અમિતાભ-અભિષેકે ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે, અમિતાભના સ્ટાફનો એન્ટીબૉડી ટેસ્ટ કરવામાં આવશે


  • કેટલાંક રિપોર્ટ્સમાં દાવો, અમિતાભ-અભિષેકનો પાંચ-છ દિવસ પછી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે
  • અમિતાભનો 11 જુલાઈના રોજ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ
  • બચ્ચનની હાલત સ્થિર, ડોક્ટરે કહ્યું- તેમને ખાસ સારવારની જરૂર નથી

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 11:28 AM IST

અમિતાભ બચ્ચન છેલ્લાં ત્રણ દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે અને તેમની તબિયત સારી છે. ચાહકો સતત બિગ બીની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને બિગ બી ચાહકોનો આભાર માની રહ્યાં છે. 13 જુલાઈની રાત્રે અમિતાભે બ્લોગમાં કવિતા લખીને ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ચાહકોની ભાવના તથા પ્રાર્થના આગળ તેઓ નતમસ્તક છે. ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, અમિતાભ તથા અભિષેકની તબિયત સ્થિર છે. બંનેને હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેનો કોરોના ટેસ્ટ હવે પાંચ-છ દિવસ પછી કરવામાં આવશે. 

શા માટે સાત દિવસ હોસ્પિટલમાં રહેશે?
12 જુલાઈના રોજ નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કૅર સર્વિસના હેડના ડૉ. અબ્દુલ સમદ અંસારીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘જ્યારે અમિતાભમાં કોવિડ 19ના લક્ષણો જોવા મળ્યાં તે કદાચ પાંચમો દિવસ હતો. દર્દીઓ પર કોરોનાની અસર 10 કે 12 દિવસે વધુ થાય છે. ’ આ જ કારણ છે કે અમિતાભ તથા અભિષેકને ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રાખવાની વાત થઈ રહી છે. જોકે, અંસારીએ પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે 10 કે 12 દિવસે કોરોનાના લક્ષણો વધુ જોવા મળે આવી પરિસ્થિતિ દરેક દર્દીઓ સાથે થતી નથી. ઘણાં દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળે છે. 

અમિતાભના સ્ટાફનો એન્ટીબૉડી ટેસ્ટ કરવામાં આવશે
13 જુલાઈના રોજ અમિતાભ બચ્ચનના 26 સ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, હવે દાવો કરવામાં આવ્યો છે કે તમામનો બીજીવાર ટેસ્ટ કરવામાં આવશે. BMC તમામ સ્ટાફ મેમ્બર્સનો એન્ટીબૉડી ટેસ્ટ કરશે. આ ટેસ્ટથી ખ્યાલ આવશે કે સ્ટાફ મેમ્બર્સ કોરોનાના વાહક બન્યા કે પછી તેમાંથી કોઈ પહેલેથી જ કોરોના પોઝિટિવ હતું. BMCની ટીમ તપાસ કરી રહી છે કે છેલ્લાં થોડાં દિવસમાં બચ્ચન પરિવાર ઘરની બહાર કોને કોને મળ્યો હતો અને ક્યાં ગયો હતો.

અમિતાભે આઈસોલેશન વોર્ડમાંથી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કવિતા શૅર કરી હતી.

અમિતાભની કવિતા
પ્રાર્થનાઓ, સદભાવનાઓ કી મૂસલાધાર બારિશ ને
સ્નેહ રૂપી બંધન કા બાંધ તોડ દિયા હૈં,
બહ ગયા, તર કર દિયા મુઝે ઈસ અપાર પ્યાર ને,
મેરે એકાકીપન કે અંધેરે કો જો તુમને,
પ્રજ્વલિત કર દિયા હૈં
વ્યક્તિગત આભાર મૈં વ્યક્ત ન કર પાઉંગા,
બસ શીશ ઝુકાકે નતમસ્તક હૂં મૈં

કોલકાતામાં નોન-સ્ટોપ મહામૃત્યુંજય યજ્ઞ
કોલકાતામાં અમિતાભ બચ્ચનના ચાહકો તેમની તથા તેમના પરિવારની સલામતી માટે નોન-સ્ટોપ મહામૃત્યુંજય યજ્ઞ કરી રહ્યાં છે. ચાહકોએ કહ્યું હતું કે આ યજ્ઞ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બચ્ચન પરિવાર કોરોનાવાઈરસથી પૂરી રીતે ઠીક ના થઈ જાય. અમિતાભ બચ્ચનના ફેન્સ એસોસિયેશનના સભ્ય સંજય પટોડિયાએ આ માહિતી આપી હતી. આ યજ્ઞનું આયોજન કોલકાતાના બોન્ડેલ ગેટ વિસ્તારમાં આવેલા બચ્ચનના મંદિરમાં કરવામાં આવ્યું હતું. જોકે, સતત વરસાદ પડતો હોવાને કારણે આ યજ્ઞ મંદિરની બાજુમાં આવેલા સંજય પટોડિયાના ફ્લેટમાં રવિવાર, 12 જુલાઈથી ચાલી રહ્યો છે. 

શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમિતાભ તથા અભિષેકનો રિપોર્ટ 11 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યા ઘરે જ રહીને સારવાર કરાવી રહ્યાં છે. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભના ચારેય બંગલા (પ્રતિક્ષા, જનક, જલસા તથા વત્સ)ને સીલ કરી દેવામાં આવ્યા છે. 

Be the first to comment on "અમિતાભ-અભિષેકે ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે, અમિતાભના સ્ટાફનો એન્ટીબૉડી ટેસ્ટ કરવામાં આવશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: