- આશંકા છે કે બચ્ચન પરીવારમાં અભિષેકના કારણે કોરોના ફેલાયો છે, કારણ કે તે એકમાત્ર સભ્ય છે જે ડબિંગ માટે બહાર જતો હતો
- ઘરમાં ટેસ્ટ સમયે અમિતાભનું ઓક્સિજન લેવલ લગભગ 90 હતું, જે હોસ્પિટલમાં દાખલ થયા પછી વધીને 95% થયું છે
- મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું- અમિતાભ અને અભિષેકમાં કોરોનાના હળવા લક્ષણો હતા, એટલા માટે બન્નેનો કોરોના ટેસ્ટ કરાયો
- દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે તેઓ હોસ્પિટલ અને સરકારના સંપર્કમાં છે અને તેઓએ અમિતાભનું ખાસ ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે
દિવ્ય ભાસ્કર
Jul 12, 2020, 06:55 PM IST
મુંબઈ. અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ કરવામાં આવેલા નવા ટેસ્ટમાં ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાં જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અગાઉ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, રેપિડ ટેસ્ટમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેના હળવા લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. ઐશ્વર્યા તથા આરાધ્યા જલસા બંગલામાં જ આઈસોલેશનમાં રહીને સારવાર કરવાની સલાહ આપી છે. આ દરમિયાન બચ્ચન પરિવારના સંપર્કમાં કુલ 54 લોકો આવ્યા હતાં અને તેમની ઓળખ થઈ ગઈ છે, આમાંથી 30 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમનો રિપોર્ટ સોમવાર એટલે કે 13 જુલાઈએ આવશે.
નવા ટેસ્ટનો રિપોર્ટ એક પ્રાઈવેટ લેબનો છે અને ત્યારબાદ BMCના આસિસ્ટન્ટ કમિશનર વિશ્વાલ મોટે આ વિશે મોટા અપડેટની પુષ્ટિ કરી છે અને કહ્યું છે ઐશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જયા ઘરે ક્વોરન્ટિનમાં રહેશે.
અમિતાભના ચારેય બંગલા સીલ
BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ અમિતાભના ચાર બંગલા, જલસા, પ્રતિક્ષા, જનક તથા વત્સને સેનિટાઈઝ કર્યાં બાદ સીલ કરી દીધો છે. આ ચારેય બંગલામાં 30 લોકો કામ કરતાં હતાં અને તમામના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટ 13 જુલાઈ સુધીમાં આવશે.
એન્ટિજન ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
સવારે કરવામાં આવેલા એન્ટિજન ટેસ્ટમાં જયા, ઐશ્વર્યા, તેમની પુત્રી આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ BMCએ કહ્યું હતું કે, પ્રોટોકોલ અનુસાર, ત્રણેયને 14 દિવસના ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આ પિરિઅડ પૂર્ણ થયા બાદ ફરીથી ત્રણેયનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. અમિતાભ અને અભિષેકની તબિયત સારી છે અને જલ્દી રિકવર થઈ જશે. ત્રણેય બંગલાને સેનિટાઈઝ કરીને સીલ કરી દેવામાં આવ્યા છે અને બચ્ચન પરિવારને કોવિડ-19 સંબંધી તમામ નિયમોનું પાલન કરવું પડશે.
રવિવાર સવારથી બપોરના 3 વાગ્યા સુધીના મોટા અપડેટ્સ
1. ઐશ્વર્યા રાય તથા આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ, જ્યારે શ્વેતા નંદા, અગસ્ત્ય નંદા, નવ્યા નવેલી તથા જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ છે.
2. BMCની ટીમે અમિતાભના જુહુ સ્થિતિ જસલા બંગાલાને સેનિટાઈઝ કરવા માટે પહોંચી. અમિતાભના આ જ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા અને જનલ બંગલાને પણ સેનિટાઈઝ કરાયા છે.
3. જયા બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યાનો ફરીથી કરવામાં આવેલ કોવિડ-19 એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બીજા રિપોર્ટમાં માત્ર જયા બચ્ચન નેગેટિવ આવ્યા અને આરાધ્યા-ઐશ્વર્યા પોઝિટિવ આવ્યા હતાં. હવે અમિતાભ અને અભિષેકના બીજા ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
4. નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીએ મીડિયાને જણાવ્યું કે, અમિતાભની સ્થિતિ પહેલા કરતાં સારી છે. તેમનો પ્રારંભિક રિપોર્ટ સંતોષકારક છે.
5. અભિષેક બચ્ચનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ જૂહુના તે ડબિંગ સ્ટૂડિયોને બંધ કરવામાં આવ્યો છે, જ્યાં તેઓ પોતાની વેબ સિરિઝ બ્રીધઃ ઈંટૂ ધ શેડોનું ડબિંગ કરવા જતો હતો
6. નાણવટી હોસ્પિટલે કહ્યું કે, અમિતાભ-અભિષેકનું રેગ્યુલર મેડિકલ બુલેટિન બહાર પાડશે નહીં,. અમિતાભે ખુદ હોસ્પિટલના વહીવટી તંત્રને કહ્યું હતું કે તેઓ ટ્વિટર દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા રહેશે.
અપીલઃ અમિતાભે પહેલ કરી
અમિતાભે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું. પહેલાં સમાચાર આવ્યા હતા કે, જયા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, પરંતુ મોડી રાતે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. રાજેશ ટોપેએ કહ્યું કે, જયા-ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાનો ટેસ્ટ મોડો થયો હતો, જેનો રિપોર્ટ રવિવારે સાંજે આવશે.
ડરઃ અમિતાભને કોરોનાનુ જોખમ વધારે છે
11 ઓક્ટોબર 1942માં જન્મેલા અમિતાભ બચ્ચનને છેલ્લા 38 વર્ષથી અસ્થમા, લિવર, અને કિડનની પણ સમસ્યા છે. 77 વર્ષીય આ મહાનાયકની આંખમાં ધુંધળાપણું વધી રહ્યું છે, જેના વિશે તેમણે જાતે ત્રણ મહિના પહેલાં જણાવ્યું હતું. હેલ્થ ચેકઅપ માટે ઘણી વખત તેમણે નાણાવટી હોસ્પિટલમાં જવું પડે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ અમિતાભ બચ્ચનની તબિયત રાતે 2 વાગે અચાનક ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે 3 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આશંકાઃ અભિષેક દ્વારા વાઈરસ આવ્યો
બચ્ચન પરિવાર સુધી કોરોના કેવી પહોંચ્યો, તે સવાલ પર સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે શક્ય છે કે અભિષેક બચ્ચનના બહાર જવાના કારણે કોરોના પરિવાર સુધી પહોંચ્યો છે. તાજેતરમાં અભિષેકની પહેલી વેબ સિરિઝ બ્રીધ લોન્ચ થઈ છે. આ સિરિઝના એડિટિંગ માટે તેઓ પોતાના જુહુ બંગલા નજીક સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટુડિયોમાં જઈ રહ્યા હતા. અમિતાભ ઘરની બહાર નહોતા જતા અને ન તો તેઓ બહારથી આવેલા લોકોને મળતા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ સંક્રમિત વ્યક્તિના કારણે પહેલા અભિષેક પોઝિટિવ થયો અને ત્યારબાદ અમિતાભને પણ સંક્રમણ થયું. આ જાણકારી સામે આવ્યા બાદ સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટૂડિયોને સીલ કરવામાં આવ્યો છે અને અહીં આવનાર તમામ લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.
10 પોઈન્ટઃ સવારથી લઈને રાતના 3ઃ15 વાગ્યા સુધીની હેલ્થ અપડેટ
1. શનિવારે સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં તકલીફ બાદ અમિતાભનો રેપિડ એન્ટિજન કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. બે કલાક બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિષેકે પણ ટેસ્ટ કરાવ્યો.
2. શનિવારે સાંજે જાતે અભિષેક કાર ડ્રાઈવ કરીને અમિતાભને નાણાવટી હોસ્પિટલ લઈને પહોંચ્યા અને તેમણે દાખલ કરવામાં આવ્યા. તેના એક કલાક બાદ અભિષેક પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ સામે આવ્યો.
3. જ્યારે અમિતાભને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો તેમનું ઓક્સિજન લેવલ અંદાજે 90 ટકા હતું અને તેમને સામાન્ય તાવ પણ હતો. ત્યારબાદ તેમણે નાણાવટીના ડો. અબ્દુલ એસ અંસારીની સાથે ત્રણ ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
4. હોસ્પિટલ પહોંચ્યા બાદ અમિતાભ અને અભિષેકનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જેનો રિપોર્ટ રવિવાર સાંજ સુધી આવશે.
5. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ નાણાવટી હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પાટકરના હવાલાથી કહ્યું કે, તેમને કોરોનાવાઈરસનું વધારે ઈન્ફેક્શન નથી, પરંતુ કો-મોર્બિડ મેડિકલ હિસ્ટ્રી જોતા સાવધાની રાખવામાં આવી રહી છે.
6. મોડી સાંજે અભિષેકે તેમના અને પિતાના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી અને કહ્યું કે, અમે BMC સંપૂર્ણ ટેકો આપીશું. ત્યારબાદ BMCએ જુહુમાં બચ્ચનના ‘જલસા’ બંગલાને સેનિટાઝ કરવાનો નિર્ણય કર્યો છે.
7. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, રવિવારની સવાર અને સાંજ બંને સમયે અમિતાભ અને અભિષેકના સ્વાસ્થ્યને લઈને મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે.
8. દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ અમિતાભના કોરોના પોઝિટિવ હોવા પર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને હોસ્પિટલના સંપર્કમાં છે. તેમણે મોડી રાત્રે કહ્યું કે બંનેની હાલત સામાન્ય છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે.
9. રાતના બે વાગ્યે નાણાવટી હોસ્પિટલના ડોક્ટર અબ્દુલ અંસારીએ જણાવ્યું કે, બંનેની હાલત સ્થિર છે. બંનેનું ઓક્સિજન લેવલ લગભગ 95 ટકા પર સ્થિર છે. બંનેને ન તો ICU રાખવામાં આવ્યા છે અને ન તો વેન્ટિલેટરની જરૂર પડી છે.
10. એવું કહેવામાં આવ્યું કે બિગ બી અને અભિષેક બંને એસિમ્પ્ટોમેટિક હોઈ શકે છે. અમિતાભના લક્ષણો ગંભીર નથી, પરંતુ તેમની ઈમ્યુનિટીને ધ્યાનમાં રાખતા વિશેષ સાવધાની રાખવી જરૂરી છે.
બિગ બીએ જાતે ટ્વીટ કરી
શનિવાર સાંજે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. હવે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.’
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
અભિષેકે ટ્વીટ કરી પુષ્ટિ કરી
અભિષેકે પણ પોતાના ટ્વીટમાં લખ્યું કે- ‘આજે અમે બંને મારા પિતા અને હું કોવિડ-19 પોઝિટિવ છીએ. અમને બંનેને હળવા લક્ષણો હતા, જેના પછી અમે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છીએ. અમે તમામ જરૂરી અધિકારીઓને માહિતી આપી છે અને અમારા પરિવાર અને સ્ટાફના સભ્યોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું બધાને વિનંતી કરું છું કે તેઓ શાંત રહે અને ગભરાટ ફેલાવશે નહીં. આભાર.’
ડો. અબ્દુલ એસ અંસારી કરી રહ્યા છે સારવાર
Earlier today both my father and I tested positive for COVID 19. Both of us having mild symptoms have been admitted to hospital. We have informed all the required authorities and our family and staff are all being tested. I request all to stay calm and not panic. Thank you. 🙏🏽
— Abhishek Bachchan (@juniorbachchan) July 11, 2020
નાણાવટી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ અત્યારે ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીની સાથે ત્રણ ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના ડો. અંસારીની અમિતાભની દેખભાળ માટે વિશેષ નિમણૂક કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય ટેસ્ટ પણ કરવામા આવી રહ્યા છે. તે ઉપરાંત અમિતાભની નિયમિત સારવાર કરનારા ડો. અમોલ જોશી અને ડો. બર્વેની પણ મદદ લેવામાં આવી રહી છે.
1984થી 1987 સુધી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો
1984થી 1987 સુધી બિગ બી ત્રણ વર્ષ માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન તેઓ પોતાના મિત્ર રાજીવ ગાંધીને સપોર્ટ કરવા માટે રાજકારણમાં ઉતર્યા હતા. તેમણે અલ્હાબાદ લોકસભા બેઠક પરથી લોકસભાની સીટથી ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રભી હેમવતી નંદન બહુગુણાને સામાન્ય ચૂટણીમાં હરાવ્યા હતા. જો કે, રાજનીતિમાં અમિતાભ બચ્ચનની સફર લાંબી ચાલી નહીં.
ભાઈ અજિતાભ બચ્ચનનું બોફોર્સ કાંડમાં નામ આવ્યા બાદ બિગ બીએ રાજકારણ છોડી દીધું હતું. 1988માં તેમણે ફિલ્મ શહેનશાહથી ફિલ્મોમાં ફરીથી એન્ટ્રી કરી હતી અને 1992 સુધી સતત ફિલ્મોમાં સક્રિય રહ્યા. 1992માં ખુદા ગ્વાહની રિલીઝ બાદ બીગ બીએ ફરીથી પાંચ વર્ષનો બ્રેક લીધો હતો.
જો કે, ત્યારબાદ 1994માં તેમની ફિલ્મ ઇન્સાનિયત રિલીઝ થઈ હતી, જેનું શૂટિંગ તેઓ પહેલા કરી ચૂક્યા હતા. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તેના પાંચ વર્ષ સુધી બિગ બી કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહોતા પરંતુ 2000માં તેમણે ફિલ્મ ‘મોહબ્બતે’થી બોલિલૂડમાં વાપસી કરી હતી અને ત્યારથી તેઓ સતત કામ કરી રહ્યા છે.
અમિતાભ માત્ર 25% લિવરના સહારે જીવે છે
2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે, તેઓ માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હિપેટાઇટિસ-બી વાઈરસના કારણે 75% લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન હિપેટાઇટિસ-બીનો ભોગ બન્યા હતા. તે સમયે 200 ડોનર્સની લગભગ 60 બોટલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.
આમાંના એક ડોનરના લોહીમાં હેપેટાઇટિસ-બી વાઈરસ હતો. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ વાઈરસ તેમની બોડીમાં આવી ગયો. 2000 સુધી બધું સામાન્ય હતું. બાદમાં મેડિકલ ચેકઅપમાં જાણવા મળ્યું કે લિવરમાં ઈન્ફેક્શન છે, જેના કારણે 75% લિવર કોઈ કામનું નહોતું રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12% લિવરની સાથે જીવતી રહી શકે છે, જો કે, કોઈ વ્યક્તિ આ સ્ટેજ સુધી આવવા નથી માગતો.
ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે બિગ બી
- જુલાઈએ 1982માં કુલીના શૂટિંગ દરમિયાન, અમિતાભને પુનીત ઈસ્સરની સાથે ફાઈટિંગ સીનમાં થયેલી ઈજા અત્યંત જોખમી હતી. ત્યારબાદ તેઓ સતત 61 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા.
- કુલી દરમિયાન થયેલી દુર્ઘટના બાદ તેમણે દવાઓનો ભારે ડોઝ લીધો હતો. તેના થોડા સમય બાદ તેઓ મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીનો ભોગ બન્યા. બ્લડ ટ્રાન્સફ્યુઝનના કારણે તેમણે ઘણા વર્ષો બાદ લિવર સિરોસિસની તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
- ત્યારથી તેમનું લિવર નબળું થઈ ગયું છે. તે એક અકસ્માત તેના આંતરિક અવયવોને એટલું નુકસાન પહોંચાડ્યું કે તેની આડઅસર હજી પણ સામે આવતી રહે છે.
- થોડા વર્ષો પહેલા તમને પેટમાં સમસ્યા થઈ હતી. ‘ ડાયવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઈન’ નામની આ બીમારીની સારવાર કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમના પેટમાં અચાનક તીવ્ર દુઃખાવો થવા લાગ્યો અને પાચનતંત્રમાં સમસ્યા થઈ. ઓક્ટોબર 2019માં પણ આવું જ થયું હતું અને તેમણે ત્રણ દિવસ નાણાવટીમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- કૌન બનેગા કરોડપતિ શરૂ થતાં પહેલાં અમિતાભ 2000માં ટીબીનો ભોગ બન્યા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી તેમણી સારવાર ચાલી હતી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેનકિલર લેતા હતા. તેમણે આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા પણ છે.
- એપ્રિલ 2020ના રોજ એક પોસ્ટ લખીને અમિતાભે કહ્યું- મારી આંખોથી તસવીરો ધૂંધળી દેખાય રહી છે. કેટલીક વાર બે બે વસ્તુઓ દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોથી, હું પણ આ તથ્યને માનવા લાગ્યો છું કે, મારી આંખોની રોશની જતી રહેશે અને અંધત્વ પહેલાથી જ મારી અંદર પહેલેથી ચાલી રહેલી લાખો બીમારીઓમાં વધારો કરશે.
Be the first to comment on "અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ"