- અમિતાભે રવિવાર (12 જુલાઈ)ની રાત્રે બ્લોગમાં બે ચાહકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- બિગ બી તથા અભિષેક બંને આઈસોલેશન વોર્ડના અલગ-અલગ રૂમમાં છે
દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 12:08 PM IST
મુંબઈ. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સ્થિર છે અને આઈસોલેશન વોર્ડમાં દાખલ હોવા છતાંય તેમનું ડેલી રૂટીન એમનું એમ જ છે. રિપોર્ટ્સ પ્રમાણે, અમિતાભ બચ્ચનની તબિયત હાલમાં સ્થિર છે. ન્યૂઝ એજન્સી PTIમાં આ માહિતી હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોએ આપી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું, ‘બંને આઈસોલેશન વોર્ડમાં છે અને ક્લિનિકલી સ્ટેબલ છે. હાલમાં તેમને એગ્રેસિવ સારવારની જરૂર નથી. તેમના માટે ફર્સ્ટ લાઈન મેડિકેશન જ યોગ્ય છે. તેમને સપોર્ટિવ થેરપી આપવામાં આવી રહી છે. તેમને ભૂખ પણ લાગી હતી.’
ફેફસામાંથી કફ ઓછો થયો
અન્ય એક રિપોર્ટ પ્રમાણે, હોસ્પિટલમાં એડમિટ થયા બાદ અમિતાભના ફેફસામાં જમા થયેલો કફ ઓછો થયો છે. ઓક્સિજન લેવલ સામાન્ય છે.
કોરોનાના દર્દીઓને અપાતું ભોજન આપવામાં આવ્યું
હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને જે ભોજન આપવામાં આવે છે, તે જ ભોજન અમિતાભ તથા અભિષેકને આપવામાં આવ્યું હતું. નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસના ડિરેક્ટર ડૉ. અબ્દુલ સમદ અંસારીની દેખરેખ હેઠળ તમામ ટેસ્ટ, સારવાર તથા ચેકઅપ કરવામાં આવી રહ્યાં છે.
રોજની જેમ તેમણે પોતાના એક્સટેન્ડેડ ફેમિલી એટલે કે ચાહકો, કલીગ્સ, પત્રકારો તથા મિત્રોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને બ્લોગ અપડેટ કર્યો હતો. બિગ બીના સંપર્કમાં 54 લોકો આવ્યા હતાં અને તેમાંથી 26નો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ 26નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભનો રવિવાર (12 જુલાઈ)ના રોજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ આજે (13 જુલાઈ)એ આવશે.
રવિવાર રાત્રે તેમણે બ્લોગમાં લખ્યું હતું, બર્થડે, મનોજ કુમાર ઓઝા, તરન ઘંટાસલા, સોમવાર, 13 જુલાઈ. બંનેને જન્મદિવસની શુભેચ્છા. હંમેશાં તમે ખુશ રહો.
આ સાથે જ બિગ બીએ ચાહકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું, ‘મારા પ્રિય ચાહકો, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા તથા મારા માટે તમને ચિંતા, પ્રાર્થના તથા ઝડપથી સાજા થવા માટે જે શુભેચ્છા વ્યક્ત કરી તે માટે તમારો આભાર.’ અમિતાભે આ વાત તેમના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી હતી.
અમિતાભ-અભિષેક અલગ-અલગ રૂમમાં દાખલ
નાણાવટી હોસ્પિટલે કહ્યું હતું કે અમિતાભ તથા અભિષેક બંનેની સ્થિતિ સ્થિર છે. બંને આઈસોલેશન વોર્ડમાં અલગ-અલગ રૂમમાં છે. બંનેમાં હળવા લક્ષણો છે. અમિતાભની જૂની બીમારીઓને ધ્યાનમાં લઈને ડોક્ટર્સ કોરોનાની સારવાર કરી રહ્યાં છે.
Be the first to comment on "અમિતાભ-અભિષેકની હાલત સ્થિર, હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું- તેમને ખાસ સારવારની જરૂર નથી"