‘ક્રાઈમ પેટ્રોલ’ જેવા શોમાં કામ કરનાર એક્ટર રંજન સહગલનું 36 વર્ષની ઉંમરમાં અવસાન


દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 01:48 PM IST

મુંબઈ. સ્ટેજ પ્લેથી ફિલ્મની દુનિયાની સફર નક્કી કરનાર એક્ટર રંજન સહગલનું માત્ર 36 વર્ષની ઉંમરમાં શનિવાર, 11 જુલાઈના રોજ અવસાન થયું હતું. રંજને ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘રિશ્તો સે બડી પ્રથા’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત શાહરુખની ફિલ્મ ‘ઝીરો’ તથા ઐશ્વર્યાની ફિલ્મ ‘સરબજીત’માં જોવા મળ્યો હતો. રંજન સહગલ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતો. રંજન સહગલ છેલ્લે આલિયા ભટ્ટની સાથે શોર્ટ ફિલ્મ ‘ગોઈંગ હોમ’માં જોવા મળ્યો હતો. 

શનિવારે અચાનક તબિયત ખરાબ થઈ
પરિવારના સભ્યોના મતે, રંજનને 11 જુલાઈના રોજ સવારે અચાનક ઊલટીઓ થવા લાગી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. રંજનને તાત્કાલિક હોસિપટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાને કારણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. રંજનનો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. રંજન સહગલને સાઈટિકા (નસોમાં થતો દુખાવો, જે કમરથી નીચેના ભાગમાં શરૂ થઈને પગ સુધી જાય છે) નામની બીમારી હતી. મુંબઈમાં એકલા હોવાને કારણે તે ચંદીગઢ આવી ગયો હતો. 

પોકેટમની માટે નોકરી પણ કરતો હતો
રંજને 2003માં BAએ કર્યું હતું. જ્યારે તે સ્કૂલમાં ભણતો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. કોલેજના દિવસોમાં પોકેટમની માટે રંજન નાનું-મોટું કામ પણ કરતો હતો. વર્ષ 2005માં રંજન થિયેટર આર્ટિસ્ટ રાણી બલવર કૌર સાથે જોડાયો હતો. આ સમયે રંજને અનેક નાટકો કર્યાં હતાં. ત્યારબાદ પંજાબ યુનિવર્સિટીના થિયેટર ડિપાર્ટમેન્ટમાંથી MA કર્યું હતું. 2009માં રંજન મુંબઈ આવ્યો હતો. વર્ષ 2014માં ટીવી એક્ટ્રેસ નવ્યા છાબરા સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ આ લગ્ન લાંબો સમય ટક્યા નહોતાં. 

આ સિરિયલ-ફિલ્મમાં રંજને કામ કર્યું હતું
રંજને પંજાબી નાટકો, ફિલ્મ સહિત હિંદી ફિલ્મ તથા સિરિયલમાં કામ કર્યું હતું. હિંદી સિરિયલ ‘તુમ દેના સાથ મેરા’, ‘રિશ્તા ડોટ કોમ’, ‘ગુસ્તાખ દિલ’, ‘જાને ક્યા હોગા રામા રે’, ‘કુલદીપક’, પંજાબી ફિલ્મ ‘માહી NRI’, ‘આતિશબાજી ઈશ્ક’, ‘યારા દા કેચઅપ’, ‘પાઈડ પાઈપર’, બોલિવૂડ ફિલ્મ ‘સરબજીત’, ‘ઝીરો’, વેબસીરિઝ ‘બાર બાર લગાતાર’, તથા શોર્ટ ફિલ્મ ‘ચા કૉફી’, ‘ગોઈંગ હોમ’, ‘લાસ્ટ ડે’ તથા ‘ફેડિંગ સ્ટેપ્સ’માં કામ કર્યું હતું.Be the first to comment on "‘ક્રાઈમ પેટ્રોલ’ જેવા શોમાં કામ કરનાર એક્ટર રંજન સહગલનું 36 વર્ષની ઉંમરમાં અવસાન"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: