્રી પણ અન્યાય અને અત્યાચાર કરતી જ હોય છે. ખાસ કરીને, જ્યારે એક સ્ત્રીનું એના ઘરમાં જ શોષણ કરવામાં આવે, એના પર શારીરિક કે માનસિક અત્યાચાર કરવામાં આવે ત્યારે એની પરિસ્થિતિ વધુ મુશ્કેલ અને ગંભીર બને છે. ભારતીય સમાજમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી કે નણંદ-ભોજાઈના સંબંધોને પ્રમાણમાં જુદી નજરે જોવામાં આવે છે.

નવી પરણીને આવેલી પુત્રવધૂ ઉપર ધાક જમાવી દેવા મથતી સાસુ કે હજી હમણાં જ પરણીને આવેલી પુત્રવધૂ પોતાનું રાજ્ય સ્થાપવા ઉતાવળી થતી જોવા મળે છે. નવાઈની વાત એ છે કે આ બધાના પોતપોતાના આગવા સ્થાન અને મહત્ત્વ છે. ઘરના પુરુષ સાથે એ સૌના પોતપોતાના અંગત અને જુદા સંબંધો છે. આમાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો અધિકાર પચાવી પાડે કે કોઈના સુખ અથવા સ્નેહ પર તરાપ મારે એવું શક્ય જ નથી, તેમ છતાં એક સ્ત્રીને પરિવારની બીજી સ્ત્રી તરફથી અસલામતીની લાગણી શા માટે થવી જોઈએ. એવી જ રીતે ગઈ પેઢીની માતા પોતે જે નિયંત્રણો અને સામાજિક પરિસ્થિતિમાં ઉછરી હોય એ જ પરિસ્થિતિમાં એની દીકરીને ઉછેરવાનો પ્રયાસ કરે ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે આપણે કયા વિકાસની ચર્ચા કરી રહ્યા છીએ?

કેટલીક માતાઓ દીકરીને વધુ ભણાવવાનો વિરોધ કરે છે, કારણ કે એને સારો છોકરો નહીં મળે! અથવા તો ક્યારેક અમુક ઉંમર વીતી ગયા પછી દીકરી ઉપર દબાણ કરીને એને નહીં ગમતા છોકરા સાથે પણ લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે છે.

એ સંજોગોમાં માતાએ પોતાની દીકરીનો બચાવ કરવો જોઈએ, એને સહકાર આપવો જોઈએ અને એને યોગ્ય જીવનસાથી ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવા દેવાની છૂટ આપવી જોઈએ. મોટાભાગના ઘરોમાં પોતાની જ દીકરી માટે ‘સાપનો ભારો’ કે ‘પારકી થાપણ’ જેવા શબ્દો વાપરવામાં આવે છે. જો દીકરી પોતાને જ ઘરે સ્વીકાર્ય અને આવકાર્ય ન હોય તો એના આત્મગૌરવ અને આત્મવિશ્વાસને કઈ રીતે નિખારી શકે?

વળી, નિખાર સાથે પણ આપણે સતત સૌંદર્યને જોડતા આવ્યા છીએ. એક સ્ત્રી માટે એનું સૌંદર્ય જ એના અસ્તિત્વનો પર્યાય છે, એવું એને બાળપણથી શીખવવામાં આવે છે. એની બુદ્ધિ, આવડત કે એની પ્રતિભા વિશે દીકરીને ભાગ્યે જ જાગૃત કરવામાં આવે છે. એ પછી જ્યારે એના ઉપર શારીરિક કે માનસિક અત્યાચાર થાય છે ત્યારે એ સામનો કરી શકતી નથી, કારણ કે એના ઉછેરમાં જ એને સજ્જ કરવામાં આવતી નથી.

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે દીકરીને તૈયાર કરવાની જવાબદારી એક પિતા કરતાં વધારે એક માતાની છે. એક પતિ કરતાં વધારે એક સાસુની જવાબદારી છે કે એ પોતાના કુળમાં પરણીને આવેલી છોકરીને પોતાના પરિવારમાં ભળવા માટે પ્રોત્સાહિત કરે અને એ માટે યોગ્ય બનાવે પરંતુ દુર્ભાગ્યે આવું થતું નથી. આપણે ત્યાં એક સ્ત્રી બીજી સ્ત્રીને ખીલવવાને બદલે એને પોતાની વિરોધી કે હરીફ માનીને એની ઈર્ષા કરવામાં પોતાનું અને બીજી સ્ત્રીનું અસ્તિત્વ રુંધી નાખે છે.

રુંધાઈ ગયેલી કે કચડાઈ ગયેલી સ્ત્રી પોતાના ઉપર થતા અત્યાચારનો વિરોધ કરી શકતી નથી, કારણ કે એની પાસે કોઈનો સહકાર નથી હોતો. આજના સમયમાં ડોમેસ્ટિક વાયોલન્સ અથવા ઘરેલુ હિંસા સામે સૌથી મોટો સવાલ એ છે કે, સ્ત્રી ક્યાં જાય? એના માતા-પિતા એને પાછી સ્વીકારવા તૈયાર નથી હોતાં. મોટાભાગના સમાજમાં સ્ત્રીનો અવાજ કે ફરિયાદ સાંભળવામાં આવતા જ નથી અને ત્રીજું, મહત્ત્વનું કારણ એ છે કે સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર નથી હોતી.

ડોમેસ્ટિક વાયોલન્સ સામેના યુદ્ધમાં બે જ બાબતો અગત્યની છે. એક, આર્થિક સ્વતંત્રતા અને બીજી, માનસિક સ્વતંત્રતા. જે સ્ત્રી પોતાના ઘરમાં રાંધી શકે એ બીજાના ઘરે રસોઈ કરીને પણ કમાણી કરી જ શકે, પરંતુ આપણે ત્યાં, “આવું થાય” અને “આવું ન થાય” એવા અર્થહીન સામાજિક ટેબુ છે. માતા-પિતા પણ પોતાની દીકરીને લગ્ન પહેલાં આર્થિક રીતે પગભર કરતાં નથી, એટલું જ નહીં એના લગ્નમાં લાખો રૂપિયા ઉડાવી શકે, પરંતુ દીકરીને એના આત્મગૌરવ સચવાય એટલા પૈસાની ફિક્સ ડિપોઝિટ આપવાનો વિચાર કોઈને આવતો નથી.

સ્ત્રીને પોતાની અંગત જરૂરિયાતો માટે પણ જ્યારે પતિ કે ઘરની અન્ય વ્યક્તિ સામે હાથ ફેલાવવો પડે ત્યારે એને ભીતરથી એક અધૂરપ કોરી ખાય છે. પોતે ઘરના દરેક સભ્યનું ધ્યાન રાખીને એમના જીવનને બહેતર બનાવવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયત્ન કરતી હોવા છતાં એના ગમા-અણગમા જ્યારે પૂછવામાં નથી આવતા ત્યારે એક સ્ત્રી અવગણનાનો અનુભવ કરે છે. આવા સમયે કેટલીક વાર સ્ત્રી કર્કશ કે ઝઘડાળુ પણ થઈ જાય છે. બહુ ઓછી સ્ત્રીઓના મેનોપોઝના ફેરફારની સમજણ એના પરિવાર કે પતિ સુધી પહોંચે છે.

આ બધાં સમય દરમિયાન જ્યારે સ્ત્રી પોતાના માનસિક અને શારીરિક સંઘર્ષોમાંથી પસાર થતી હોય ત્યારે જો એના પર માનસિક અત્યાચાર કે શારીરિક પીડા આપવામાં આવે તો એનું જીવન કેટલું દુષ્કર થઈ જાય એનો વિચાર બીજી સ્ત્રીઓને કેમ નહીં આવતો હોય! મારે એક વાત દ્રઢતાથી તમામ બહેનોને કહેવી છે કે આપણે બધાં ઈશ્વરનું અનુપમ સર્જન છીએ. ઈશ્વરે પોતાનું કામ આપણને સોંપ્યું છે.

માનવજાતને જીવતી રાખવાની જવાબદારી એક સ્ત્રીને સોંપીને ઈશ્વરે એનું ગૌરવ વધાર્યું છે ત્યારે આપણે આપણું ગૌરવ કરવું જોઈએ. આપણા ઉપર અત્યાચાર કરનાર દરેક વ્યક્તિનો વિરોધ કરવો એ આપણો અધિકાર પણ છે અને ફરજ પણ છે.

બીજી સ્ત્રી ઉપર થતા અત્યાચારને અટકાવવા માટે આપણે સહુએ સાથે મળીને અવાજ ઉઠાવવો પડશે. ચાલો, સાથે મળીને આ જગતને વધુ સુંદર અને વધુ સ્નેહપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરીએ.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. સ્ત્રી પર અત્યાચાર માટે પુરુષો જ જવાબદાર નહીં – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: