- Gujarati News
- Dvb original
- Gautam Adani Is Faster Than Mukesh Ambani In Wealth Creation, If It Continues Like This, In Two three Years Both Will Be At The Same Level
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ2 મિનિટ પહેલાલેખક: વિમુક્ત દવે
- કૉપી લિંક
- નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા બાદ અંબાણીની સંપત્તિ 267% અને અદાણીની 432% વધી
- એક વર્ષમાં રિલાયન્સના શેર્સ 41% જેવા વધ્યા સામે અદાણીના શેર્સ 182થી 728% વધ્યા
ભારતના સૌથી અમીર લોકોની વાત નીકળે એટલે અંબાણી અને અદાણીના નામથી જ શરૂઆત થાય. હુરુન ઈન્ડિય રીચ લિસ્ટ મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ રુ. 6.05 લાખ કરોડ અને બીજા ક્રમે ગૌતમ અદાણીની નેટવર્થ રુ. 2.34 લાખ કરોડ ગણાય છે. તાજેતરમાં જ અદાણી ગ્રુપની કંપનીઓના સારા દેખાવના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ જુલાઇ 2020 અને માર્ચ 2021 દરમિયાન 67% જેટલી વધી છે. તેની સામે આ જ સમયગાળામાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 8% જેવો ઘટાડો થયો છે. દિવ્ય ભાસ્કરે માર્કેટ નિષ્ણાતો સાથે વાત કરી અને જાણવા પ્રયત્ન કર્યો હતો કે જે ઝડપે ગૌતમ અદાણી આગળ વધી રહ્યા છે તે જોતાં તેમને મુકેશ અંબાણી સુધી પહોંચતા કેટલો સમય લાગી શકે છે? અને તેમની સંપત્તિ વધવાના મુખ્ય કારણો શું છે?
મોદી સરકાર બન્યા બાદ અદાણી-અંબાણીનો સારો ગ્રોથ
2014માં ભારતમાં સરકાર બદલાઈ અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજદિન સુધી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓના બિઝનેસમાં સતત ગ્રોથ થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં 2014-2019 દરમિયાન 130.58%નો વધારો થયો હતો જ્યારે આ સમયમાં ગૌતમ અદાણીની નેટવર્થ 114.77% વધી હતી. 2016માં રિલાયન્સ જિયોની શરૂઆત મુકેશ અંબાણી માટે ગ્રોથનું મુખ્ય પરિબળ સાબિત થયું હતું.

એક ઇવેન્ટમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી (ફાઇલ ફોટો).
2019 બાદ અંબાણી કરતાં અદાણીની સ્પિડ વધી
નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ 2019માં શરૂ થઈ ત્યારબાદ ગૌતમ અદાણીનો ગ્રોથ ઘણો ઝડપી બન્યો છે. 2019-2021 વચ્ચેના ગાળામાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 147.72%નો વધારો થયો છે. તેની સામે મુકેશ અંબાણીની સંપત્તિ 59.15% જેટલી જ વધી છે. ભાજપ સત્તા ઉપર આવ્યું ત્યારથી એટલે કે 2014થી ગણીએ તો વિતેલા 8 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ 267% અને ગૌતમ અદાણીની સંપત્તિ 432% વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રૂપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને તેમાં પણ રિન્યુએબલ કંપની અદાણી ગ્રીનનો મહત્વનો ફાળો છે. સરકારની પોલિસીઓ અદાણી ગ્રુપ માટે ઘણી જ ફેવરેબલ રહી છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો).
આગામી બે-ત્રણ વર્ષમાં બંનેની સંપત્તિ સરખી થઈ શકે
મુંબઈના એક એનલિસ્ટે જણાવ્યું કે, નવા વર્ષમાં હજુ ત્રણ મહિના જ થયા છે અને ત્યાં જ ગૌતમ અદાણીની સંપત્તિમાં સિગ્નિફિકન્ટ ગ્રોથ છે અને હજુ તો આખું વર્ષ બાકી છે. હજુ તો તેમાં વધારો થશે. બીજું કે મુકેશ અંબાણી પણ વધી રહ્યા છે પણ તેમનો ગ્રોથ ધીમો છે. જો બંનેની ઝડપ આ જ રહેશે તો આગામી બે-ત્રણ વર્ષમાં બંનેની સંપત્તિ એકસરખી થઈ શકે છે.
એનર્જી કંપનીઓએ અદાણીનો વેલ્થ પાવર વધાર્યો
હુરૂન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અનસ રહેમાન જુનૈદે જણાવ્યું કે, 2018 બાદ અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી ગેસ જેવી કંપનીઓ કે જે એનર્જી સેક્ટર સાથે સંકળાયેલી છે, તેનું પરફોર્મન્સ ઘણું જ સુધર્યું છે. અદાણીના વેલ્થ ક્રિએશનમાં છેલ્લા બે વર્ષથી એનર્જી અને ગેસ બિઝનેસનું કંટ્રીબ્યુશન વધ્યું છે. અત્યારે આ જ તેમના માટે ડ્રાઇવિંગ ફોર્સ છે.

અંબાણીનો ડિજિટલ બિઝનેસનો રિઅલ ગ્રોથ હજુ બાકી
અનસ જણાવે છે કે, અત્યાર સુધી રિલાયન્સ માટે 60% બિઝનેસ ઓઇલ એન્ડ ગેસમાંથી આવે છે. 20% કેમિલક અને પેટ્રોકેમિકલ છે જ્યારે 20% ડિજિટલ બિઝનેસ છે. હજુ સુધી કંપનીનો ડિજિટલ બિઝનેસ સંપૂર્ણ રીતે અનલોક નથી થયો. એકવાર તે અનલોક થશે ત્યારે રિલાયન્સને તેનો ઘણો ફાયદો થશે.

સ્ટોક માર્કેટની રેસમાં અદાણી ગ્રુપ આગળ નીકળી ગયું
સ્ટોક માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, ગૌતમ અદાણીના ગ્રૂપની કંપનીઓમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. રિલાયન્સનો શેર પણ વધ્યો છે પણ તેની સામે અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓનો દેખાવ ઘણો જ સારો છે. માર્ચ 2020થી લઈને માર્ચ 2021 વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક લગભગ 41% જેવો વધ્યો છે (માસિક એવરેજ પ્રમાણે). તેની સામે અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં 182થી 728% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

રિલાયન્સ જિયો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે
એક માર્કેટ એનલિસ્ટના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ માટે તેનું જિયો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 2020માં 11 વિદેશી રોકાણકારોએ રિલાયન્સના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સમાં આશરે 1.20 લાખ કરોડનું રોકન કર્યું છે. આમાં સૌથી મોટું રૂ. 43,574 કરોડનું રોકાણ ફેસબૂકે કર્યું છે. કંપની આગામી દિવસોમાં 5G સર્વિસ પણ લોન્ચ કરી શકે છે. આ ઉપરાંત તેને ભારતીય તેમજ અમેરિકન સ્ટોક માર્કેટ્સમાં લિસ્ટ કરાવવાની પણ વિચારણા છે. આ બધી બાબતો મુકેશ અંબાણીની તરફેણમાં છે અને આવતા દિવસોમાં આ રેસમાં જિયો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

માર્કેટ કેપમાં અંબાણી કરતાં અદાણી પાછળ પણ ગ્રોથમાં ઘણા આગળ
બંને ગ્રુપની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન જોઈએ તો રિલાયન્સ કરતાં અદાણી ગ્રુપ ઘણું પાછળ છે. રિલાયન્સનું માર્કેટ કેપ અત્યારે રૂ. 14.08 લાખ કરોડ છે. તેની સામે અદાણીની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 6.25 લાખ કરોડ છે. જોકે, 2017થી અત્યાર સુધીનો ગ્રોથ જોઈએ તો છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સનું માર્કેટ કેપ 228.22% વધ્યું છે જ્યારે અદાણીનું માર્કેટ કેપ 496.31% વધ્યું છે.

આગળ પણ સુધારો ચાલુ રહી શકે છે
જિજ્ઞેશ માધવાણીએ અગાઉ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, માર્કેટ પ્રોજેક્શન પર ચાલે છે અને અદાણી ગ્રુપના પ્રોજેક્શન આવનારાં ત્રણ-ચાર વર્ષ માટે ઘણા જ મજબૂત દેખાઈ રહ્યા છે. FII, MF અને ઈન્શ્યોરન્સ સેક્ટર આ વાત સમજે છે અને તેથી તેમના તરફથી બહોળા પ્રમાણમાં રોકાણ આવ્યું છે અને હજુ પણ આવશે. આને કારણે આવનારા સમયમાં પણ અદાણી ગ્રુપની કંપનીઓમાં સુધારો જોવા મળી શકે છે.
અદાણીએ ભવિષ્યમાં વધનારા સેક્ટર્સમાં રોકાણ કર્યું છે
માર્કેટ એનાલિસ્ટ નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે, અદાણીએ વીતેલાં વર્ષો દરમિયાન એવા સેક્ટરમાં રોકાણ કર્યું છે જેનો તેને અત્યારે ફાયદો થઈ રહ્યો છે. પોર્ટ, પાવર, રિન્યુએબલ એનર્જી અને ગેસ એવાં સેક્ટર્સ છે જે કન્ઝ્યુમરને સીધી કે આડકતરી રીતે સ્પર્શે છે. આમાં અદાણી અત્યારે માર્કેટ લીડર કહી શકાય અને એને કારણે તેમ રોકાણ પણ વધ્યું છે.
આઠ વર્ષમાં સેન્સેક્સ બમણો થયો
વિતેલા આઠ વર્ષમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની પ્રગતિ તો થઈ છે પણ સાથે સાથે ભારતીય શેર બજારોમાં પણ બમણી થઈ ગઈ છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે બભરતીય શેરબજારોને ચલાવવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મહત્વનો ફાળો છે. પણ હવે માર્કેટ નિષ્ણાતો માને છે કે આવતા સમયમાં માર્કેટ મુવમેન્ટ માટેનું મહત્વનું ફેક્ટર અદાણી બનશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના હિસ્ટોરિકલ આંકડા મુજબ 2014માં સેન્સેક્સ 27,499.42ના સ્તરે બંધ થયો હતો (વાર્ષિક એવરેજ). તેની સામે 2021માં સેન્સેક્સ વધીને 52,516.76 થયા બાદ અત્યારે 49,008.50 પર છે.
વર્ષ | ખૂલ્યો | બંધ |
2014 | 21,222.19 | 27,499.42 |
2015 | 27,485.77 | 26,117.54 |
2016 | 26,101.50 | 26,626.46 |
2017 | 26,711.15 | 34,056.83 |
2018 | 34,059.99 | 36,068.33 |
2019 | 36,161.80 | 41,253.74 |
2020 | 41,349.36 | 47,751.33 |
2021 | 47,785.28 | 49,008.50 |
સંદર્ભ: BSE
Leave a comment