- ટોસિલીઝૂમેબનો ઉપયોગ વધારવા અને તાલીમી તબીબોની વધુને વધુ સેવા લેવાની સૂચના
- એન્ટીજન કીટનો ઉપયોગ કરી કોરોના ટેસ્ટ કરવામાં આવશે, આ કીટમાં પોઝિટિવ કેસ હોય તો તરત બતાવવામાં આવે છે
- કોરાનાને લઇને જયંતી રવિએ સિવિલ હોસ્પિટલ પાસેથી વિગતો માગી
દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 03:38 PM IST
રાજકોટ. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ની સારવારમાં સંલગ્ન ડોક્ટર્સ, નર્સ અને તબીબી વિદ્યાશાખાના તાલીમી છાત્રો સાથે બહુઆયામી વાતચીત કરી હતી અને શહેરમાં તથા જિલ્લામાં પ્રવર્તતી કોરોના સંબંધી સ્થિતિનો ઉંડાણપૂર્વકનો તાગ મેળવ્યો હતો. રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, ડીન ડો. ગૌરવી ધ્રુવ, ડો. મનીષ મહેતા વગેરેની ટીમ પાસેથી જયંતી રવિએ રાજકોટની કોરોના સંબંધી સ્થિતિની રજેરજની માહિતી મેળવી હતી. જયંતી રવિએ આગામી બે દિવસમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ વધારવા તબીબી સ્ટાફને સૂચના આપી હતી. સચિવએ મેડિકલ કોલેજના તાલીમી છાત્રોને કોરોના સંબંધી સારવારમાં વધુને વધુ સામેલ કરવા અને તેમને ફ્રન્ટલાઇન વોરિયરની ભૂમિકા અદા કરવા પર ખાસ ભાર મુક્યો હતો. એન્ટીજન કીટનો ઉપયોગ કરી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ કીટમાં પોઝિટિવ કેસ હોય તો તરત બતાવવામાં આવે છે. આ કીટ માટે તાલીમ આપવામાં આવશે અને બાદમાં તમામ જગ્યા પર શરૂ કરી દેવામાં આવશે.
કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અંગે તેમણે સંતોષ વ્યકત કર્યો
સારવાર લઇ રહેલા કોવિડ-19ના દર્દીઓને માનસિક સારવાર આપવા, તે માટે જરૂરી વાતાવરણ પૂરૂં પાડવા, ક્રિટિકલ કેર વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવા, સુગર અને બી.પી.ના પેશન્ટસની સારવારને પ્રાધાન્ય આપી મુત્યુ દર ઘટાડવા અને કાર્ડિયાક અને ઇન્ટેન્સિવ કેરના કેસો પર પૂરતું ધ્યાન આપવા વિશે જયંતી રવિએ ઉપસ્થિત ડોકટર્સ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાના જથ્થા, સારવારના તમામ સાધનો અને ઉપયોગી સામગ્રી પૂરતા પ્રમાણમાં હાથવગી હોવા વિશે પણ તેમણે તબક્કાવાર સૂચના આપીને સમગ્ર તબીબી વ્યવસ્થા સુચારૂપણે જળવાય રહે તે બાબતને ટોચ અગ્રતા આપવાની હિમાયત કરી હતી. કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અંગે તેમણે સંતોષ વ્યકત કર્યો હતો. કોરોના અંગે જનજાગૃતી કેળવવાના પગલાં સત્વરે લેવા વિશે પણ તેમણે ખાસ સૂચના આપી હતી.આ બેઠકમાં જામનગરજી જી.જી.હોસ્પિટલના સુપ્રિન્ટેડેન્ટ ડો. નંદિની બહારી, ડો. આરતી ત્રિવેદી, ડો. દુધરેજીયા, ડો. મનીષા પંચાલ, ડો. મેઘાવી, ડો. જીગીશા બધેકા, ડો. પંકજ બુચ, ડો. હીરેન મકવાણા, ડો.મુકેશ સામાણી, ડો. તુષાર, ડો. વંદના, નર્સિંગ સુપ્રીન્ટેડેન્ટશ્રી હીતેન્દ્ર ઝાંખરિયા, ડો. રાહુલ ગંભીર, ડો. કમલ ગોસ્વામી, નર્સિંગ સ્ટાફ, તબીબી વિભાગના તાલીમી છાત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગઇકાલે જામનગરની મુલાકાત બાદ રાજકોટ આવ્યા હતા
જયંતી રવિ ગઈકાલે જામનગરની મુલાકાત બાદ રાજકોટ આવ્યા હતા. આજે તેઓ સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલની મુકાલાતે આવી પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. તેઓ શહેર અને જિલ્લામાં કોરોના મહામારી સામે ક્યાં પ્રકારની વ્યાવસ્થા ગોઠવવામાં આવી છે તે અંગે જાણકારી આપશે. જયંતિ રવિએ ગઈકાલે શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આજે ફરી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમજ સિવિલ હોસ્પિટલ પાસેથી કોરોનાને લઇને વિગતો માગી હતી.
પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ પૂછ્યા હતા
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ આજરોજ રાજકોટની મુલાકાતે છે ત્યારે રાજકોટની કોવિડ-19 સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુલાકાત કરી હતી તો સાથોસાથ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા. તેમજ ક્યાં પ્રકારની સારવાર તેમને આપવામાં આવી રહી છે તે અંગે પણ તેમણે વાતચીત કરી હતી. સાથોસાથ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાઇરસની ક્યાં પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા કેસ નોંધાયા છે, કેટલા મૃત્યુ થયા છે. જે પણ દર્દીઓના મૃત્યુ થયા છે તેમની પાછળ માત્ર કોરોના વાઇરસ જવાબદાર છે કે પછી દર્દીને અન્ય કોઈ બીમારી હતી તે સહિતની માહિતીઓ મેળવી હતી. તેમજ આગામી સમયમાં રાજકોટ શહેર અને જિલ્લા ખાતે કોવિડના દર્દીઓને આપવામાં આવનારી સારવારમાં કંઈ રીતે વધારો કરી શકાય તેમ છે તે અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
વધુ બેડની સુવિધા કરવાની ખાતરી આપી
ગઈકાલે અગ્ર સચિવે રાજકોટમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી. તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ 770 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને 950 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી. જયંતિ રવિએ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રથમ કેસ આવ્યા ત્યારથી આજદિન સુધી કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત લોકોને વધુને વધુ જાગૃત રહેવા અને સાવચેતીના માર્ગદર્શક પગલાને અનુસરવા અપીલ કરી હતી.
હોમ સર્વેલન્સમાં ઓક્સિમીટર સાથે રાખવાની સૂચના આપી
જયંતિ રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ ક્વોરેન્ટીન કોન્સેપ્ટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને ઘરમાં જ ક્વોરેન્ટીન કરવા ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત હોમ આઇસોલેશનથી માઇક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠાં જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓક્સિમીટર ડિસવાઈસ દ્વારા ઓક્સિજન લેવલ ચેક કરી સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોવાથી દરેક સર્વેલન્સ ટીમ ઓકસિમીટર સાથે રાખી કાર્ય કરે તેવી સૂચના આપી હતી.
Be the first to comment on "આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલની મુલાકાતે, પ્લાઝમા થેરાપીનો વધુ ઉપયોગ કરવા તબીબોને તાકીદ"